ભાટેરામાં શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ૧૦૮મો સમૂહલગ્નોત્સવ યોજાયો

 

ચાંગાઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે અને પાટીદાર સમાજ ભાટેરાના સૌજન્યથી ૧૦૮મો સમૂહલગ્નોત્સવ સાતમી માર્ચ, રવિવારે કઠલાલ તાલુકાના ભાટેરામાં ઘનશ્યામ વિદ્યાલયમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવમાં ૨૧ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 

સમૂહલગ્નોત્સવના દાતાઓ શ્રી મોહનભાઇ મોતીભાઈ પટેલના પુત્ર શ્રી પ્રશાંતભાઈ પટેલ (ભાટેરા/અમદાવાદ) અને શ્રી મનુભાઇ મોતીભાઈ પટેલના પુત્ર શ્રી નીલેશભાઈ પટેલ(ભાટેરા/શ્લ્ખ્) હતા. ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થા દ્વારા સન ૧૮૯૫માં પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજવાનું સામાજિક ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું હતું. જેનો હેતુ લગ્નો પાછળ કરવામાં આવતા બિનજરૂરી ખર્ચાઓમાંથી સામાન્ય પરિવારોને બચાવવાનો હતો.  

આ પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને પોરડાના સ્વામી જાનકીવલ્લભદાસજી, વડતાલના સંત સ્વામી, બાપુનગરના મહંત ધર્મસ્વરૂપદાસજી સ્વામી અને વાસુદેવ સ્વામી, અમદાવાદના સુખનંદન સ્વામી અને ઘનશ્યામ સ્વામી, હાથીજણ ગુરુકુળનાના શ્રીજીપ્રકાશદાસજી સ્વામી, તળાજાના ભગવત સ્વામી, કાંકરિયાના હરિઓમ સ્વામી, ધોલેરાના સંતસ્વામી, હાથીજણના નીલકંઠ સ્વામી વગેરે સંતોએ દાંપત્યજીવનમાં પગલાં પાડનારા નવયુગલોને  આશીર્વચન પાઠવ્યા હતા. સમારંભના પ્રમુખસ્થાને માતૃસંસ્થાના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-ઘ્ણ્ય્જ્ના સેક્રેટરી ડો. એમ. સી. પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંતો- મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું. 

માતૃસંસ્થા વતી સ્વાગત પ્રવચન સમૂહલગ્ન સમિતિના કન્વીનર  ચંદ્રકાન્ત પટેલે કર્યું હતું. ભાટેરા ગામ વતી સરપંચ રાજુભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી સંતો મહેમાનોને આવકાર્યા  હતા. માતૃસંસ્થાનો અહેવાલ સહમંત્રી ગીરીશભાઇ બી. પટેલે આપ્યો હતો. 

આ પ્રસંગે માતૃસંસ્થાના ઉપપ્રમુખ  નવનીતભાઈ પટેલ અને વી. એમ. પટેલ, સહમંત્રી ગીરીશભાઇ બી. પટેલ, ખજાનચી  પ્રિ. આર. વી. પટેલ, ટ્રસ્ટી જશભાઈ પટેલ, મહિલા કન્વીનર  ભારતીબેન પટેલ, કેળવણી મંડળના ખજાનચી  ગીરીશભાઇ સી. પટેલ,  આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ,  પસંદગી સમિતિના કન્વીનર ભગુભાઈ પટેલ, છાત્રાલય કન્વીનર કાંતિમામા, વાડી કન્વીનર ચિરાગ પટેલ, પ્રચાર-પ્રસાર સમિતિ કન્વીનર અશ્વિન પટેલ, પલ્લવીબેન પટેલ, કોકિલાબેન પટેલ, ચિરાગ પટેલ (કણજરી), રમેશકાકા   વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.  

