રૂ ૧૨ કરોડની સુવર્ણજડીત  ૧૧૧ ફૂટ ઉંચી શિવજીની પ્રતિમાનું લોકાર્પણ

 

વડોદર: વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી ૧૧૧ ફૂટ ઉંચી શિવજીની પ્રતિમાને ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. પ્રતિમાનું લોકાર્પણ મહાશિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે ૧૭.૫ કિલો સોનું વપરાયું હતું. સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ કાઢવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વર્ષ-૨૦૧૩થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.

૨૦૧૭માં સર્વેશ્ર્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઊંચી દર્શનીય પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યોગાનુયોગ ૫ ઓગસ્ટ ૨૦૨૦ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં સર્વેશ્ર્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડો. કિરણ પટેલ અને દેશ-વિદેશના અનેક દાતાઓએ ૧૧૧ ફૂટ ઊંચી સર્વેશ્ર્વર મહાદેવની પ્રતિમા પર ૧૭.૫ કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના ‚પિયા ૧૨ કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું છે. 

મહાશિવરાત્રિની બપોરે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્ર્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળ્યો હતો અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ, દાંડિયાબજાર થઈ સુરસાગર પહોંચી હતી, જ્યાં મહાઆરતી કરાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ઉપસ્થિત મુખ્ય મહેમાનો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

સુરસાગર તળાવના મધ્યે બિરાજમાન સર્વેશ્ર્વર મહાદેવની ૧૧૧ ફૂટની પ્રતિમા, પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા પર રચવામાં આવી છે. પ્રતિમા અને એના પ્લિન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતિષવિજ્ઞાન, ગ્રહવિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદનશાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં ૫૦ જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here