વિનોદ ભટ્ટઃ મારી નજરે


ગુજરાતના જાણીતા હાસ્યલેખક અને ‘ગુજરાત ટાઇમ્સ’ના કટારલેખક વિનોદ ભટ્ટના નિધન નિમિતે તેમને શ્રદ્ધાંજલિ અર્પતો લેખક રતિલાલ બોરીસાગરે ઈ. સ. 1976-77માં ‘કુમાર’ની ‘વિનોદની નજરે’ શ્રેણીના અનુસંધાનમાં ‘કુમાર’ માટે લખેલો આ હાસ્યનિબંધ અત્રે પ્રસ્તુત છે.
– તંત્રી

સદ્ગત જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની હાસ્યનવલથા ‘અમે બધાં’માં એક વાક્ય એવું આવે છે કે ‘વહુની પેઠે સર્વાંગસુંદર ને સર્વગુણસંપન્ન નામ મળવું અશક્યવત્ છે. વહુની બાબતમાં તો આ વાત સંપૂર્ણપણે સાચી છે એ પરણેલો દરેક પુરુષ જાણે છે, ને કોઈ વાર અકસ્માત્ સર્વાંગસુંદર ને સર્વગુણસંપન્ન પત્ની મળી પણ જાય એવું કહીને હું ુંકુંવારા પુરુષોને ગેરમાર્ગે દોરવા નથી માગતો. એમાં તો જે પત્ની મળી તેને જ સર્વાંગસુંદર ને સર્વગુણસંપન્ન માનવી એ જ ડહાપણનો માર્ગ છે ને પરણ્યા પછી વહેલુંમોડું આવું ડહાપણ આવી જતું હોય છે, પણ નામની બાબતમાં કોઈ કોઈ વાર આવો સુખદ અકસ્માત્ થાય છે ખરો. જશવંતલાલ ભટ્ટના સુપુત્ર વિનોદનું નામ આવો એક સુખદ અકસ્માત્ છે. નામ ને કામ વચ્ચે આવો સાચકલો સંબંધ ભાગ્યે જ જોવા મળે છે. આજના આ સુપ્રસિદ્ધ હાસ્યકારનું નામકરણ કરનાર વ્યક્તિને કદાચ ખબર નહિ હોય છે કે જે છોકરાનું નામ હું ‘વિનોદ’ પાડું છું તેના જીવનનો પ્રધાન સૂર વિનોદ બની રહેશે.
હાસ્યલેખકો હસાવી શકે છે, પણ હસી શકતા નથી એવું કહેવાય છે, પણ વિનોદ હસી પણ શકે છે – ખટખડાટ હસી શકે છે. હસવું ને હસાવવું – આ બે કામ માટે જ એણે આ પૃથ્વી પર અવતાર લીધો હોય તેવું એની વૃત્તિ ને પ્રવૃત્તિ પરથી લાગે છે. તમને જો એનો ઘનિષ્ઠ પરિચય ન હોય તો તમને એમ જ લાગે કે ‘ગંભીરતા’ જેવો શબ્દ આ માણસના જીવનકોશમાં મૂકવાનો જ રહી ગયો છે.
આટલું નામ કમાયા છતાં વિનોદ નમ્ર રહ્યો છે. વિનોદ ભટ્ટના નામથી ઘણા અંજાયા છે, પણ એ પોતે અંજાયો નથી. ગરીબીમાંથી ધીમે ધીમે આગળ વધી ખાધેપીધે સુખી થનાર માણસ આગલા દિવસોની ગરીબાઈ યાદ રાખી અભિમાનથી અળગો રહે તેમ આજે આપણા પ્રથમ પંક્તિના હાસ્યકારોમાં માનભર્યું સ્થાન મેળવનાર વિનોદે લેખનની શરૂઆત રમૂજી ટુચકાઓના બે સંગ્રહો પ્રગટ કરીને કરી હતી તે વાત બીજાં બધાં ભૂલી ગયાં છે, પણ વિનોદ પોતે આ વાત ભૂલ્યો નથી. કોઈ વાચક એની કૃતિનાં વખાણ કરતો પત્ર લખે તો એ ખુશખુશ થઈ જાય છે. અજાણ્યા વાચકને પણ એ પત્રનો પ્રત્યુતર તરત પાઠવે છે. એને ઘણાં ઇનામો ને ચંદ્રકો મળ્યાં છે, છતાં હજી પણ એકાદ નાનકડું ઇનામ પણ મળી જાય તો રાજીરાજી થઈ જવાની મુગ્ધતા એણે અકબંધ સાચવી રાખી છે.
