પરિમલભાઈ નથવાણી લિખિત પુસ્તક ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’નું લોકાર્પણ

ગાંધીનગરઃ રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી દ્વારા ત્રણ ભાષાઓમાં લખાયેલા પુસ્તક ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’નું લોકાર્પણ ગાંધીનગરમાં રાજભવનમાં આયોજિત એક સમારોહમાં પરિમલભાઈ નથવાણી દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષામાં લિખિત પુસ્તક ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ અને અંગ્રેજીમાં ‘વન એન્ડ ઓન્લી… ધીરુભાઈ અંબાણી’નું લોકાર્પણ કરાયું હતું. નવભારત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમણે પોતાના સેવાકાર્યોથી કીર્તિ, સન્માન અને પ્રતિષ્ઠા મેળવ્યા છે એવા ધીરુભાઈ અંબાણી આજે અવસાનના ૨૧ વર્ષ પછી પણ માનસપટલ પર છવાયેલા છે.
ધીરુભાઈ અંબાણી મહાપુરુષોની શૃંખલાનું એવું નામ છે જેમણે આ દેશને આર્થિક ઉન્નતિ અપાવી. આવનારી પેઢીઓ માટે રોજગારીની વિપુલ તકો ઊભી કરીને દેશને આત્મનિર્ભરતાની દિશા તરફ દોરી ગયા. માનવતાની ભલાઈ માટે, લોકકલ્યાણ માટે, રાષ્ટ્ર ઉત્થાન માટે અને દિન-હીનની સહાયતા માટે આજીવન પ્રયત્નશીલ રહેલા ધીરુભાઈ અંબાણીનું જીવન સાર્થક છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સામાન્ય કહી શકાય એવા પરિવારમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીએ ઈચ્છા અને આકાંક્ષાઓથી જિંદાદિલીભર્યું જીવન જીવી બતાવ્યું. આવા ધીરુભાઈ અંબાણીની નાનામાં નાની ગતિવિધિઓ સાથે જોડાયેલા પરિમલભાઈ નથવાણીએ પ્રમાણિકતા પૂર્વક આ ગ્રંથમાં પ્રમાણિત વસ્તુઓ આલેખી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન હંમેશા દેશના યુવાનોને ધીરુભાઈ અંબાણીની માફક ઉદ્યોગ સાહસિક બની દેશસેવા કરવા માટે પ્રેરણા આપે છે, સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહિત કરે છે.
આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘એકમેવ… ધીરુભાઈ અંબાણી’ પુસ્તકથી નવી પેઢીને વિઝનરી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના સંઘર્ષની જાણકારી મળશે. ધીરુભાઈએ આપેલું સૂત્ર ‘કર લો દુનિયા મુઠ્ઠી મે’ સૌએ સાંભળ્યું હશે, પરંતુ આ દુનિયા કઈ રીતે મુઠ્ઠીમાં થઈ તેની સંઘર્ષગાથા આ પુસ્તકમાં છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઇના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઇ વિષે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે, “પરિમલભાઈએ મારા પિતા સાથેના એમના સંબંધો તેમજ મારા પિતાની જીવનશૈલીને આલેખતા અનેક પ્રસંગો યાદ રાખીને આ પુસ્તકમાં સમાવ્યા છે અને આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે, એ માટે મારે પરિમલભાઈને ધન્યવાદ આપવા છે. મારા પિતા વિશે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. અંબાણી પરિવાર તેમજ રિલાયન્સ ઉદ્યોગગૃહની ઝીણીઝીણી કેટલી ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઇ સમાવી ન શક્યું હોત.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here