મહંત દિલીપદાસજી મહારાજે નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા, દાતાઓ-યજમાનોને વધાવ્યા હતા અને વડીલોનો આદરભાવ વ્યક્ત કરવા દાતાઓએ યોજાયેલા વડીલવંદના કાર્યક્રમ બદલ અભિનંદન આપ્યા હતા. દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે ભાટેરાની પાવન ભૂમિ પર માતૃસંસ્થાના ઉપક્રમે  ૧૦૮મો સમૂહલગ્નોત્સવ યોજાયો છે અને માતૃસંસ્થા, ભાટેરા પાટીદાર સમાજ-મુખ્યદાતાઓ દ્વારા સમાજ માટે સુંદર કાર્ય થઈ રહ્યું છે ત્યારે નવયુગલો પર ભગવાનના સદાય આશીર્વાદ રહે અને તેઓનું દાંપત્યજીવન સુખમય રહે. વડીલવંદના કાર્યક્રમ અંતર્ગત દિલીપદાસજી મહારાજ અને ભંડારીદાદાના હસ્તે નિલેશભાઇ અને પ્રશાંતભાઈના હસ્તે શાલ-લાકડી-માળા  અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પસંદગી સમિતિ દ્વારા તૈયાર કરાયેલા લગ્નોત્સુક યુવક-યુવતી માહિતી સંચય ગ્રંથનું લોકાર્પણ કરાયું હતું.   

સવારે સમૂહલગ્નવિધિ પછી સહભાગી યુગલોનો સન્માન સમારંભ યોજાયો. નવયુગલોનું સન્માન નગીનભાઈ પટેલ, ડો. એમ. સી. પટેલ, દાતા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. 

નગીનભાઈ પટેલે જણાવ્યું કે ભાટેરામાં માતૃસંસ્થાના ઉપક્રમે આ બીજું સમૂહલગ્ન છે ત્યારે દાતાઓ દ્વારા આવું પ્રોત્સાહન સમાજને સતત પ્રાપ્ત થતું રહે. નગીનભાઈ પટેલે દાતા પરિવારને  અભિનંદન આપતા જણાવ્યું કે સમગ્ર દાતા પરિવારને  અભિનંદનને પાત્ર છે સમાજ તો નિમિત બને છે સમાજોપયોગી કાર્ય તો તમે કર્યું છે. તેમણે કહ્યું કે ચાંગા કેમ્પસમાં ચારુસેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોવિડ-૧૯ રસીકરણ નો કાર્યક્રમ સોમવારથી શનિવાર સુધી સવારે ૧૦.૩૦ થી ૩.૩૦ સુધી ચાલે છે તેનો લાભ લેવા અનુરોધ છે. ભાટેરા ગામ તરફથી આભારવિધિ સરપંચ રાજુભાઇ પટેલે કરી હતી જયારે માતૃસંસ્થા તરફથી આભારવિધિ જશભાઈ પટેલે કરી હતી. સમારંભનું સંચાલન કઠલાલ ચારુસેટ વિદ્યાલયના આચાર્ય શૈલેશ પટેલે કર્યું હતું.  

સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનારા પ્રત્યેક નવયુગલને રૂ. ૪.૫૧ લાખની  કુલ ૨૨૧ ભેટસોગાદો આપવામાં આવી હતી આમ કુલ ૨૧ નવયુગલોને કુલ રૂ. ૯૪ ૭૧ લાખની ભેટસોગાદો આપવામાં આવી હતી જેમાં સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, રોકડ, ફીક્સ ડિપોઝીટનો સમાવેશ થતો હતો. સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનારા  નવયુગલમાં પ્રથમ ૧૧ દીકરીને પહેલું સંતાન દીકરી હોય તેમને રૂ. ૧૧,૧૧૧ ની ફીક્સ ડિપોઝીટ આપવામાં આવશે અને ૧૧ પછીની દીકરીને પહેલું સંતાન દીકરી હોય તેમને રૂ. ૫૦૦૧ની ફીક્સ ડિપોઝીટ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here