નર અને નારીની વાત

0
1365

(ગતાંકથી ચાલુ)
પ્રભુને પ્રાર્થના થાય ત્યારે મનુષ્યના હૃદયમાંથી વહી આવતો એક ઉદ્ગાર શ્રેષ્ઠતમ પ્રાર્થનામંત્ર ગણાય તેવો છે. એ ઉદ્ગાર છેઃ ‘થેંક યુ.’ એક વિચિત્ર કારણસર હું પરમેશ્વરનો આભાર માનતો રહું છું. હે પ્રભુ! તેં મને લિબિયામાં, ઈરાનમાં, ઇજિપ્તમાં, સિરિયામાં, સાઉદી અરેબિયામાં, ઇરાકમાં કે અફઘાનિસ્તાનમાં જન્મ ન આપ્યો તે માટે હું તારો આભારી છું. જેને લોકો સભ્ય સમાજ કહે છે તેની કલ્પનાથી જોજન દૂર એવા આ દેશોમાં સ્ત્રી હોવું એટલે શું? કલ્પના જ થથરાવી મૂકે તેવી છે.
રામાયણનું ભાષ્ય લખી રહ્યા પછી મનમાં એક પ્રશ્ન અમળાતો ને વમળાતો રહ્યોઃ ‘સીતાનો વાંક શો?’ સીતાનો ત્યાગ થયો અને એને ભયાનક વનમાં એકલી છોડીને લક્ષ્મણ અયોધ્યા પાછો ફર્યો. આ અંગે જ્યારે પ્રકરણ લખવાનું બન્યું ત્યારે આંખમાંથી આંસુ વહ્યાં, પરંતુ એ પ્રકરણનું યોગ્ય મથાળું શોધવામાં ત્રણ-ચાર દિવસ નીકળી ગયા. છેવટે વડોદરાને વહાલું કરનારો પ્રેમાનંદ મદદે આવ્યો. ‘નળાખ્યાન’ની પંક્તિઓ યાદ આવીઃ
વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત
ભામિની ભય પામે ઘઉં એકલડી રે જાત!
સીતાત્યાગની કરુણ કથા લખતી વખતે વૈદર્ભીને બદલે વૈદેહી શબ્દ ગોઠવાઈ ગયો અને મથાળું બંધાયુંઃ ‘વૈદેહી વનમાં વલવલે.’
‘સિવિલ સોસાયટી’ કોને કહેવી? લોર્ડ ભીખુ પારેખે થોડાક દિવસ પર એની સકંલ્પનાનો ઇતિહાસ ટૂંકમાં કહ્યો, પરંતુ અહીં એ વાત નથી કરવી. જે સમાજમાં પાર્ટનરની પસંદગીમાં પરસ્પરતા (મ્યુચ્યુઆલિટી) સિવાયનાં અન્ય પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે તેને અસભ્ય સમાજ કહી શકાય. જે સમાજમાં લગ્ન અંગેનો નિર્ણય જ્ઞાતિ, દહેજ, કુળ, કોમ, આર્થિક સ્થિતિ કે સ્ટેટસના આધારે લેવાય, તે સમાજ એકવીસમી સદીમાં પ્રવેશે તોય શું? હરિયાણામાં ખાપ પંચાયતના ચુકાદાને સ્વીકારનાર સમાજ જરૂર અસભ્ય સમાજ ગણાય. આભાર ખુદાનો, કે મને ખાપ પંચાયતો હોય એવા વિસ્તારમાં જન્મ ન મળ્યો! ત્યાં ભારતીય બંધારણ કોમામાં છે.