મિત્રો માટે એના હૃદયમાં અનહદ પ્રેમ છે. એ જે બે-ત્રણ ભાષાઓ જાણે છે તે દરેક ભાષાનું એનું વ્યાકરણ તદ્દન કાચું છે, પણ મૈત્રીનું વ્યાકરણ એકદમ પાકું છે. એના હૃદયમાં પત્ની(ઓ) પછીનું તરતનું સ્થાન મિત્રોનું છે. જોકે એની પત્નીઓ કહે છે કે અમારું સ્થાન મિત્રો પછી આવે છે. પત્ની(ઓ)ની વાત ખોટી છે એવું એ પત્ની(ઓ)ને કહે છે ને સાચી છે એવું મિત્રોને કહે છે. મિત્રોનું કામ એ અરધા વેણે કરી આપશે, પણ સામી અપેક્ષા નહિ રાખે. છતાં મિત્ર પર ઉપકારનો ભાર ન પડે એવા સદાશયથી એ એક અપેક્ષા હંમેશાં રાખે છે ને તે – એની કૃતિઓ વાંચવાની ને સાંભળવાની. તમે એને ઘેર જાઓ ત્યારે એણે શસ્ત્રો સજી જ રાખેલાં હોય. ચા-નાસ્તો કરાવી, બે-ચાર ટુચકા સંભળાવી, તમને તાજામાજા બનાવી (હલાલ કરતાં પહેલાં બકરાને તાજોમાજો કરવામાં આવે છે તેમ) પછી લોકકથાનો નાયક જેમ તાતી તલવાર કાઢે તેમ એ તાજી છપાયેલી કૃતિની ઓફ-પ્રિન્ટ્સ કે ક્યાંક મોકલવા ધારેલા લેખકની નકલ કાઢે છે ને વાંચવા માંડે છે. લેખકનું વાચન ચાલતું હોય ત્યારે પત્નીને પણ ખલેલ પહોંચાડવાની મનાઈ હોય છે, ઉનાળાની શીતળ થતી જતી રાત્રિ હોય તો ઘેર એકાદ-બે કૃતિ સંભળાવી, પછી તમને કાંકરિયા ફરવા લઈ જાય ને ત્યાં હાજમાહજમ પાઈ તમારી લેખો પચાવવાની શક્તિ વધારી, મ્યુનિસિપાલિટીના દીવે બીજી કૃતિઓ વાંચી સંભળાવે. અભ્યાસકાળ દરમિયાન મ્યુનિસિપાલિટીના દીવે વાંચીને પરીક્ષા આપનાર મહાપુરુષોનાં કેટલાં દષ્ટાંતો આપણે જાણીએ છીએ-ઘરમાં બેઠાં-બેઠાં, વીજળીના દીવે વાંચવાની પણ આળસ કરનારાં બાળકોને એમનાં મા-બાપ આવાં દષ્ટાંતો ખાસ કહી સંભળાવે છે, પણ મ્યુનિસિપાલિટીના દીવે પોતાની કૃતિઓ વાંચી સંભળાવનારો લેખક તો વિશ્વસાહિત્યમાં એકમાત્ર વિનોદ જ હશે. કૃતિ સંભળાવ્યા પછી વિનોદ પ્રશંસાભૂખી નજરે શ્રોતા સામે જોઈ રહે છે. વિનોદની કૃતિ સારી જ હોય છે, પણ કોઈ વાર એની કક્ષાની ન હોય તો પણ શ્રોતાને ખોટું બોલવાનુું મન થઈ જાય એવી પ્રશંસા સાંભળવાની ઉત્સુકતા એની આંખોમાં દેખાય છે.
