અસત્યના પ્રયોગો

સત્યયુગમાં લોકો સુખી હતા, પણ લોકો આખરે સુખથી કંટાળી ગયા. જે જીવનમાં કશું થ્રિલ ન હોય – રોમાંચ ન હોય એવા સુખને શું કરવાનું?
આર્યપુત્ર! બ્રશ કરી લીધું? ચા બનાવું? એવું પત્ની નમ્રતાથી પતિને કહેતી હોય; આર્યપુત્ર પગ લાંબા કરીને પડ્યાપડ્યા સત્યયુગ-પત્રિકા વાંચ્યા કરતા હોય તોય પત્ની છાપું ઝૂંટવી લઈ, નાહવા માટે આર્યપુત્રને ફરજ ન પાડતી હોય; પડોશીઓ વચ્ચે ઝઘડા થતા ન હોય; ધોબીઓ નિયમિત કપડાં ધોઈ આપતાં હોય; દરજી વાયદા પ્રમાણે કપડાં સીવી આપતા હોય; ગ્રાહકના કાપડમાંથી એના બાબાની ચડ્ડી સીવે તોય ગ્રાહકની પરવાનગીથી જ સીવતા હોય; બધા જ રથીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને જ રથ ચલાવતા હોય; બીજાના રથને ઓવરટેક કરવાનું ક્યારેય બનતું જ ન હોય; મૃત્યુ ઉંમરની સિનિયોરિટી પ્રમાણે જ થતાં હોય, આરોગ્ય બગડતું જ ન હોય ને બગડે તોય વૈદ્યની સારવાર કરવા છતાં દર્દી સાજો થઈ જતો હોય; હંગ પાર્લમેન્ટ ન હોય, સરકાર ઊથલી પડવાની ચિંતા ન હોય – જીવનમાં થ્રિલનો – રોમાંચનો અનુભવ કરાવે એવું કશું જ ન હોય તો શી મજા આવે? આવા જીવનથી લોકો કંટાળી ગયા. લોકોનું પ્રતિનિધિમંડળ ગયું પ્રભુ પાસે. પ્રભુને વિનવ્યાઃ
પ્રભુ! કરુણાનિધિ! દયા કરો – કૃપા કરો – અમારા જીવનમાં ડગલે ને પગલે રોમાંચનો અનુભવ થાય એવું કંઈ કરી આપો.
તથાસ્તુ! પ્રભુએ કહ્યું, અત્યારે તમારા જીવનમાં એકલું સત્ય જ છે, હવે અસત્ય પણ તમારા જીવનમાં ભળી જશે ને તમને ડગલે ને પગલે રોમાંચનો અનુભવ કરાવશે. અને આમ આ સૃષ્ટિ વિશે અસત્યનો જન્મ થયો.
કોઈ ચિંતકે અસત્ય વિશે સત્ય જ કહ્યું છે કે, અસત્ય ત્રણ પ્રકારનાં હોય છેઃ અસત્ય, હળવું અસત્ય અને આંકડા!
સત્ય કોને કહેવાય એ હવે સમજવું મુશ્કેલ થઈ ગયું છેે, પણ અસત્યના પ્રયોગો હવે બાળક નાની ઉંમરથી કરતાં થઈ ગયા છે. એક નાના બાળકે એની સ્કૂલમાં ફોન કર્યો, હલ્લો! મારો બાબો પપ્પુ બીમાર છે એટલે આજે સ્કૂલે નહિ આવે.
તમે કોણ બોલો છો? સામેથી આચાર્યે પૂછ્યું.
મારા પપ્પા! બાળકે જવાબ વાળ્યો.
હળવું અસત્ય નિર્દોષ અને મનોરંજક હોય છે. હું તદ્દન અણિશુદ્ધ પ્રામાણિક છું. એમ કોઈ રાજકીય નેતા કહે; હું ચૂંટણીખર્ચની મર્યાદામાં જ ચૂંટણી લડ્યો છું. એમ કોઈ જીતેલો ઉમેદવાર કહે; મારે મન તો વર્ગ એ જ સ્વર્ગ છે એમ નવી પેઢીનો કોઈ અધ્યાપક કહે; મારી ઉંમર ત્રીસ વરસની છે એમ ચાળીસ વરસની કોઈ સ્ત્રી, કહે; તમને કેટલા ફોન કર્યા, પણ તમારો ફોન એન્ગેજ જ આવ્યા કરતો હતો એમ કોઈ મિત્ર બીજા મિત્રને કહે; છૂટાછવાયા પથ્થરમારાના, આગના બનાવો બાદ કરતાં શહેરમાં એકંદરે શાંતિ જળવાઈ રહી હતી – એમ ટીવી પરથી સમાચારવાચિકા સ્મિત સાથે જાહેર કરે (આ સ્મિતનો પણ હળવા અસત્યમાં સમાવેશ થાય છે) – બધાં હળવાં અસત્યો છે. આવાં અસત્યોથી પ્રજાનું મનોરંજન થાય છે અને પ્રજાનું આરોગ્ય એકંદરે જળવાઈ રહે છે.