પુરુષત્વ સાથે સ્નાયુશક્તિ (મસલપાવર) જોડાઈ જાય છે. સ્ત્રીઓને થતા અન્યાયનું મૂળ કારણ પુરુષોનો મસલપાવર છે. સભ્યતાનો ખરો સંબંધ સ્ત્રીદાક્ષિણ્ય (શિવલ્રિ) સાથે છે. સમગ્ર દુનિયામાં બ્રિટન સ્ત્રી-દાક્ષિણ્યની બાબતે પ્રથમ ક્રમે આવે છે. પશ્ચિમના દેશોમાં પોલીસ કોઈ સ્ત્રી સાથે વાત કરે ત્યારે એની ભદ્રતા નીરખવા જેવી હોય છે. એ પોલીસ પાસે મસલપાવર ઓછો નથી હોતો. એની કમર પર રિવોલ્વર પણ શોભતી જણાય છે. ‘રાઈનો પર્વત’ લખનારા રમણભાઈ નીલકંઠની પંક્તિઓ એ પોલીસને જોઈને યાદ આવેઃ
જે શૌર્યમાં કોમલતા સમાઈ,
એને જ સાચું પુરુષત્વ માન્યું.
સ્ત્રીના અસ્તિત્વ સાથે ખૂબ સહજ રીતે કરુણા જોડાઈ જાય છે. નર અને નારી સમાન છે, સરખાં નથી. વિનોબાજીએ બ્રહ્મચર્ય અંગે એક મૌલિક વાત કરી હતીઃ ‘પુરુષમાં સ્ત્રીના ગુણોનો વિકાસ થાય અને સ્ત્રીમાં પુરુષના ગુણોનો વિકાસ થાય એ બ્રહ્મચર્ય.’ જે વ્યક્તિને આમ કરવામાં સફળતા મળે તે બ્રહ્મચારી ગણાય. ગ્રીક ભાષામાં આવા સમત્વ માટે શબ્દ છેઃ ‘એન્ડ્રોજીની’. આવા સમતોલ વ્યક્તિત્વ માટે વિશેષણ છેઃ ‘એન્ડ્રોજીનસ.’ આવું એન્ડ્રોજીનસ વ્યક્તિત્વ કૃષ્ણનું હતું. બ્રહ્મચર્યને લંગોટમૂલક સંયમ સાથે ઝાઝી લેવાદેવા નથી, કરુણાવાન પુરુષમાં સ્ત્રીના સદ્ગુણોનો અંશ પ્રગટ થતો દીસે છે. ઉમાશંકર જોશીની પંક્તિઓ ‘એન્ડ્રોજીનસ પર્સનાલિટી’ કેવી હોય તેને સમજવામાં ઉપકારક બને તેવી છેઃ
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,
મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે.
સ્ત્રી અને પુરુષને જોડતા ઝંખનાના હાઈ-વે પર જે અકસ્માતો રોજ સર્જાતા રહે છે, તે ટાળવાનો એક તગડો ઉપાય નારીને દેવી ગણવાનો નથી, પરંતુ એને પર્સનહૂડ પ્રાપ્ત થાય તે છે. ગમે તેટલા અકસ્માતો થાય તોય આપણે હાઈ-વે નષ્ટ કરતા નથી. હાઈ-વે પર થતા અકસ્માતો બને તેટલા ઓછા કરવાનું અશક્ય નથી. અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં ‘એન્ડ્રોજીની’ માટે અભ્યાસક્રમની જોગવાઈ હોય છે. બહુ મોટી સંખ્યામાં ‘સ્ત્રી-પુરુષ-સહજીવન’ પર શિબિરનું આયોજન થવું જોઈએ. વર્ષો પહેલાં આવી એક શિબિર ડો. ભદ્રાયુ વછરાજાનીએ રાજકોટની એક વાડીમાં ગોઠવી હતી, જેમાં મારા પ્રવચન પછી ઘણી લાંબી પ્રશ્નોત્તરી થઈ હતી. એમાં કેવળ (પરિણીત કે અપરિણીત) યુગલોને જ પ્રવેશ હતો. બરાબર યાદ છે કે પ્રવેશ માટે જબરી પડાપડી થઈ હતી. પ્રવેશ ફી રૂપિયા 100 હતી અને શિબિરને અંતે હિસાબ કર્યા પછી સૌને બાકીની રકમ ત્યાં જ પરત કરવામાં આવી હતી. ત્યાર પછી પણ વડોદરામાં, સુરતમાં અને મુંબઈમાં આવી શિબિરોનું આયોજન થયું હતું. નર અને નારી, વાત મારી અને તમારી!
થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની ટેવ હવે સાવ છૂટી ગઈ છે, પરંતુ ઘણે વખતે શોએબ મનસૂરની ફિલ્મ ‘બોલ’ જોવાનું બન્યું. શોએબસાહેબની ફિલ્મ ‘ખુદા કે લિએ’ જોયેલી અને ગમેલી. એ ફિલ્મ વિશે લખ્યું પણ હતું. પાકિસ્તાનના આ દિગ્દર્શકના ફળદ્રુપ ભેજાને સલામ કરવાનું મન થાય છે. પાકિસ્તાનના સમાજને ધ્યાનમાં રાખીને એમણે આ બન્ને ફિલ્મો સર્જવામાં જે હિંમત બતાવી છે તે કાબિલેદાદ છે. ફાંસીને માંચડે જતાં પહેલાં એક સ્ત્રી પોતાની માતા તથા બહેનોને ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છેઃ ‘બુરખા છોડો.’ નારીમુક્તિ પર અપાતાં કરોડો પ્રવચનો ન કહી શકે, એ વાત આ ફિલ્મ ત્રણ કલાકમાં કહી દે છે. કોઈ ફિલ્મ જોવા માટે ભલામણ કરવાની ટેવ મને નથી, પરંતુ પ્રત્યેક હિન્દુ-મુસલમાન-ખ્રિસ્તી-શીખ પરિવારે સજોડે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મ લાહોરને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. પાકિસ્તાની સમાજ પર બની હોવા છતાં એ ફિલ્મનો મેસેજ કેવળ પાકિસ્તાન માટે ન રહેતાં સમગ્ર દુનિયાના નારીજગત માટેનો મેસેજ બની જાય છે. મહારાષ્ટ્રમાં દીકરીની ભ્રૂણહત્યાને કારણે છોકરા-છોકરીનું પ્રમાણ જોખમાયું છે. કેટલીયે દીકરીઓનાં નામ ‘નકુસા’ રાખવામાં આવે છે, જેનો અર્થ થાય છેઃ ‘વણજોઈતી.’ આવા અસભ્ય સમાજો એકવીસમી સદીમાં હજી છે એ શરમજનક છે. કુળના મોભા માટે થતી હત્યા (ઓનર કિલિંગ) પાકિસ્તાનમાંથી હજી ગઈ નથી. આ ફિલ્મ પૂરી થાય ત્યારે પુરુષ હોવા છતાં સ્ત્રીઓની અવદશા માટે ‘એક ભાગીદાર’ હોવાના ભાવને કારણે શરમ ઊપજે તેવું છે. ફિલ્મ જોયા પછી પણ તમારી સંવેદના ન જાગે તો હું શોએબ મનસૂરનો જામીન થવા તૈયાર છું. ફિલ્મ જોવા માટે પતિ-પત્ની સાથે જાય અને દીકરીને લેતા જાય. ઓસ્કર વાઇલ્ડ કહે છેઃ
સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે, પરંતુ એ સમાજ કદી પણ સ્વપ્નદ્રષ્ટાઓને માફ કરતો નથી.
‘ખુદા કે લિએ’ અને ‘બોલ’ જેવી ક્રાંતિકારી ફિલ્મોનું સર્જન કરનારા શોએબ મનસૂરને પાકિસ્તાની સમાજ માફ કરશે ખરો? ત્યાંના સેન્સર બોર્ડને ધન્યવાદ. આ જેવું તેવું સાહસ નથી.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here