લેખનમાં કોઈની શેહશરમ ન રાખનારા આ માણસને કોઈ સભામાં બોલવાનું આવે છે ત્યારે એ રાંક બની જાય છે. મિત્રોની મંડળીમાં એ સોળે કળાએ ખીલી ઊઠે છે. પાંચ-દસ મિત્રોનું જૂથ બેઠું હોય ત્યારે પ્રમુખ વક્તા એ જ હોય છે. તે વખતે એને બોલતો અટકાવવાનું કામ અઘરું જ નહિ, અશક્ય હોય છે, પણ આવા વાણીવીરને કોઈ સભામાં બોલવાનું આવે છે ત્યારે અર્જુનની જેમ એનાં ગાત્રો ધ્રૂજે છે અને મુખ સુકાય છે. જેમ ફાંસીની સજા જાહેર થાય ત્યારથી જ આરોપીની ઊંઘ ઊડી જાય છે ને છેક લટકી જાય ત્યાં સુધી અસ્વસ્થતા અનુભવે છે તેમ ‘આ સભામાં તમારે બોલવાનું છે એવું વિનોદને કહેવામાં આવે છે ત્યારથી જ એની અસ્વસ્થતાનો આરંભ થઈ જાય છે. સભા શરૂ થવાને અર્ધોપોણો કલાકની વાર હોય ત્યારે તો એની અસ્વસ્થતા પરાકાષ્ઠાએ પહોંચે છે. દર પાંચ મિનિટે એને શિવામ્બુની હાજત થાય છે. કોઈ સભાના પ્રારંભ પહેલાં તમે વિનોદને વારંવાર શિવામ્બુ-આલયમાં જતો જુઓ તો એ સભામાં એ વક્તા હશે એવી આગાહી, ખોટા પડવાનો સહેજે ભય રાખ્યા વિના, તમે કરી શકો. કોઈ સભામાં ભાષણ કરવા બદલ પુરસ્કારની વ્યવસ્થા ન હોય તો એનો તેને વાંધો નથી હોતો, પણ સભાના સ્થળે શિવામ્બુ-આલયની વ્યવસ્થા ન હોય તો એ વક્તા તરીકે જતો નથી.
એ જ રીતે એ જ્યારે રિક્ષામાં બેસે છે ત્યારે પણ એવો જ અસ્વસ્થ થઈ જાય છે. (રિક્ષા લેવા માટે કોઈને મોકલે છે તો ખાસ સૂચના આપે છેઃ સી.એન.જી. રિક્ષા અને વૃદ્ધ રિક્ષાડ્રાઇવર હોય તે ખાસ જોજો. અને પછી ઉમેરે છેઃ વૃદ્ધને મરવાની ઉતાવળ નથી હોતી!) રિક્ષાવાળાને કહે છે કે ‘ભાઈ રૂપિયો વધારે લેજે, પણ મારે જ્યાં પહોંચવું છે ત્યાં જ પહોંચું એટલા માટે ધીમેથી ચલાવજે. કોઈ મિત્ર સાથે હોય તો ગમ્મતમાં એમ પણ કહે છે ‘ગુજરાતમાં હાસ્યલેખકો બહુ ઓછા છે એ પરિસ્થિતિમાં એ શ્રેષ્ઠ હાસ્યલેખક વહેલો મરી જાય તે ગુજરાતી ભાષાને પોસાય નહિ. જો આવી મજા તો એ રિક્ષા ચાલુ થાય તે પહેલાં જ કરી શકે છે. એક વાર રિક્ષા દોડતી થાય તે પછી તો વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું જોખમ હોય તે વેળા યુનોના મહામંત્રીનો ચહેરા જેવો ગંભીર હોય તેવો ગંભીર ચહેરો વિનોદનો થઈ જાય છે. પોતાની ઇચ્છા પ્રમાણેની ગતિથી વાહન ચલાવી શકાય એટલા માટે જ એ સ્કૂટર રાખે છે. અમદાવાદમાં જો સૌથી વધુ ધીમું સ્કૂટર ચલાવનારને દર વર્ષે ઇનામ અપાતું હોય તો વિનોદ જ્યાં સુધી અમદાવાદમાં રહે ત્યાં સુધી એ ઇનામ બીજા કોઈને મળી શકે નહીં.
