‘સર્જકને કોઈ એવોર્ડ મળે છે ત્યારે ભાષા, સાહિત્યની સેવા-સાધના-સર્જનનું સન્માન છે’

 

ભુજઃ કોઈ સર્જકને કોઈ એવોર્ડ મળે છે ત્યારે ભાષા, સાહિત્યની સેવા-સાધના-સર્જનનું સન્માન થતું હોય છે અને આવા સન્માનો સર્જકને વધુ કલમ કર્મના પ્રોત્સાહન-પ્રેરણા પૂરાં પાડે છે તેવી લાગણી શનિવારની સાંજે શહેરમાં યોજિત ડો. જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા ‘સંસ્મૃતિ’ યોજિત એવોર્ડ વિતરણ અને પુસ્તક વિમોચન સમારોહમાં વ્યક્ત કરાઇ હતી. 

શહેરની વિજયરાજજી લાયબ્રેરીના હોલમાં યોજિત સમારોહમાં જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને જયંત ખત્રી-બકુલેશ એવોર્ડ અને કચ્છી સર્જક કાનજીભાઇ મહેશ્વરીને કચ્છી સાહિત્યમાં પ્રદાન બદલ મનુભાઇ પાંધી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સાથોસાથ ‘સંસ્મૃતિ’ના અધ્યક્ષ રમીલાબેન મહેતાના ટૂંકીવાર્તાઓ સમાવતા પુસ્તક ‘પ્રતિબિંબ’નું વિમોચન કરાયું હતું. સન્માનના પ્રતિભાવમાં કચ્છી સર્જક કાનજી મહેશ્વરીએ કહ્યું હતું કે, આ કચ્છી સાહિત્યની કદર થઇ છે. રતિલાલ બોરીસાગર વતી ખ્યાત ચિંતક હરેશભાઇ ધોળકિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. અખિલ મહેશ્વરી વિકાસ સેવા સંઘના પ્રમુખ કન્નરે પણ કાનજીભાઇને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ડો. દર્શનાબેન ધોળકિયાએ રતિલાલ બોરીસાગરનો પરિચય આપતાં કહ્યું હતું કે, શારીરિક, માનસિક, કૌટુંબિક તાણની સ્થિતિ વચ્ચેય સદાય પ્રસન્ન રહેલા બોરીસાગરનું હાસ્ય નિર્દોષ છે. તેઓ હાસ્યલેખકથી વધુ સંશોધક અને સંપાદક છે. રાજ્યના પાઠયપુસ્તક મંડળમાંયે સક્રિય રહ્યા છે. 

સન્માનિત લેખક કાનજીભાઇ મહેશ્વરીનો પરિચય આપતાં જાણીતા લેખક ગૌતમ જોશીએ જણાવ્યું હતું કે, સાહિત્યકાર હોવા ઉપરાંત કાનજીભાઇ કચ્છ-ગુજરાતના ઇતિહાસકાર તરીકે પણ લોકપ્રિય છે. તેઓ કચ્છની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મા આશાપુરા બી.એડ. કોલેજના આચાર્ય પલ્લવીબેન શાહે ‘પ્રતિબિંબ’ પુસ્તકનો પરિચય આપતાં કહ્યું હતું કે, આ પુસ્તક મધ્યમવર્ગના લોકોની સમસ્યાઓને સમાવતી ટૂંકીવાર્તાઓને એકી બેઠકે વાંચી જવાનું મન થાય તેવો સંગ્રહ છે. 

આરંભમાં ‘સંસ્મૃતિ’ના મંત્રી ઝવેરીલાલ સોનેજીએ અતિથિઓને આવકાર્યા હતા. ‘સંસ્મૃતિ’ના મોવડી કીર્તિભાઇ ખત્રીએ સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, પાંચ દાયકાથી આ સંસ્થા સતત વિવિધ સાહિત્યપોષક પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થા તરફથી જિતેન્દ્ર ખત્રી, ‘સપ્તરંગ’ના જગદીશ ભટ્ટ સહિત સભ્યોએ મહેમાનોનું સન્માન કર્યું હતું. સંચાલન પૂજા કશ્યપે, ઝવેરીલાલ સોનેજીએ આભારવિધિ કર્યા હતા. આ અવસરે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કાંતિ ગોર, જાણીતા ચિંતક હરેશ ધોળકિયા, જાણીતા સર્જકો મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, લાલજી મેવાડા ‘સ્વપ્ન’, પ્રા. સંજય ઠાકર સહિત સાહિત્યકારો, સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here