જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધનઃ પંચતત્વમાં વિલીન

મુબઈઃ પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી. લાંબી માંદગી બાદ સોમવારે તેમનું અવસાન થયું હતું. પંકજ ઉધાસના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો પીઢ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી પહોંચ્યાં હતા. પંકજ ઉધાસના નિધનના સમાચાર મળતાં જ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ગાયકના મૃતદેહને જોઈને લોકોના આંસુ રોકાતા ન હતા. તેમના ભાઇ મનહર ઉધાસ, પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઘણા સેલિબ્રિટીઝ તેમની અંતિમ ઝલક માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
પંકજ ઉધાસ 72 વર્ષના હતા. તેમની પુત્રીએ તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. ગાયકના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર વિધિમા મોટી સંખ્યામાં ઈન્ડસ્ટ્રીના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે તેના પિતાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલીમાં હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઝલગાયક પંકજ ઉધાસનું 26મી ફેબ્રુઆરીના રોજ 72 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતો. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26મી ફેબ્રુઆરીના રોજ લાંબી માંદગી બાદ નિધન થયું છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના એક યુગનો અંત થયો છે. પંકજ ઉધાસના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પંકજ ઉધાસના પીઆરે જણાવ્યું હતું કે તેમનું નિધન મુંબઈની જાણીતી ખાનગી હોસ્પિટલમાં થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમાંય છેલ્લા કેટલાય દિવસથી તબિયત વધુ બગડી હતી. પંકજ ઉધાસની જાણીતી ગઝલમાં ’નામ’ ફિલ્મની ચિઠ્ઠી આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ, ઔર આહિસ્તા કિજે બાતૈં, જીયેં તો જીયેં કૈસે અને ના કઝરે કે ધાર વગેરે બહુ લોકપ્રિય બની હતી. ગુજરાતી, હિન્દી સહિત અનેક આલ્બમ પણ બહાર પાડ્યા હતા. 2006માં મ્યુઝિક ક્ષેત્રના તેમના મહત્ત્વના યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસને શ્રદ્ધાંજલિ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેની ગઝલ તેના આત્માનો અવાજ હતો. અનેક પેઢી પંકજ ઉદાસના સંગીત અને ગઝલની ચાહક અને પ્રશંસક હતી, એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેમની ગઝલ અને ગીતો મારફતે પંકજ ઉદાસ સદા આપણી વચ્ચે રહેશે. સંગીતક્ષેત્રે તેમનું સ્થાન પૂરવું મુશ્કેલ હશે, એમ તેમણે કહ્યું હતું. પંકજ ઉદાસે અનેક પેઢીઓ પર તેમના ગીત, ગઝલ અને સંગીતનો જાદુ પાથર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here