સવારે ક્યાંક પહોંચવાનું હોય તો એ રાતથી જ અસ્વસ્થ થઈ જાય છે. બહારગામ જવાનું હોય તો રાત્રે ઊંઘવાનું એને માટે શક્ય નથી હોતું. સ્ટેશને કે બસ-સ્ટેન્ડે એ હંમેશાં વહેલો પહોંચી જવાનો. એક વાર મારા ગામમાં – સાવરુંડલામાં – એનો કાર્યક્રમ રાખેલો. હું સાથે જવાનો હતો. સોમનાથ મેલ એ વખતે રાત્રે નવ ને પાંત્રીસ મિનિટે ઊપડતો. હું સવા નવ વાગ્યે સ્ટેશને પહોંચ્યો ત્યારે વિનોદ આકુળવ્યાકુળ થઈ પ્લેટફોર્મ પર આંટા મારતો હતો. મને જોઈને કહે, ‘યાર, આટલું બધું મોડું કરવાનું? મેં કહ્યું, ‘હું મોડો નથી, વીસ મિનિટ વહેલો છું. આપણી ટ્રેનો સમયસર પણ ઊપડતી નથી ત્યાં એ વહેલી ઊપડી જશે એવો ભય રાખવાની તો જરૂર જ નથી.
‘હા, એ ખરું, પણ રેલવેવાળાઓને આજે જ એમની કાર્યક્ષમતા દેખાડવાનો ઉત્સાહ આવે તો આપણે તો રખડી પડીએ ને! હું તો સવા આઠ વાગ્યાનો આવી ગયો છું.
એક વાર એક સભામાં એને બોલવાનું હતું ત્યાં એટલો વહેલો પહોંચી ગયો હતો કે હોલનો દરવાજો ખોલનાર વોચમેન પણ એની પછી આવેલો.
આપણે ત્યાં કવિસંમેલનનું – મુશાયરાનું સંચાલન હાસ્યલેખકને સોંપવાનું એક વલણ છે. વિનોદ આજકાલ આવાં કવિસંમેલનોનું સંચાલન કરે છે. કવિસંમેલનનું સંચલાન કરતી વખતે એને સહેજે સભાક્ષોભ નડતો નથી. એ આરામથી કવિ અને કવિતાની (જો આમ તો અ-કવિતાની) ઠેકડી કરે છે. એની મજાકો સાંભળવા શ્રોતાઓ કવિતા સહન કરી લે છે. હમણાં એક વાર એ મુશાયરામાં ટિકિટ રાખવામાં આવેલી. વિનોદ એનું સંચાલન કરવાનો હતો. છાપામાં આની જાહેરાત વાંચી મેં વિનોદને ફોન કર્યો કે કવિતા પણ સાંભળવાની ને પૈસા પણ આપવાના – આવો બેવડો માર અમદાવાદની પ્રજા કેવી રીતે સહન કરી શકશે! ત્યારે એણે કહ્યું કે ‘મેં મુશાયરાના આયોજકોનું પણ આ બાબતમાં ધ્યાન દોરેલું, પણ તેઓ કહેતા હતા કે તમે કવિતાની વચમાં વચમાં જે ટુચકા કહેવાના એની ફી રાખી છે. કવિતા તો મફત જ છે. મુશાયરાના કાર્યક્રમમાં વિનોદ જ કેન્દ્રસ્થાને રહે છે. કવિઓ પણ પોતાની કવિતા સંભળાવવાની દુર્લભ તક જતી ન કરવાના શુભાશયથી વિનોદની મજાક સહન કરી લે છે. કેટલાક શ્રોતાઓ તો વિનોદ ભટ્ટનો ટુચકો આવે ત્યારે મને જગાડજો એવી પડોશીને ભલામણ કરી, કવિતાની રજૂઆત દરમિયાન ઝોકું પણ ખાઈ લે છે.
