ચીલાચાલુ ફિલ્મોથી અલગ સંવેદનશીલ લવસ્ટોરી ‘ઓક્ટોબર’


નિર્માતા-દિગ્દર્શક સુજિત સરકારની લેટેસ્ટ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા ‘ઓક્ટોબર’ છે, જેમાં વરુણ ધવન અને વેલ્શની અભિનેત્રી બનિતા સંધુ અને ગીતાંજલિ રાવ છે. આ ફિલ્મ સંવેદનશીલ લવસ્ટોરી છે, પરંતુ આ લવસ્ટોરી બીજી ફિલ્મો કરતાં અલગ છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે જૂહી ચતુર્વેદીએ લખ્યો છે. જયારે સંગીત શાંતનુ મોઇત્રા-અનુપમ રોય-અભિષેક અરોરાનું છે.
ફિલ્મની વાર્તા ડેન ઉર્ફે દાનિશ (વરૂણ ધવન)થી શરૂ થાય છે, ડેન ફાઇવસ્ટાર હોટેલમાં ટ્રેઇની તરીકે નોકરી કરે છે. તેની ખાસિયત એ છે કે તે જીવનમાં કોઇ પણ કામને ગંભીરતાથી લેતો નથી. સવારે હોટેલ આવવું, કામ કરવું, ઘરે જઇને જમીને સૂઇ જવું. સામાન્ય જીવન જીવે છે. પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવાનું તેનું સપનું છે.
ડેનની સાથી શિઉલી (બનિતા સંધુ) નો અકસ્માત થયા છે અને તે આઇસીયુમાં દાખલ થાય છે ત્યારે ડેનને પોતાના જીવનનો ઉદ્દેશ સમજાય છે. શિઉલી કોમામાં જતી રહે છે અને તેની માતા વિદ્યા ઐયંગર (ગીતાંજલિ રાવ) દીકરી સાજી થશે તેની આશા ગુમાવી દે છે. ડેન તેની માતાને વિશ્વાસ અપાવે છે કે શિઉલી સાજી થઇ જશે. સમય પસાર થતો જાય છે તેમ તેમ શિઉલીના મિત્રો જીવનમાં આગળ વધતા જાય છે, પરંતુ ડેન આગળ વધી શકતો નથી, કારણ કે તેને વિશ્વાસ છે કે શિઉલી સાજી થઇ જશે.
શિઉલી સાજી થઇ શકશે કે નહીં? ફિલ્મનું નામ ઓકટોબર શા માટે રાખવામાં આવ્યું છે? આ સવાલોના જાબો માટે આ ફિલ્મ જોવી જોઇએ.
સુજિત સરકારે આ ફિલ્મ બનાવવામાં કયાંય મેલોડ્રામા કે વલ્ગારિટીની સહાય લીધી નથી. જૂહી ચતુર્વેદીએ લખેલી વાર્તા જબરજસ્ત પકડ ધરાવે છે.
વરૂણ ધવનને શરૂઆતમાં નિહાળતાં લાગે કે આ રોલ માટે તે પરફેક્ટ નથી, પરંતુ અંતમાં લાગે કે તેણે રોલમાં ગંભીરતા દર્શાવી છે અને પાત્રને ન્યાય આપ્યોછે. નવોદિત બનિતા સંધુ અકસ્માત પછી પથારીમાં જોવા મળે છે. સુનિધિ ચૌહાણે ગાયેલું ગીત ‘મનવા’ લોકપ્રિય છે.
શરૂઆતમાં દસ મિનિટ સુધી એમ લાગે કે ફિલ્મ સ્થિર થઇ ગઇ છે, ફિલ્મમાં કશું બનતું નથી પરંતુ ધીરે ધીરે ફિલ્મ તમને જકડવાની શરૂઆત કરેછે અને તેની જીવનયાત્રામાં તમે સામેલ થઇ જાવ છો તેની ખબર પડતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here