ભારતના ચૂંટણી પંચના નેશનલ આઈકોન ક્રિકેટર સચિન તેંડુલકર

મુંબઇઃ ભારતીય ચૂંટણી પંચે ચૂંટણીમાં મતના મહત્વ વિશે મતદારોને જાગૃત કરવા માટે દિગ્ગજ ક્રિકેટર અને ‘ભારત રત્ન’ સચિન તેંડુલકરને ‘નેશનલ આઈકોન’ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આકાશવાણી રંગ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સચિન તેંડુલકર સાથે આગામી 3 વર્ષ માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે અને અરુણ ગોયલ સહિત અન્ય અધિકારીઓ હાજર હતા. સચિન તેંડુલકરે કહ્યું હતું કે “ભારત જેવા જીવંત લોકશાહી માટે, યુવાનોની રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા છે. જેમ રમતગમત દેશને ઉત્સાહિત કરે છે, ‘ટીમ ઈન્ડિયા’ ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવે છે, તેમ સમૃદ્ધ લોકશાહીને આગળ લઈ જવા માટે પણ લોકોએ ચોક્કસપણે આગળ વધવું જોઇએ.” આ કરવાનો સૌથી સહેલો પણ અસરકારક રસ્તો એ છે કે તમારા મતના અધિકારનો ઉપયોગ કરો.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે, મેચ જોવા માટે સ્ટેડિયમમાં ભીડ એકઠી થાય છે. આ જ રીતે મતદાન મથક પર ભીડ અને મતદાનની ફરજ બજાવવાનો ઉત્સાહ દરેક લોકોમાં ચૂંટણીમાં જળવાઈ રહે. જ્યારે દેશના ખૂણે ખૂણેથી યુવા મતદારો ચૂંટણીમાં ભાગ લેશે તો જ આપણો દેશ સમૃદ્ધિ તરફ આગળ વધશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના આદરણીય રમતગમત ક્ષેત્રના વ્યક્તિ છે. તેમની સમગ્ર ક્રિકેટ કારકિર્દી પ્રશંસનીય અને નોંધપાત્ર રહી છે.
અગાઉ ભારતના ચૂંટણી પંચે વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોને ‘નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ પ્રખ્યાત અભિનેતા આમિર ખાન ,પંકજ ત્રિપાઠી એથ્લેટ મેરી કોમ અને ક્રિકેટર એમ. એસ. ધોનીને નેશનલ આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here