મનુષ્યજાતિ માટે વિનોદને ખૂબ લાગણી છે. આ મનુષ્યજાતિમાં પણ મૃદુ જાતિ તરફ વિશેષ લાગણી છે. વિનોદમાં અપાર નારીવત્સલતા છે. એનું સખીવૃંદ કોઈ પણ પુરુષને ઈર્ષા થાય એટલું મોટું છે. વિનોદ ગુજરાતનો પહેલા નંબરનો ‘વનિતાપ્રિય લેખક’ છે. (‘વનિતાપ્રિય સમાસનો બન્ને રીતે વિગ્રહ થઈ શકે તેમ છે – ‘વનિતા જેને પ્રિય છે તેવો’ અને ‘વનિતાને જે પ્રિય છે તેવો’). પુરુષો તો એમનામાં અમુક યોગ્યતા હોય તો જ વિનોદનો આદર પામે છે, પણ સ્ત્રી તો કેવળ સ્ત્રી હોવાને કારણે જ એના આદરની અધિકારિણી બની રહે છે. ‘શિશુવર્ષ’ નિમિત્તે પ્રગટ થનારા એક પુસ્તક માટે આપણા જાણીતા છબિકાર જ્યોતિ ભટ્ટે એની પાસે લેખ મગાવ્યો ત્યારે ‘જ્યોતિ નામથી છેતરાઈને – એ સ્ત્રી છે એવું વિનોદે માની લીધેલું ને ખૂબ કાળજી લઈ તેને તે દિવસે લેખ લખી, મઠારી, રવાના કરી દીધો.
પછી મારી સાથે વાત થઈ, મને કહે, ‘યાર, આટલું સ્ત્રીદાક્ષિણ્ય તો આપણામાં હોવું જોઈએ ને! મેં કહ્યું, ‘આ કૃત્ય સ્ત્રીદાક્ષિણ્યનું નથી, પુરુષદાક્ષિણ્યનું છે. જ્યોતિ ભટ્ટ સ્ત્રી નથી, પુરુષ છે. આ પછી જ્યોતિ ભટ્ટ માટેનો એનો ઉત્સાહ ઓસરી ગયો.
વિનોદનું સ્ત્રીદાક્ષિણ્ય એની પત્નીઓથી પણ અજાણ્યું નથી. નલિનીભાભીએ વિનોદ વિશે એક લેખ ‘કુમાર’ માટે કરેલો. તેમાં એમણે લખ્યું છે કે ‘અમારા પતિ જ્યારે ઝડપથી અને ઉત્સાહથી ક્યાંક જતા હોય છે ત્યારે અમે માની લઈએ છીએ કે એ કોઈ સ્ત્રીમિત્રનું ચીંધેલું કામ કરવા જઈ રહ્યા છે!
સામાન્ય રીતે પુરુષને એક પત્ની હોય છે (કેટલાક ડાહ્યા અને નસીબદાર પુરુષોને તો એ પણ નથી હોતી!) જ્યારે વિનોદને બે પત્નીઓ છે. એક સ્ત્રી સાથે સફળતાપૂર્વક જીવન ચલાવવું અઘરું છે ત્યારે વિનોદ બે મોરચે સફળતાપૂર્વક લડી રહ્યો છે. એક પત્નીને પણ કાયમ માટે રાજી રાખી શકાતી નથી ત્યારે વિનોદ બન્ને પત્નીઓને ખુશ રાખી શકે છે. ‘બન્ને ભાભીઓ તને આટલી સરસ રીતે સાચવે છે તેનું રહસ્ય શું છે?’ એવો સવાલ મેં એને એક વાર કરેલો ત્યારે એણે કહેલું છે ‘જે માણસ બે સ્ત્રીઓ લઈ આવ્યો તે કોઈ દિવસ ત્રીજી પણ લઈ આવશે એવી પત્નીઓને બીક લાગતી હશે એટલે એ બન્ને સંપીને રહે છે ને મને સારી રીતે રાખે છે.’ મારે કહેવું જોઈએ કે બન્ને ભાભીઓને આવી બીક હોય તો એ છેક અકારણ નથી!
