કોરોનાકાળમાં માસ્ક ન પહેરવાના કારણે ગુજરાતીઓએ કુલ ૨૪૭ કરોડનો દંડ ભર્યો

 

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન એપ્રિલ-મે ૨૦૨૧માં ગુજરાતમાં શું સ્થિતિ બની હતી. જોકે તેમ છતાં પણ ગુજરાતીઓને માસ્ક પહેરવું જાણે કે ગમતું જ ન હોય તેવું લાગી રહ્યું છે આ અમે નહીં પરંતુ કોરોના મહામારીના આ સમયમાં જૂન ૨૦૨૦થી ૨૨ જૂન ૨૦૨૧ સુધીમાં માસ્ક ન પહેરવા અંગે વસૂલવામાં આવેલો દંડનો આંકડો કહે છે. ગુજરાતીઓ માસ્ક ન પહેરવા સબબ એક વર્ષ જેટલા સમયમાં કુલ રૂ. ૨૪૭ કરોડ દંડ પેટે ભર્યા છે. ત્યાર બાદ આજ સમયગાળમાં કોરોના કરફ્યૂના ભંગ માટે કાયદો તોડનારાઓએ કુલ રૂ. ૧૦૧ કરોડ દંડ પેટે ભર્યા છે. આમ કોરોના નિયમો તોડવા બદલ કુલ રૂ. ૩૪૮ કરોડ છેલ્લા એક વર્ષમાં ભર્યા છે. આ રીતે જોઈએ તો પ્રતિ દિવસ રાજ્યમાં રૂ. ૧ કરોડની એવરેજ સાથે કાયદો તોડનારાઓએ દંડ ભર્યો છે.

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં અમે લગભગ ૩૬.૮ લાખ લોકોને માસ્ક ન પહેરવા માટે દંડ કર્યો છે. આ લોકોએ દંડ પેટે રૂ. ૨૪૭ કરોડ ચૂકવ્યા છે. જેનો અર્થ છે કે અમે દરરોજ ૮૦૦૦થી ૯૦૦૦ લોકોને દરરોજ માસ્ક ન પહેરવા માટે દંડ કરીએ છીએ. માસ્ક અંગેના કેસ ઉપરાંત રાજ્યમાં આટલા જ સમયાગાળામાં ૬.૮ લાખ કેસ કરફ્યૂના નિયમો તોડનારા સામે થયા છે. આ લોકો કરફ્યૂ સમયમાં પોતાના વાહનો પર યોગ્ય કારણ વગર ફરતાં પકડાયા છે જેથી તેમની વિરુદ્ધ મોટર વેહિકલ એક્ટ ૧૯૮૮ની કલમ ૨૦૭ અંતર્ગત ગુનો નોંધીને દંડ વસૂલવામાં આવ્યો છે આ દંડની રકમ રૂ. ૧૦૧ કરોડ જેટલી થાય છે.

મોટર વેહિકલ એક્ટની આ કલમ હેઠળ પોલીસ એવા વ્યક્તિને દંડ કરી શકે છે જે કરફ્યૂ સમય દરમિયાન યોગ્ય પાસ અથવા પરમિટ વગર ફરી રહ્યા હોય. કુલ આંકાડ અનુસાર દૈનિક સરેરાશ કાઢીએ તો છેલ્લાં એક વર્ષથી રાજ્યમાં પોલીસ આ બંને કાયદાના ભંગ માટે દૈનિક રૂ. ૯૫ લાખ એટલે કે લગભગ કરોડની આસપાસ જેટલી રકમ દંડ પેટે વસૂલે છે. પોલીસ અધિકારીએ ઉમેર્યું કે પોલીસ દ્વારા તહેવારો અને ચૂંટણીના સમયમાં નરમ વલણ અપનાવ્યા છતાં આટલી મોટી દંડની રકમ જમા થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, નાણાકીય દંડ ઉપરાંત રાજ્યમાં પોલીસે આઈપીસી કલમ ૧૮૮ (સરકારી અધિકારી દ્વારા જાહેર કરાયેલી સૂચનાનો ભંગ કરવા બદલ) અને કલમ ૨૬૯ (સંક્રમણ ફેલાવી શકે તેવું બેદરકારીભર્યું કૃત્ય કરવા માટે) હેઠળ કુલ ૫.૧૩ લાખ કેસ નોંધ્યા છે. આ મોટાભાગના કેસ આઈપીસી કલમ ૧૮૮ અને ૨૬૯ હેઠળ પોલીસની પરવાનગી લીધા વિના યોજાયેલા લગ્નો અને અન્ય ધાર્મિક સામાજિક મેળાવડા દરમિયાન નોંધવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here