દુનિયાના આ દેશોમાં પેટ્રોલ માચિસ બોક્સથી પણ સસ્તુ

 

નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જેના પરિણામે તહેવારની સિઝનમાં મોંઘવારી પણ ચરમ ઉપર છે. જો કે આ દરમિયાન સરકારી તેલ કંપનીઓએ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૫-૩૫ પૈસાનો વધારો કર્યો છે. ભારતમાં ક્રૂડની વધતી કિંમતના કારણે હાહાકાર મચ્યો છે. જો કે દુનિયાના અમુક દેશો એવા પણ છે જ્યાં પેટ્રોલની કિંમત અડધા ડોલરથી પણ ઓછી છે.

વેનેઝુએલા ઃ દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં મળે છે. જ્યાં એક લીટર પેટ્રોલની કિંમત ૦.૦૨ડોલર એટલે કે ૧.૫૦ રૂપિયા છે. એટલે કે પેટ્રોલ બાકસ કરતા પણ સસ્તુ છે. ભારતમાં ડિસેમ્બરમાં બાકસની કિંમત બે રૂપિયા થઈ છે. આ વેનેઝુએલામાં ૫૦ રૂપિયામાં ૩૦ લીટર પેટ્રોલ ખરીદી શકાય છે. મારૂતિની અલ્ટોમાં ફૂલ ટાંકી કરવા માટે ૫૨.૫૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. વેનેઝુએલામાં ધરતીનો સૌથી મોટો તેલ ભંડાર છે.

ઈરાન ઃ વેનેઝુએલા બાદ દુનિયામાં સૌથી સસ્તુ ઈંઘણ ઈરાનમાં મળે છે. ઈરાનમાં એક લીટર પેટ્રોલની કિંમત ૦.૦૬ ડોલર એટલે કે ૪.૫૧ રૂપિયા છે. ઈરાનમાં ૩૫ લીટરની ટાંકી ફૂલ કરવા માટે ૧૫૭.૮૫ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ઈરાન પાસે દુનિયાનો ચોથા નંબરનો સૌથી મોટો તેલ ભંડાર છે.

સીરિયા ઃ ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા પશ્ચિમ એશિયન દેશ સીરિયામાં પેટ્રોલની કિંમત ૦.૨૩ ડોલર એટલે કે ૧૭ રૂપિયા છે. સીરિયામાં ૩૫ લીટરની ટાંકી ફૂલ કરાવવા માટે ૫૯૫ રૂપિયા ખર્ચ કરવા પડશે. જો કે રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારે આર્થિક સંકટથી બચવા માટે છેલ્લા અમુક સમયમાં ક્રૂડની કિંમત વધારી છે. તેમ છતા ભારતની તુલનાએ કિંમત ઘણી ઓછી છે.

અંગોલા ઃ આફ્રિકી દેશ અંગોલામાં પેટ્રોલની કિંમત ૨૦.૧૦૬ રૂપિયા પ્રતિલિટર છે. એટલે કે ૭૦૦ રૂપિયા ખર્ચ કરીને ૩૫ લીટરની પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી શકાય છે. અંગોલામાં ક્રૂડનો ભંડાર ૭.૮ અબજ બેરલ છે. જે દુનિયાનો ૧૮મો સૌથી મોટો તેલ ભંડાર છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેલનું ઉત્પાદન પ્રતિદિન ૧૨.૫ લાખ બેરલે પહોંચ્યું હતું.

અલ્જીરિયા ઃ વધુ એક આફ્રિકન દેશ અલ્જીરિયામાં પેટ્રોલની કિંમત ૨૫.૧૧૨ રૂપિયા પ્રતિલિટર છે. દેશમાં ૧૨૨ અબજ બેરલ તેલ ભંડાર છે. દેશમાં દરરોજ ૧૧ લાખ બેરલ તેલનું ઉત્પાદન થાય છે. જેમાંથી ૫.૪૦ લાખ બેરલની નિકાસ થાય છે. આ ઉપરાંત કુવૈત, નાઈજીરિયા, તુર્કમેનિસ્તાન, કજાકસ્તાન અને ઈથોપિયામાં પણ પેટ્રોલની કિંમત અડધા ડોલરથી ઓછી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here