મંદિર નગરીમાં આપણી પરંપરાઓ અને વિકાસનું શ્રેષ્ઠ પ્રતિબિંબ દેખાવું જોઈએઃ મોદી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાની વિકાસલક્ષી યોજનાની સમીક્ષા કરતા કહ્યું હતું કે આ મંદિર નગરીમાં આપણી પરંપરાઓ અને વિકાસનું શ્રેષ્ઠ પ્રતિબિંબ દેખાવું જોઇએ.

અયોધ્યાના વિકાસની સમીક્ષા માટેની એક વર્ચ્યુઅલ બેઠકને વડા પ્રધાને સંબોધન કર્યું હતું, જે બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અધિકારીઓ હાજર હતા. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં અયોધ્યાના વિકાસના તમામ પાસાને આવરી લેવામાં આવ્યા હતા. વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અયોધ્યાના વિકાસને એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તથા સક્ષમ સ્માર્ટ સિટી તરીકે કલ્પના કરવામાં આવી રહી છે.

અયોધ્યા સાથેની કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે વિવિધ આગામી અને પ્રસ્તાવિત માળખાગત પ્રોજેકટ અંગે વડા પ્રધાનને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ માળખાગત પ્રોજેક્ટમાં એરપોર્ટ, રેલવે સ્ટેશનનો વ્યાપ વધારવા, બસ સ્ટેશન, માર્ગ અને હાઇવેનો વ્યાપ વધારવા જેવા પ્રોજેક્ટનો સમાવેશ થતો હતો.

આ સમીક્ષા દરમિયાન આગામી ગ્રીનફિલ્ડ ટાઉનશિપની પણ ચર્ચા થઈ હતી જેમાં યાત્રાળુઓ માટે લોજિંગની સવલત, આશ્રમ અને મઠ, હોટેલ તથા વિવિધ રાજ્યો માટેના ભવનો માટેની જગ્યાઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત પ્રવાસીઓની સવલત માટેના કેન્દ્ર તથા એક વિશ્વકક્ષાના મ્યુઝિયમના બાંધકામની પણ ચર્ચા કરાઈ હતી.

સરયુ નદીના કિનારે તથા તેના ઘાટની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સરયુ નદી પર ફેરીબોટ સેવા નિયમિત બને તે માટે પણ પ્રયાસ કરાશે. શહેરનો એ રીતે વિકાસ કરાશે જેથી સાઇકલચાલકો તથા પગપાળા જનારા લોકોને કાયમી ધોરણે પર્યાપ્ત જગ્યા મળી રહે. સ્માર્ટ સિટીના માળખાનો ઉપયોગ કરીને આધુનિક ધોરણે ટ્રાફિક મેનેજમેન્ટ માટે કાર્ય કરાશે.

વડા પ્રધાને અયોધ્યાને એક એવા શહેર તરીકે ગણાવ્યું હતું જે દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતના સાથે સંકળાયેલું છે. અયોધ્યાએ આપણી પરંપરામાંથી સર્વશ્રેષ્ઠ અને આપણા સર્વશ્રેષ્ઠ વિકાસલક્ષી પરિવર્તનનો પ્રચાર કરવો જોઇએ. અયોધ્યા આધ્યાત્મિક અને સંસ્કૃતિનો ઉત્કૃષ્ટ નમૂનો બંને છે. અયોધ્યાના માનવીય સિદ્ધાંતો ભવિષ્યના માળખા સાથે મેળ ખાવા જોઈએ જે દરેક માટે લાભકારક હોય તેમ વડા પ્રધાને જણાવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભાવિ પેઢીને એવી ઇચ્છા થવી જોઇએ કે તેમણે જીવનમાં કમસે કમ એક વાર અયોધ્યાની યાત્રા કરવી જોઇએ. અયોધ્યાના વિકાસકાર્યો ભવિષ્યમાં આ જ વેગથી આગળ ધપવા જોઈએ. સાથે સાથે પ્રગતિના આગામી ચરણ માટે અયોધ્યાની આગેકૂચ અત્યારથી જ શરૂ થઈ થવી જોઇએ. અયોધ્યાની ઓળખની ઉજવણી અને તે નવીનતમ માર્ગોથી તેની સંસ્કૃતિનો વારસો જાળવી રાખવો તે આપણો સહિયારો પ્રયાસ હોવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here