ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા પી. ચિંદંમબરમને ઈડીના કેસમાં વચગાળાના જામીન ના મળ્યા..વચગાળાના જામીન આપવાની દિલ્હીની હાઈકોર્ટે ના પાડી.. 

0
830

         આઈએનએક્સ મીડિયા કેસમાં સંડોવાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદંબરમની નાદુરસ્ત તબિયતનું કારણ બતાવીને તેમના જામીન માટે કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે નકારી કાઢી હતી. પી. ચિદંબરમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીને પડકારીને વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પી. ચિદંબરમે તબિયતનું કારણ  દર્શાવીને જામીનની માગણી કરી હતી. આથી તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ જાણકારી મેળવવા માટે અદાલતે ખાસ મેડિકલ બોર્ડનું ગઠન કર્યું હતું. મેડિકલ બોર્ડના સભ્યોની ચકાસણી બાદ હાઈકોર્ટને આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવવામાં આવ્યું હતું કે, ચિદંબરમને સારવાર માટે અન્યત્ર કશે જવાની આવશ્યકતા નથી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નથી.અદાલતે જણાવ્યું હતું કે, જેલમાં જ ડોકટર એમનું રેગ્યુલર ચેકઅપ કરે. તેમને પીવા માટે મિનરલ વોટર આપવામાં આવે. તેમને મચ્છરોથી બચવા માટેનું લોશન આપવામાં આવે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, પી. ચિદંબરમને જેલમાં રહેવા માટે સ્વચ્છ વાતાવરણ આપવાની જરૂર છે.જયુડિશિયલ કસ્ટડીમાં તેમનું નિયમિત ચેકઅપ થવું જોઈએ. તેમને માટે મચ્છરદાનીની વ્યવસ્થા પણ કરવામાં આવવી જોઈએ. તમને જે જગ્યામાં રાખવામાં આવ્યા છે તે જગ્યાની દિવસમાં બે વાર સફાઈ થવી જોઈએ.