દેશમાં આગામી સપ્ટેમ્બર-ઓકટોબરની આસપાસના સમયગાળામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના …

 

    દેશમાં કોરોનાની પહેલી અને બીજી લહેરથી લોકો હેરાન- પરેશાન થયા હતા, તેમાં ય બીજી લહેરે તો કાળો કેર વર્તાવી દીધો હતો. બ્લેક ફંગસના નવા વેરિયન્ટને લીધે અનેક લોકો ભયભીત થયા હતા. બીજી લહેરના સમયગાળામાં પાંખા તબીબી ઉપકરણો, હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યાની તંગી, ઓકસીજનના સિલેન્ડરની અછતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. વેકસીન આપવાની પધ્ધતિમાં ઉણપો, વેકસીનની અછત તેમજ લોકડાઉનને કારણે લોકોના જીવનની ગતિવિધિને માઠી અસર થઈ હતી. હવે માંડ માંડ બધું  થાળે પડી રહી હોવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે ફરી એકવાર કોરોનાની નવી – ત્રીજી લહેર આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાનપુરની આઈઆઈટીએ આવી ચેતવણી આપીને લોકોને ચેતવી દીધા છે. કાનપુર આઈ આઈટીના પ્રધ્યાપક રાજેશ રંજન અને મહેન્દ્ર વર્મા દ્વારા તેમની ટીમ સાથે કરાવવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના મહામારીની ત્રીજી લહેર આગામી સપ્ટેમ્બર- ઓકટોબર મહિનાની આસપાસ આવી શકે છે. ઉપરોકત બન્ને પ્રાધ્યાપકોને જણાવ્યું હતું કે, અમે બીજી લહેરના માપદંડોનો ઉપયોગ કરીને સંભવિત ત્રીજી લહેરની શક્યાતા બાબત અનુમાન કર્યું છે. આગામી 15 જુલાઈથી દેશમાંથી સંપૂર્ણ લોકડાઉનનો અંત આવશે. આઈઆઈટી કાનપુર ટીમના અભ્યાસના તારણો અનુસાર, કેટલાક પૂર્વોત્તર રાજયો – મિઝોરમ, મણિપુર, સિક્કિમને છોડીને લગભગ દરેક રાજ્યમાં બીજી લહેરની અસર ઓછી થઈ ગઈ છે. કોરોનાના પોઝિટિવ કેસનો દર 5 ટકાથી ઓછો થઈ ગયો છે. પરંતુ કેરળ, ગોવા, સિક્કિમ અને મેઘાલયમાં હજુ પોઝિટિવિટી દર 10 ટકાથી ઓછો છે. આથી આવનારી લહેરમાં બહુ કમી – બહુ આછી અસરકારકતા હોવાની શક્યતા લાગી રહી છે. 

    દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી વિશેષજ્ઞોનું માનવું છે કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, આ વેરિયન્ટ હાલમાં દુનિયાના 9 દેશોમાં હયાત છે. ભારતમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કુલ 22 કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવમાં થયા છે. બાકીના કેસ મધ્યપ્રદેશ અને કેરળમાં થયા છે. મહારાષ્ટ્ર, કેરળ તેમજ મધ્યપ્રદેશને આ વેરિયન્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયે એ સાથે એમ પણ જણાવ્યું હતું કે, ઉપરોક્ત વેરિયન્ટથી વધુ ચિંતિત થવાની જરૂર નથી. 

  નીતિ આયોગ -( પ્લાનિંગ કમિશન )ના સભ્ય ડો. વી. કે. પોલના જણાવ્યા અનુસાર, અનુસાર, ડેલ્ટા વેરિયન્ટ હાલમાં દુનિયાના 80 દેશોમાં છે. ભારતમાં બીજી લહેરની શરૂઆત કરવામાં આ આ વેરિયન્ટને જ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. તેને વેરિયન્ટ ઓફ કન્સનની કક્ષામાં રાખવામાં આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હાલમાં 9 દેશમાં છે. જેમાં બ્રિટન, અમેરિકા, જાપાન, રશિયા, ભારત, પોર્ટુગલ, સ્વિટઝરલેન્ડ, નેપાળ અને ચીનનો સમાવેશ થાય છે. હાલમાં આ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની  શ્રેણીમાં છે. દેશના અસરગ્રસ્ત રાજ્યોને પત્ર લખીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસમાં કઈ કઈ સાવચેતી રાખવી અને કયા પ્રકારની સારવાર- ટ્રીટમેન્ટ આપવી વગેરે. 

 કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે ડો. પોલે જણાવ્યું હતું કે, કોઈને કશી જ જાણકારી નથી કે વાયરસ કયારે કેવું સ્વરૂપ લઈ શકે, . કોઈ પણ પ્રકારનું અનુમાન કરવું શક્ય નથી. દુનિયાના અનેક દેશ એવા પણ છે કે જ્યાં બીજી કે ત્રીજી – કોઈ લહેર આવી નથી. આપણે સાવચેત અને સચેત રહીને કામ કરીએ તો શક્યતા એ પણ છે કે બધું કંટ્રોલમાં રહે. 7મેની તુલનામાં દેશમાં હાલમાં કોરોનાના કેસમાં 90 ટકાનો ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here