ગ્રેટેસ્ટ સરપ્રાઇઝ

0
1018

જાળું

ને જોઈ રહી. એક જાળું. ખૂબ જ મોટું જાળું. જાડા જાડા, કાળા કાળા મજબૂત તાંતણાવાળું એક જાળું. કદાચ, કાળા, ઝેરી કરોળિયાએ બનાવ્યું હશે. તેમાં વચ્ચે એક જંતુ સપડાયું હતું. તરફડતું હતું. જીવવા માટે ઝઝૂમતું હતું, પણ…

અને તે જાળું વિસ્તરતું ગયું અને તે તેમાં સપડાઈ ગઈ. ચીસો જ ના પાડી શકી હેલ્પ, હેલ્પની ત્રણ ચાર ઝેરી કરોળિયાએ બનાવેલું એ જાળું હતું. તેને થયું કે તેણે આ જાળું તોડીને નીકળી જવું જોઈએ, પણ ખૂબ જ મુશ્કેલ હતું, ખૂબ જ.

તેની વાચા જ હરાઈ ગઈ હતી. તેને લાગ્યું કે તે મરી જશે. પણ ના, તે ચુસાઈ ગઈ હતી. બિલકુલ જંગલી રીતે ચુસાઈ ગઈ હતી. આટલી જંગલી રીતે તો ચિત્તો પણ તેના શિકારને…

‘હું મરી જઈશ’ ને મોટેથી બોલી, પણ અવાજવિહીન. તેણે જ કદાચ સાંભળ્યું, ‘હું મરી જઈશ.’ પણ ના, તે મરી નહોતી ગઈ તો પછી કોણ મરી ગયું હતું? શું મરી ગયું’તું?

તે તો હજી જીવતી હતી. તો પછી શું મરી ગયું’તું? ખબર ના પડી કદાચ… કદાચ…

‘મારો આત્મા મરી ગયો છે.’

‘પણ આત્મા તે મરતો હશે?’

‘હા, હું જીવું છું, પણ મારો આત્મા કોઈનાં બચકાંથી, કોઈના ચીમટાથી, કોઈના મારથી મરી રહ્યો છે. પેલા ત્ર્ાણ-ચાર કરોળિયા મારા આત્માને મારી રહ્યા છે. મારા આત્માનું ખૂન કરી રહ્યા છે. મારા આત્માની લાશના ટુકડેટુકડા કરી રહ્યા છે.

પેલા કરોળિયાના જાળામાં તો જંતુ ચુસાઈ ગયું હતું. મરી જ ગયું હતું, પણ હું જીવી રહી છું.

ઓ માય ગોડ… ઓ ગોડ… તેં આ શું કર્યું, મને કેમ જિવાડી… મને મારી જ નાખવી’તીને?

 

પણ હજીયે જાળું મારો પીછો નથી છોડતું. હું કેવી રીતે લગ્ન કરું? એ જાળું… ઓ ગોડ… મારા આત્માને મારી નાખીને પણ મારો પીછો નથી છોડતું… તેં આવું જાળું કેમ ઊભું કર્યું?

 

હનીમૂન. એકાંત. અંધારું. અંધારું એકાંત.

વિસ્તરતું જતું જાળું… ફરીથી જાળું…

???

– અને તે ધક્કો મારીને દોડી ગઈ… દોડતી જ ગઈ… દોડતી જ ગઈ…

વંશ

સંખ્યાબંધ ડોક્ટર્સને બતાવ્યું, લેટેસ્ટ ટ્રીટમેન્ટ લીધી, બાધા-આખડી કરી, વ્રતો કર્યાં, દેવી-દેવતાઓનાં દર્શન કર્યાં. ઘણાં યાત્રાધામ જઈ આવ્યા અને છતાંય… પરિણામ શૂન્ય.

જોકે બધા જ ગાયનેકની વાત એક જ હતી. બન્નેમાંથી કોઈનામાં ખામી નથી અને એટલે જ મુશ્કેલી છે. ખામી હોય તો ટ્રીટમેન્ટ થાય, પણ ખામી વગર, તકલીફ વગર… ખરેખર તકલીફ હતી.

દસ વર્ષ પછી બન્નેએ મનને મનાવી લીધું હતું, પણ સાસુ-સસરા માનતાં નહોતાં. સગાંસંબંધીઓની ચણભણ અને ફ્રેન્ડસર્કલમાં બધાંનાં બાળકો… અનબેરેબલ હતું, આ બધું.

દત્તક લેવા માટે બેમાંથી એકેયનું મન માનતું નહોતું. કોઈ સગાનું બાળક… પણ પોતાનો અંશ તો નહિ જ ને?