અમદાવાદમાં રિક્ષામાં બે જણ બેસી શકે તેવો પહેલા કાયદો હતો, પણ વિનોદ ભટ્ટની મુશ્કેલી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ રિક્ષામાં ત્રણ જણ બેસી શકે તેવો કાયદો કરવામાં આવ્યો છે એવી એક લોકવાયકા છે. પાઠકસાહેબે પતિ, પત્ની ને બાળકોના મંગલ ત્રિકોણની એ સુંદર કવિતા લખી છે. વિનોદના જીવનમાં બે પત્ની ને એક પતિ એવો વિલક્ષણ ત્રિકોણ રચાયો છે. એ વિલક્ષણ છે તે તો સ્પષ્ટ છે, પણ મંગલ પણ છે એ એની એથી પણ મોટી વિલક્ષણતા છે. આ મંગલ ત્રિકોણનું એક દશ્ય મને યાદ છેઃ
એ દિવસોમાં વિનોદને હૃદયરોગનો હળવો હુમલો થયેલો. હાસ્યલેખકની કોઈ વાત ગંભીરતાથી લેવાતી નથી એ એના જીવનની એ કરુણતા છે. વિનોદની આ ગંભીર માંદગી પણ હળવી રીતે લેવાયેલી. હું જ્યારે ખબર પૂછવા ગયો ત્યારે તબિયત પ્રમાણમાં સારી હતી. વિનોદ પલંગ પર તકિયાને અઢેલીને બેઠો હતો. આજુબાજુ બન્ને ભાભીઓ (સ્વ. વેણીભાઈ પુરોહિત જેમને ‘રિદ્ધિ ને સિદ્ધિ’ તરીકે ઓળખતા હતા) બેઠાં હતાં. મારાથી આટલું જ પુછાયુંઃ ‘શું થયું હતું? જવાબમાં વિનોદ કહે, ‘યાર, જે થયું તે સારું થયું. હું બહુ નિર્દય કટાક્ષો કરું એટલે કેટલાક માને છે કે મારે હૃદય જ નથી, પણ આ હાર્ટ અટેક પછી ડોક્ટરનું સર્ટિફિકેટ આપીને કહી શકીશ કે મારે પણ હૃદય છે. હૃદય હોવાની ખાતરી થતાં હું હવે કદાચ કવિતા પણ લખું. (જોે આ તો માત્ર ધમકી જ હતી. એ ભય હવે ટળી ગયો છે. ગુજરાતી કવિતા એમ તો નસીબદાર છે!) બોરીસાગર, શોકસભામાં બોલવાની સામગ્રી તૈયાર રાખવી સારી. ઓચિંતી જરૂર પડે. આપણે તો જવાની તૈયારી કરી દીધી હતી. આ કૈલાસ ને નલિની પણ કાળી પટ્ટીના સાડલા ક્યાં સસ્તા મળેઃ રતનપોળમાં છે ઢાલગરવાડમાં? – એની ગંભીર વિચારણા કરવા મંડી ગયાં હતાં. અલીઆબાડા જ્ઞાનસત્રમાં ગયેલો ત્યારે જામનગરથી એના પ્રખ્યાત કંકુની દસ-બાર ડબ્બીઓ લેતો આવ્યો છું તે નલિની કૈલાસને (વિનોદ ભટ્ટના આ ‘મંગલ ત્રિકોણ વિશે એની આત્મથા ‘એવા રે અમે એવા…માં ‘હૃદયત્રિપુટી’ નામે એક આખું પ્રકરણ છે. આ મંગલ ત્રિકોણ પહેલી વાર ઈ. સ. 1984માં ખંડિત થયો – કૈલાસભાભીનું અવસાન થયું. એનો બીજો ખૂણો હજી તો ચાર મહિના પહેલાં ખંડિત થયો – નલિનીભાભીનું અવસાન થયું. આના વિરહમાં ત્રીજા ખૂણાએ પણ જીવનલીલા સંકેલી લીધી.) કહેતી હતી છે કે ‘આ આટલું બધું શું લઈ આવ્યા તે હવે બધું નકામું જવાનું ને પૈસા માથે પડવાના.’ વિનોદની આવી મજાકોથી ભાભીઓના હોઠ હસતા હતા ને આંખો રડતી હતી.
આપણા કવિ શામળ ભટ્ટ માટે કોઈકે એવું કહ્યું છે કે એ કોઈના માર્ગે ગયો નથી, ને એના માર્ગે કોઈ જઈ શક્યું નથી. શું જીવનમાં કે શું સાહિત્યમાં? વિનોદ કોઈના માર્ગે ગયો નથી ને ભવિષ્યમાં કદાચ એવું કહેવાશે કે ‘એના માર્ગે કોઈ જઈ શક્યું નથી.’

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘આનંદલોક’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here