વરિષ્ઠ ગુજરાતી પત્રકાર બિપીનકુમાર શાહનું અવસાન

 

અમદાવાદ: બિપીનકાકાના હુલામણા નામે ઓળખાતા અને છેલ્લા પાંચ દાયકાથી ગુજરાત વિધાનસભા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રિપોર્ટિંગ કરતાં સૌથી વરિષ્ઠ ગુજરાતી પત્રકારો પૈકીના એક બિપીનકુમાર શાહનું ટૂંકી માંદગી બાદ દુ:ખદ અવસાન થયું છે.

ગુજરાતી પત્રકારત્વમાં એક આગવી ચીલો ચાતરનાર બિપીનકાકાની ઓળખ સંદેશમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ‘વિધાનસભાના દ્વારેથી’ અને ‘શહેરની સરગમ’ દ્વારા પ્રસ્થાપિત થઈ હતી. કોર્પોરેશનમાં સૌથી વધુ અનુભવી પત્રકાર હોવાના નાતે સત્તાધારી પક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો બિપીનકાકાની આમન્યા જાળવતા અને મૈયરથી માંડીને મ્યુનિસિપલ કમિશનર પણ ક્યારેક પેચીદા પ્રશ્ર્નો ઉકેલવા બિપીનકાકાની કોઠાસૂઝનો લાભ લેતા. કોર્પોરેશનના કર્મચારીઓના પ્રશ્ર્નોથી માંડીને શહેરની સમસ્યાઓ તથા રાજ્ય સરકારની અનેક નીતિવિષ્યક બાબતો ૫૨ તેમની ગજબની પકડ અને હથોટી હતી. કારણ કે, બિપીનકાકાએ પાયાનું પત્રકારત્વ કર્યું હતું. વર્ષો સુધી ફિલ્ડ રિપોર્ટિંગ અને ગાંધીનગરની બીટને કારણે બિપીનભાઈની ગણના ગુજરાતના અભ્યાસુ કટારલેખકોમાં થતી હતી. તેમના સ્વભાવની લાક્ષણિક્તા એ હતી કે, તેમની કોલોનીથી માંડીને કોર્પોરેશનના કોઈપણ કર્મચારીના સુખ-દુ:ખમાં તેઓ સહભાગી રહેતા. ગરીબ અને મધ્યમવર્ગના સાથીઓને કોર્પોરેશન કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સારવારથી માંડીને જટિલ શસ્ત્રક્રિયા સુધીમાં તેઓ મદદ‚પ થતાં. બલ્કે સૌને સહાય કરવા ખડેપગે રહેના. કોરોનાના કાળમાં તેમણે સંખ્યાબંધ લોકોને મદદ કરીને હોસ્પિટલમાં સારવાર અપાવી હતી.

પરગજુ પ્રવૃત્તિના પ્રહરી અને અલગારી વ્યક્તિત્વ ધરાવતા બિપીનકાકાની વિદાયથી ‘શહેરની સરગમ’ સૂની થઈ ચૂકી છે. ‘વિધાનસભાના દ્વારે’ વરિષ્ઠ પત્રકારત્વના એક યુગ પર જાણે પડદો પડી ગયો છે. પોતાની માતાના નામે દર વર્ષે પત્રકાર કોલોનીમાં ગરબાનો કાર્યક્રમ આયોજિત કરી આબાલવૃદ્ધ સહુને સાંસ્કૃતિક મનોરંજન પૂરું પાડવામાં હંમેશા ઉત્સાહી જણાતા બિપીનકાકા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી સારા કલાકારોને ગરબામાં બોલાવી પ્રોત્સાહન આપતા. પરંતુ કમનસીબે ચૈત્રી નવરાત્રિની પૂર્વસંધ્યાએ તેમણે જીવનલીલા સંકેલી લીધી. બિપીનકાકાની વિદાયથી તેમના અંગત પરિવારને જ નહીં, સમગ્ર ગુજરાતી પત્રકારત્વને એક મોભીની ખોટ પડી છે. (સૌ. નવગુજરાત સમય)