સરોગેટનો વિચાર બન્નેના મનમાં આવ્યો, પણ તરત જ બન્નેએ તેનો છેદ જ ઉડાડી દીધો.

છેવટે તેણે તેના પતિને કહી દીધું – તમે બીજાં લગ્ન કરી લો.

‘તુંય બીજાં લગ્ન કરી શકે ને?’

‘પણ એમાં તમારો અંશ ન હોય, એમાં તમારા પરિવારના જીન પણ ન હોય’

મૌન.

‘તમારાં મમ્મી-પપ્પાની પણ એ જ ઇચ્છા છે. બિચારાં કહી નથી શકતાં.

મૌન.

‘તમે બોલતાં કેમ નથી? હું તમે ઇચ્છો તેવું લખાણ…’

‘નો…. નો… નો’ કીર્તન બરાડી ઊઠ્યો,’ તું આવું વિચારી કેમ શકે? આપણે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ એ પૂરતું નથી?’

મૌન.

‘તું જો, સમાજમાં ઘણાં કપલ્સ બાળક વિના જીવી જ રહ્યાં છે ને?’

 

‘નિશા મેડમ’, કીર્તનની સેક્રેટરી શિવાની રડતી રડતી બોલતી હતી, ‘સરનો કોઈ વાંક નથી. ખરેખર તો મેં જ સરને… સર મને ખૂબ ગમતા’તા… હજીયે ગમે છે. અને એટલે જ… મેડમ આઇ એમ સોરી… મારો કોઈ ખરાબ ઇરાદો છે જ નહિ. હા, હું તેને જન્મ આપવા માગું છું.’ એમ બોલીને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. ‘મેડમ, હવે એબોર્શન પણ શક્ય નથી અને એટલે જ હું તેને જન્મ આપવા માગું છું. આમેય મારે મમ્મી-પપ્પા છે જ નહિ. હું તદ્દન એકલી જ છું અને કદાચ’ૃ તેથી જ સર તરફ…’

નિશા શિવાનીને જોઈ રહી. ઘાટીલો નમણો ચહેરો. સહેજ શ્યામ. પ્રેગ્નન્સીને કારણે લોહી ભરાયું હતું. શરીર થોડું ભરાવદાર છતાંય આકર્ષક લાગતું હતું.

શિવાની હજીય રડતી હતી, નીચું જોઈને તેનો ચહેરો આંસુઓથી ખરડાઈ ગયો હતો.

હું દૂર ચાલી જઈશ. સરનું નામ ક્યાંય નહિ આવે. મારે તમારી કે સર પાસેથી કશું જ નથી જોઈતું. પ્રોમિસ છે મારું, બસ મને માફ કરી દો. મેડમ, પ્લીઝ…’

નિશાએ તેનો ચહેરો હાથમાં લીધો. ચૂમ્યો. પછી તેને બાથમાં લીધી. હળવેથી થાબડી. પંપાળી. એના રૂમાલથી તેનો ચહેરો લૂછ્યો. પાણી મગાવીને પીવડાવ્યું. સોફા પર પોતાની સાથે બેસાડી.

‘ક્યાં જઈશ?’ નિશાએ એના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું.

‘ગમે ત્યાં…’

નિશા હસી, ધીમેથી, પણ… મક્કમતાપૂર્વક પૂછ્યું, ‘તારા સરનું જ છે ને? કે કોઈ…’

‘ના મેડમ, પ્લીઝ, મેં કોઈ બીજાનો વિચાર સુધ્ધાં નથી કર્યો… મેડમ, વાંક મારો છે, સરનો નથી…’

નિશાને મહાભારતનાં કેટલાંક પાત્રો યાદ આવી ગયાં. શિવાનીના ઊપસેલા પેટ પર હળવેથી હાથ ફેરવ્યો. ફરીથી તેનો ચહેરો ચૂમ્યો. એક મક્કમ નિર્ધાર કર્યો… ઊભી થઈ અને ટેબલ પર પડેલો સેલફોન હાથમાં લીધો.

નહિ મરે તારી મા

‘માસી, હવે હું જઈશ,’ શૈલજાએ હસતાં હસતાં કહ્યું.

‘ક્યાં?’

‘મમ્મીની સેવામાં. એક મહિના માટે. પહેલી તારીખે મારો મહિનો શરૂ થશે. ચારેય બહેનોએ વારા કર્યા છે. શું કરીએ? પપ્પાના ડેથ પછી મમ્મીની તબિયત બગડી. હવે તો બહુ ચલાતું પણ નથી. માંડ માંડ ટોઇલેટમાં લઈ જઈએ છીએ. ત્રણ તો કામવાળા રાખ્યા છે. રસોઇણ બાઈ તો જુદી. પહેલાં અમે ત્રણ ત્રણ મહિનાનો સમય રાખ્યો’તો, પણ…

‘ત્રણ મહિના તો બહુ કહેવાય.’

