‘છેલ્લો દિવસ’ની સફળતા પછી ‘શું થયું?’નું ટ્રેલર લોન્ચ

છેલ્લો દિવસની સફળતા પછી શું થયુ?નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં ચાર મિત્રોની વાર્તા ફરી જોવા મળશે. છેલ્લો દિવસના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી પોતાની એ જ ટીમ સાથે ગુજરાતી ફિલ્મ શું થયું લઈને આવ્યા છે. ફિલ્મ શું થયુંનું ટ્રેલર લોન્ચ પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર સિવાય ફિલ્મની પૂરી સ્ટાર-કાસ્ટ, ડિરેક્ટર તથા પ્રોડ્યુસર હાજર રહ્યાં હતાં. મલ્હાર ઠાકર હાલમાં કેનેડા હોવાથી તે આવી શક્યા નહોતા.
શું થયું ફિલ્મ 24મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત 28 લોકેશન પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ 32 દિવસ સુધી ચાલ્યું હતું. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, કિંજલ રાજપરિયા, મિત્ર ગઢવી, નેત્રી ત્રિવેદી, યશ સોની છે, જ્યારે આ ફિલ્મને વિશાલ શાહે પ્રોડ્યુસ કરી છે.
ફિલ્મની વાર્તા મુજબ મનન (મલ્હાર ઠાકર) દીપાલી (કિંજલ રાજપરિયા) જોડે લગ્ન કરવા માટે તેના પેરેન્ટ્સને મનાવે છે. લગ્નની તૈયારીઓ શરૂ થાય છે, પરંતુ તેના મિત્રો નીલ, વિરલ અને ચિરાગ સાથે ક્રિકેટ રમતી વખતે મનનનો અણધાર્યો અકસ્માત થાય છે. મનન એક જ વાકય વારંવાર વાગોળતો હોય છે અને તેના મિત્રો જ્યારે તેને ડોક્ટર પાસે લઈ જાય છે ત્યારે તેઓને ખબર પડે છે કે મનન તેનાં પાછલાં બે વર્ષની યાદશક્તિ ભૂલી બેઠો છે, કેમ કે તેને માથા પર ઈજા પહોંચી હોય છે. હવે મનન દીપાલીને ઓળખતો નથી અને તેના મિત્રો સિવાય આ અકસ્માતની કોઈને જાણ હોતી નથી. શું મનનનાં લગ્ન થશે? શું મનનને બધું યાદ આવશે? શું એના પરિવારને આ વિશે જાણ થશે? શું મનન કહી શકશે, શું થયું?
બેલ્વેડેર ફિલ્મ્સ અમદાવાદમાં સ્થિત એક ફિલ્મનિર્માણ કંપની છે. આ કંપનીએ ફેબ્રુઆરી, 2015માં શરૂઆત કરી અને ચાર વર્ષમાં ફીચર ફિલ્મમાં સ્પર્ધાત્મક ક્ષમતા હાંસલ કરી છે. ખૂબ ઓછા સમયમાં બેલ્વેડેર ફિલ્મ્સે સર્જનાત્મક અને પ્રોફેશનલ વ્યક્તિઓ સાથે મળીને પાંચ ફીચર ફિલ્મો બનાવી છે. પહેલો પ્રોજેક્ટ ફિલ્મ છેલ્લો દિવસ 20મી નવેમ્બર, 2015ના રિલીઝ થઈ હતી, જે ખૂબ જ સફળ રહી અને બોક્સ ઓફિસના બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. એક વર્ષ પછી ડેઝ ઓફ ટફરી રિલીઝ થઈ, જે છેલ્લો દિવસની રિમેક હતી. 19મી મે, 2017માં કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ રિલીઝ થઈ, જેમાં ઇન્ડિયામાં નિમ્ન વર્ગના લોકોનું વર્ણન હતું, જે દર્શકોને ખૂબ ગમી. ફિલ્મ વાંઢા વિલાસ મે, 2018માં રિલીઝ થઈ અને હવે બેલ્વેડેર ફિલ્મ્સ લાવી રહ્યા છે તેની આગામી ફિલ્મ શું થયું? આ મહિને રિલીઝ થઈ રહી છે. બેંગલોરસ્થિત પ્રોડક્શન હાઉસ સ્બ્ચ્ મિડિયા ગ્રુપની સ્થાપના મહેશ દનાનાવારે કરી છે, જે બહુભાસી એન્ટરટેઇનિંગ ફિલ્મ્સનું નિર્માણ કરે છે. શું થયું? ફિલ્મ એ સ્બ્ચ્ મિડિયા ગ્રુપની પહેલી નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here