ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા માલાબાર નેવી અભ્યાસઃ ચીનને મોટો આંચકો

 

નવી દિલ્હીઃ આવતાં મહિને થવા જઇ રહેલી વાર્ષિક માલાબાર નૌસેના કવાયતમાં ઓસ્ટ્રેલિયા પણ સામેલ થશે. આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા માટે ભારત ઉપરાંત અમેરિકા અને જાપાન પહેલેથી જ સંમતિ આપી ચૂક્યા છે. કુઆડ તરીકે જાણીતી થયેલી ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ધરીની આ પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત હશે.

ભારતે સોમવારે આ માલાબાર નેવી અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાને આમંત્રણ મોકલ્યું હતું જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતીય રક્ષા મંત્રાલયે જાણકારી આપી હતી કે, આ અભ્યાસ દરિયામાં પરસ્પર સહયોગ અને સુરક્ષાને પ્રોત્સાહન આપનારું હશે. 

મંત્રાલયે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદા અને વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ દેશો આ સામુહિક રૂપથી સ્વતંત્ર, ખુલ્લું અને સમાવેશી ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં થનારી કવાયતનું સમર્થન કરે છે. ઓસ્ટ્રેલિયાએ આ આમંત્રણ સ્વીકારી લીધું તે બાબત અને આ ચારેય દેશોની સંયુક્ત નૌકા કવાયત ચીન માટે એક આંચકા સમાન હશે. આમ પણ આ ચારેય દેશોની ધરી ચીનના, ખાસ કરીને દક્ષિણ ચીની સમુદ્રમાં વધતા આક્રમક અભિગમ સામે જ રચાઇ છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત દરિયાઇ સુરક્ષા ક્ષેત્રે અન્ય દેશો સાથે સહયોગ વધારવા માંગે છે અને ઓસ્ટ્રેલિયન નેવી પણ ઓસ્ટ્રેલિયા સાથે વધતા સંરક્ષણ સહયોગને ધ્યાનમાં રાખીને માલબાર ૨૦૨૦માં ભાગ લેશે. વિશેષ બાબત એ છે કે આ વખતે આ પ્રણાલી નોન કોન્ટેક્ટ એટ સી ફોર્મેટમાં ઘડવામાં આવી છે. આ કવાયત સામેલ દેશોની નૌકાદળમાં સહકાર અને સંકલનને મજબૂત બનાવશે.

મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કવાયત આ વર્ષના અંત સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અપેક્ષિત છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન લિન્ડા રેનોલ્ડ્સે પણ આ કવાયત માટે સમર્થન વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે માલાબાર યુદ્ધાભ્યાસ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના ચાર મોટા લોકશાહી દેશોમાં, સામાન્ય સુરક્ષા હિતો પર એક સાથે કામ કરવા માટે ઊંડો વિશ્વાસ અને તેમની સહિયારી ઇચ્છા દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here