વિશ્વ કલ્યાણ અર્થે દ્વારિકામાં નવકુંડી મહાયજ્ઞ 

 

દ્વારિકા: દ્વારકામાં વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં આપણે જી-૨૦ સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ રહેલી છે. દ્વારકામાં વિશ્ર્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે તેમાં પણ ‘બહુજન સુખાય બહુજન હિતાય’ સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોકસેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દિશા દર્શનમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે.

ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, મહંત નરસિંહદાસજી મહારાજ  ધ્રોલ, જગતગુ‚ મહંત અયોધ્યાચાર્યજી મહારાજ હરિદ્વાર, મહંત દિલીપદાસજી મહારાજ – અમદાવાદ સહિતના મહંતો, કલેકટર એમ. એ. પંડ્યા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here