આંકડા એ અસત્યનો જાદુઈ પ્રકાર છે. આ અસત્ય પણ ઘણું રસપ્રદ છે. સ્વતંત્ર ભારતના એક રાજ્યમાં એક વાર દુષ્કાળ પડ્યો. દુષ્કાળ વખતે રાહતકાર્યો શરૂ કરવાનો રિવાજ છે. આ રાહતકાર્યોથી સરકારી અધિકારીઓ-કર્મચારીઓને તેમ જ એમના કુટુંબીજનોને ઘણી રાહત મળે છે! હા, તો એ દુષ્કાળગ્રસ્ત રાજ્યમાં કૂવા ગળાવવામાં આવ્યા અને આ રાહતકામના ખર્ચના આંકડા બહાર પાડવામાં આવ્યા. આ પછી કૂવા ગળાવનાર અધિકારીની બદલી થઈ. (જેથી એ બીજે કૂવા ગળાવી શકે!) એની જગ્યાએ આવેલા અધિકારી કૂવાની સંખ્યા અને ખર્ચના આંકડાથી ઘણા પ્રભાવિત થયા. એમને થયું કે, જિલ્લામાં આટલા બધા કૂવા હોય તો લોકો ચાલતાં કેવી રીતે હશે? વાહનો કેવી રીતે ચાલતાં હશે? કૂવાની સંખ્યા આટલી બધી છે તો એમાં પડનારાની સંખ્યા નહિવત્ કેમ? આવા બધા પ્રશ્નો અધિકારીને સતાવવા માંડ્યા. એમણે કૂવાદર્શનની ઇચ્છા પ્રગટ કરીઃ
અધિકારીના હાથ નીચેના કારકુને કહ્યું, સાહેબ! આ કૂવા ચર્મચક્ષુથી નિહાળી શકાય તેવા નથી. આ કૂવાનાં દર્શન માટે દિવ્યચક્ષુ જોઈએ.કારકુનને રોજ ગીતાનો એક અધ્યાય વાંચીને જ જમવાનો નિયમ હતો એટલે એણે ગીતાની ભાષામાં ખુલાસો કર્યો. અધિકારી અનુભવી હતા. એમને તરત દિવ્યજ્ઞાન થયું. એમણે કહ્યું, તો પછી આ દિવ્ય કૂવાઓ અંગે મારે પણ કંઈક કાર્યવાહી કરવી જોઈએ. તમે દરખાસ્ત રજૂ કરો.
દિવ્ય કૂવા રિપેર કરવાની જરૂર છે એવી દરખાસ્ત રજૂ થઈ. જેટલા કૂવા ગળાયા હોવાની માહિતી કાગળ પર હતી એનાથી બમણી સંખ્યાના કૂવા રિપેર કરાવવામાં આવ્યા. રિપેર કરાવવામાં આવેલા કૂવાની સંખ્યા અને રિપેરિંગ ખર્ચના આંકડા બહાર પાડવામાં આવ્યા. આ પછી એ અધિકારીને બીજે કૂવા રિપેર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા. એમના સ્થાને એક ખૂબ જ અનુભવી અધિકારી આવ્યા. એમને તો ફાઈલ વાંચતાં જ દિવ્ય કૂવાઓ અંગે દિવ્યજ્ઞાન થઈ ગયું. એમણે નીચેના અધિકારીને અને એમની નીચેના પેલા અનુભવી કારકુનને બોલાવ્યા અને પૂછ્યું, આ કૂવાઓમાં પાણી છે? સાહેબ બધું સમજી ગયા છે એ પેલા બન્નેને સમજાઈ ગયું. એમણે કહ્યું, સાહેબ! આ કૂવાઓમાં પાણી બિલકુલ છે જ નહિ!
તો પછી આપણે શી કાર્યવાહી કરવી જોઈએ? સાહેબે પૂછ્યું.
સાહેબ, તમને યોગ્ય લાગતું હોય તો આપણે કૂવા બૂરાવી નાખીએ. કારકુને સૂચન કર્યું. એની ઉપરના ને સાહેબની નીચેના અધિકારીએ પણ આ દરખાસ્તને ટેકો આપ્યો. સાહેબને કૂવા બૂરાવી નાખવાનું યોગ્ય લાગ્યું. જે કૂવા ક્યારેય ગળાયા નહોતા; જે કૂવા ક્યારેય રિપેર કરવામાં આવ્યા નહોતા – એ કૂવા બૂરાવી નાખવામાં આવ્યા. એના ખર્ચના આંકડા બહાર પાડવામાં આવ્યા!
સાક્ષરતા અભિયાનમાં ફલાણા જિલ્લામાં સો ટકા સાક્ષરતા સિદ્ધ થયાના સમાચાર જે છાપામાં પ્રસિદ્ધ થાય છે તે છાપું જિલ્લાના સો ટકા લોકો વાંચી શકતા નથી એવું કહેવાય છે સરકારી મધ્યાહ્ન ભોજન યોજનામાં જમનારાના આંકડા બહાર પડે છે; પરંતુ, આ યોજનામાં ખરેખર જમવાપાત્ર હોય છે એમાંથી કેટલાંક જમતાં હશે, પણ જમવાને પાત્ર ન હોય એવાં પણ ઠીકઠીક સંખ્યામાં જમતાં હોય છે એવું કહેવાય છે વળી, જમવાને પાત્ર હોય, પણ ખરેખર જમ્યાં ન હોય તેવાં પણ કાગળ પર તો જમ્યાં જ હોય છે! આ કેવી રીતે શક્ય બને છે તે વર્લ્ડ બેન્કવાળા પણ ન સમજી શકે, પણ આપણો સામાન્ય ગ્રામપ્રજાજન સમજી શકે છે બેન્કમાં કામ કરતા મારા એક મિત્રે એક વાર મને કહેલું કે, એક બેન્ક રાજ્યના એક જિલ્લામાં જેટલી ભેંસો માટે લોનો આપેલી એટલી ભેંસો જિલ્લામાં તો ઠીક, આખા રાજ્યમાં નહોતી! ચમત્કારો હજીયે બને છે, નહિ? આ ચમત્કારોને કારણે લોકોને જીવનમાં થ્રિલનો- રોમાંચનો અનુભવ થાય છે અને જીવન જીવવા જેવું લાગે છે.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક મોજમાં રેવું રે! માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here