રામ – મંદિરના નિર્માણ માટેની હિલચાલનો પ્રારંભઃ રાજકોટમાં મહાધર્મસભાનું આયોજન

0
883
Reuters

20મી ડિસેમ્બરથી રાજકોટમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રામ- મંદિરના નિર્માણ સહિત વિવિધ મુદા્ઓ પર ચર્ચા- વિચારણા કરવા અને સમસ્યાના નિરાકરણ માટેની આચારસંહિતા ઘડવા બાબત પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કરવાના હેતુથી મહાધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરોકત સભામાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, ઝી ટીવી ચેનલ – મિડિયાના સુભાષચંદ્રજી જહા રાજકોટ પહોંચી  ગયા હતા.

  રાજકોટઆર્ષ વિદ્યામંદિર ખાતે યોજાયેલી આ 7મી હિંદુ ધર્મ- આચાર્ય મહાસભામાં ધર્મ વિષયક જલદ મુદા્ઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. ઉપસ્થિત મહાનુભાવોમાં મોહન ભાગવત, અવધેશાનંદ મહારાજ, શરણાનંદજી, રામ માધવ, સુબ્રમણ્યમ સ્વામી , સુભાષ ચંદ્રા, બલવીર પુંજ, સ્વામી માધવપ્રિયદાસજીનો સમાવેશ થાય છે. દેશના આશરે 30 જેટલા ધર્મ-ધુરંધરો અને 100થી વધુ સંતો- મહંતો – વિદ્વાનોની હાજરીમાં બે દિવસની ધર્મસભામાં વિશદ ચર્ચાઓ ચાલી રહી હોવાનું  સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ધર્મસભામાં દેશની રાજકીય, સામાજિક પરિસ્થિતિને અસર કરતા વિષયો પર મહામંથન કરવામાં આવી રહ્યું છે. ધર્માન્તર, કાશ્મીર, મંદિરોનો ફંડ- ફાળો, મિડિયા, દેશની હાલની આર્થિક પરિસ્થિતિ અને ગતિવિધિ,મેઘાલય સહિતના રાજ્યમાં ધર્મ- પરિવર્તનની સળગતી સમસ્યા, કાશ્મીરનો પ્રશ્ન વગેરે બાબત ગહન વિચાર- વિમર્શ કરવામાં આવી રહ્યો છે. મેઘાલય, સિક્કીમ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્માન્તરની પ્રવૃત્તિઓ અટકાવવા માટે કયા કયા પગલાં લઈ શકાય , જાતજાતના પ્રલોભનો આપીને, જબરદસ્તી કરીને, ધમકી આપીને  કરવામાં આવતું ધર્મ- પરિવર્તન રોકી શકાય, અસામાજિક અને અનિષ્ટ તત્વોની આવી ગેરકાનૂની ગતિવિધિ સમાપ્ત કરવા માટે શું ઈલાજ કરવો ઘટે – આ તમામ મુદા્ઓ અંગે વાત થઈ રહી છે. આ સભામાં રિઝર્વ બેન્કના એડવાઈઝરી બોર્ડના સભ્ય ગુરુમૂર્તિની હાજરી હતી. તેમણે સભામાં અસરકારક વકતવ્ય આપ્યું હતું. દેશના મંદિરો પાસે રહેલ જંગી રકમોના ફંડ પર કેન્દ્ર સરકાર તરાપ મારે તેવી ગતિવિધિ થઈ રહી હોવાથી તે અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટમાં આયોજિત આ મહાધર્મસભા ભાજપ સરકારની નીતિઓમાં ફેરફારનો સંકેત દર્શાવી રહી છે. રામ- મંદિરના નિર્માણનો મુદો્ આગામી ચૂંટણીમાં અગ્રેસર રહેવાનો છે. ભાજપની સરકાર મંદિર નિર્માણના વિષયે કેવું વલણ દાખવે છે એ તો આગામી મહિનાઓમાં સ્પષ્ટ થઈ જ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here