નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું અવસાન

નડિયાદઃ સંસ્કૃત ભાષા પર પ્રખરતા મેળવીને સનાતન સંસ્કૃતિ માટે પોતાનું જીવન અર્પણ કરનાર પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું છે. ડાહ્યાભાઈ શાસ્ત્રીનો જન્મ 1926ની સાલમાં 26 જાન્યુઆરીના રોજ મહેસાણા જીલ્લામાં આવેલા વસઈ-ડાભલા ગામમાં કરુણાશંકર પંચોલીના ત્યાં થયો હતો. ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા ડાહ્યાભાઈએ સંસ્કૃત ભાષા પર પ્રખરતા પ્રાપ્ત કરીને ગુજરાત સહિત આખા દેશમાં નામના મેળવી હતી. જ્ઞાનપિપાસુ ડાહ્યાભાઈએ અમદાવાદ તેમજ વારાણસીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરીને વ્યાકરણાચાર્ય, સાહિત્યાચાર્ય તેમજ હિંદી ભાષામાં વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી. બાળકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને વ્યાપ વધે તે માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરીને અંતિમ શ્વાસ સુધી સંસ્કૃત ભાષાનું જતન કરતા રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક પ્રકટ કર્યો છે. નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016ના ગણતંત્ર દિવસ પૂર્વે ડાહ્યાભાઈ શાસ્ત્રીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરી હતી. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા ડાહ્યાભાઈ શાસ્ત્રીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here