લોકડાઉન ૪.૦ માત્ર હોટસ્પોટ પુરતુ જ મળશેઃ ઘણી બધા છુટછાટો મળવાની સંભાવના

 

નવી દિલ્હીઃ ૧૭મેના રોજ લોકડાઉન ૩.૦ પૂર્ણ થઈ રહ્યું છે અને સાથે જ ચોથું લોકડાઉન શરૂ થશે. લોકડાઉન વધારવાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તૈયારી અંગેની બેઠક કરી છે. મળતી માહિતી અનુસાર મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ લોકડાઉન કાયમ રાખવાના બદલે હોટસ્પોટ વિસ્તારોમાં નિયમો કાયમ રાખીને લોકડાઉન ચાલુ રાખવા જણાવ્યું છે. તેઓએ સૂચન કર્યું કે જયાં સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉન ચાલુ રહે. 

ચોથું ચરણ માત્ર હોટસ્પોટ વિસ્તારો સુધી જ સીમિત રહી શકે છે. આ જોતા સોમવારથી લોકોને ઘણી બધી રાહત મળે તેવી સંભાવના છે. લોકો સમુહમાં ભેગા ન થાય તેની કાળજી રાખવામાં આવશે તેથી મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમાઓ વગેરેને મંજુરી નહિ અપાય પરંતુ બાકીની પ્રવૃતિઓ શરૂ કરવાની છૂટ અપાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ શરૂ થઈ શકશે. જેમા બસ, ટેકસી અને ઓટોનો સમાવેશ થાય છે. 

સોમવારથી લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે આગળ વધવુ પડશે. કોરોના ન આવે તે માટે કડક નિયમોનું પાલન કરવું પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને કરેલા સંબોધન દરમિયાન લોકડાઉન ૪.૦ નવા રંગરૂપમાં હશે તેમ જણાવ્યું હતું. જેમાં સરકાર ઘણાં પ્રકારની રાહત આપી શકે છે. ખાસ કરીને આર્થિક ગતિવિધિઓને મજૂરી આપવામાં આવી શકે છે. સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની મંજૂરી પણ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, લોકોડાઉનના ચોથા તબક્કામાં જિલ્લાને રેડ ઝોન, ઓરેન્જ ઝોનમાં વર્ગીકરણ કરવામાં આવશે. 

સંક્રમણમુક્ત વિસ્તારમાં આર્થિક ગતિવિધિઓ, ઓફિસ, વેપાર, ફેક્ટરીઓ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવાશે. એનો મતલબ એવો છે કે વધારે આર્થિક ગતિવિધિઓને મંજૂરી મળશે. જોકે, આ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ યથાવત રહેશે. લોકડાઉનના ચોથા તબક્કામાં રેડ ઝોનમાં બિનજરૂરી વસ્તુઓ માટે ઈ-કોમર્સને છૂટછાટ મળી શકે છે. લોકડાઉન ૪.૦માં મેટ્રો રેલવે સેવા એક સીમિત સ્તર પર શરૂ કરવામાં આવી શકે છે. દિલ્હી મેટ્રોને ચલાવવા માટે સીઆઈએસએફ દ્વારા પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. ટ્રેનમાં દરેક પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાશે અને જે મુસાફરોમાં લક્ષણો દેખાશે તેમને ટ્રેનમાં ચઢવા દેવામાં આવશે નહીં. એવું પણ માનવામાં આવે છે કે, ૧૮ મેથી એરલાઈન્સ કંપનીઓને પણ હવાઈ યાત્રા શરૂ કરવાની મંજૂરી મળી શકે છે. જોકે, તે આંશિક રૂપે શરૂ કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે લોકડાઉનના ચોથા તબક્કામાં મોલ અને સલૂન બંધ રહી શકે છે. લોકડાઉનને ૫૦ દિવસ થયા હોવાના કારણે હવે સલૂન ખુલશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ના થાય તે માટે હજુ આ પ્રકારની છૂટછાટો મળવામાં થોડો સમય લાગી શકે છે. ગૃહ રાજયમાં પરત ફરતા કામદારોને તાત્કાલિક રોજગાર પૂરા પાડવા મનરેગા અને માર્ગ પ્રોજેક્ટ વગેરેને ઝડપી બનાવવા પણ નિર્ણય લેવાયો હતો. મળતી માહિતી અનુસાર, ધીમે ધીમે દેશમાં ઉત્પાદન એકમો શરૂ કરવાની યોજના છે. કેન્દ્રના મોટાભાગના પ્રધાનોએ પણ લોકડાઉન સમગ્ર જિલ્લામાં લાગુ કરવાને બદલે હોટસ્પોટમાં જ ચાલુ રાખવા ભલામણ કરી છે. મીટિંગ દરમિયાન  મહાનગરોમાં સ્વચ્છતા અને સામાજિક અંતર સાથે સાર્વજનિક પરિવહન શરૂ કરવા અંગે પણ સંમતિ થઈ હતી. સરકારે મર્યાદિત સંખ્યામાં રેલવે સેવાઓને પુનર્સ્થાપિત કરી છે અને હવાઈ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રેલવે સેવાને જલ્દીથી સામાન્ય સ્તરે પુનઃસ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. વિવિધ મહાનગરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બસ અને ટેક્સી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૦મી મેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here