દેવ રાજયશસૂરીશ્વરજી મહારાજસાહેબના 74મા જન્મદિને સેવાભાવી સંસ્થાઓને દાન

નડિયાદના પનોતાપૂત્ર દેવ રાજયશસૂરીશ્વરજી મહારાજના 74મા જન્મોત્સવ નિમિત્તે લાખો રૂપિયાના દાનની સરવાણી કરી ઉજવણી થઇ હતી. દેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ દેવાંગભાઈ પટેલનું સન્માન કરી આશીર્વાદ પાઠવે છે. તેમની બાજુમાં આચાર્યદેવ મહાબોધિસૂરિ મહારાજ સાહેબ સહિત મહાનુભાવો નજરે પડે છે. (ફોટોઃ અકબર મોમિન)

)નડિયાદઃ નડિયાદના પનોતા પુત્ર અને પૂજ્ય આચાર્ય દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજસાહેબનો ચૈત્ર વદ દસમના રોજ 74મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઇપ્કો-પરિવારના મુખ્ય લાભાર્થે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતા દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાલા)એ આખા દિવસના તમામ કાર્યક્રમોનો લાભ લીધો, એમણે 1000-1200 ભક્તજનોને જમાડ્યા, એટલું જ નહિ, રૂ. 74,000નું દાન સંતરામ મંદિરને કર્યું. શહેરની સેવાભાવી 74 સંસ્થાઓને પ્રત્યેકને રૂ. 7400નું દાન પણ કર્યું.

રાજયશસૂરીશ્વરજી મહારાજસાહેબે જૈન દેરાસરમાં વિહરમાન ભગવાનના જન્મ કલ્યાણનું પૂજન કર્યું હતું. ત્યાર પછી મહારાજસાહેબની બેન્ડવાજા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં નડિયાદ, બેન્ગલોર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ સહિત શહેરોના ગુરુભક્તો જોડાયા હતા. નડિયાદ જૈન સંઘના શૈલેશભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અનિલભાઈ શાહે મહારાજ સાહેબનું જીવનઝરમરની વિસ્તૃત માહિતી આપી હતી. નડિયાદ ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં હસ્તપ્રત માટેનું કાર્ય અને સમજુલક્ષ્મીમાં કરાયેલા નવીનીકરણ બદલ સંસ્થાના પ્રમુખ હસીત મહેતાએ મહારાજસાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં રાજયશ-સૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, બાળક જન્મે ત્યારે પેંડા વહેંચાય, પરંતુ બાળક પોતે તે ન ખાય, અને તે દૂધ પીવે છે. નડિયાદમાં 74 વર્ષ પહેલાં મારા શરીરનો જન્મ થયો હતો, પરંતુ મારો ખરો જન્મ 19 વર્ષની ઉંમરે જ્યારે મારા ગુરુ આચાર્ય વિક્રમસૂરિશ્વરજી મહારાજસાહેબે મને દીક્ષા આપી ત્યારે થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here