‘અને એટલે જ અમે વિચાર્યું, ત્રણ મહિના સુધી ઘરને રેઢું મૂકવાનું, બધાંને ખાવાપીવાની તકલીફ પડે એટલે પછી એક મહિનાનું નક્કી કર્યું. માસી, અમેય સંસાર લઈને બેઠાં છીએ. શું કરીએ?’

‘માનું કરવું તો પડે જ ને!’

‘કરીએ જ છીએ. ભઈ છે નહિ. નહિ તો ભાભી… પણ જવા દો એ વાત, આજના જમાનામાં વહુ કરે ખરી?’

‘ના જ કરે.’

 

‘મહિનો પતી ગયો?’ શૈલજાને જોઈને માસીએ પૂછ્યું.

‘જવા દોને માંડ માંડ પત્યો. કંટાળી ગયાં. હવે તો મમ્મીને તો પાછળેય ભાઠાં પડવા માંડ્યાં છે. અને દવાઓને લીધે શરીર તો જે ફૂલ્યું છે…’

‘પણ તારે તો અહીંયાંય…’

‘હા માસી, સાસુ બહુ પજવે છે. મારી મોટી તો બહુ જ કંટાળી ગઈ છે. તે નોકરી કરે કે સાસુનું ધ્યાન રાખે… અને એમની કચકચ તે કંઈ કચકચ છે… કોઈ પણ થાકી જાય…

‘તારી મમ્મી તો શાંત છે ને?’

‘ના રે ના. તેનીય કચકચ છે જ, પણ મારાં સાસુ જેટલી નહિ. એ તો પથારીવશ છે. એના દર્દથી કંટાળી છે એટલે એવું હોય એ સમજાય તેમ છે, પણ આ તો, પંચાશી વર્ષેય હરતાંફરતાં છે અને કદાચ એટલે જ આટલી બધી કચકચ કરે છે. ખાવાની કચકચ તો હદ વગરની છે. ચીડ તો એવી ચડે છે ને!’

‘તારી તો નાનીયે સર્વિસ કરે છે ને?’

‘હો એટલે તો બન્ને છોકરીઓ થાકી છે. મારે મમ્મીની ટેક કેર કરવા જવાનું હોય ત્યારે બન્નેના પેટમાં તેલ રેડાય છે. મોટી તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું જ કહે છે. મારે તો બન્ને બાજુની ચિંતા. એક બાજુ જિદ્દી સાસુ અને બીજી બાજુ પથારીવશ મમ્મી.’

 

‘ફરી વારો પૂરો કરી આવી?’ પણ આ મહિનો તારી બન્ને છોકરીઓને તારી સાસુ સાથે બહુ ઠેરતી’તી.’

‘મને ફોન પર બધી જ માહિતી મળતી હતી. માસી, અમે ચારેય બહેનો ખૂબ કંટાળી ગઈ છીએ મમ્મીથી. હવે છૂટે તો સારું, અમેય છૂટીએ.’ શૈલજા આંખમાં આંસુ સાથે બોલતી હતી. ‘અમે ચારેય બહેનો અને એમના ઘરનાં બધાં મમ્મીના મરવાની રાહ જોઈ રહ્યાં છીએ.

– અને આ વાક્ય સાથે જ શૈલજાનાં સાસુ લાકડીના ટેકે ચાલતા ચાલતાં આવ્યાં ને બોલ્યાં, ‘નહિ મરે તારી મા, જ્યાં સુધી તમે મા-દીકરીઓ મને સારી રીતે નહિ રાખો. મને તો તમે છણકે બેસાડો છો ને છણકે ઊઠાડો છો. સરખું ખાવાનુંય આપતાં નથી. અરે ટીવીય જોવા નથી દેતા. મને નર્યો ત્રાસ જ આપો છો ને… ભોગવજો હવે… તારી માય તમને બધાંને બરાબર ત્રાસ આપશે. મને સરખી રીતે નહિ રાખો ત્યાં સુધી એ જીવશે જ, નહિ જ મરે, મારો શ્રાપ છે તને.

ગ્રેટેસ્ટ સરપ્રાઇઝ

અમારું સિનિયર સિટિજન્સનું એક સર્કલ હતું. આમ તો અમે છએ કોલેજ સમયથી જ સાથે હતા. પરણ્યા અને અત્યારે દાદાય બની ગયા. એમાં પ્રકાશ-પ્રતિમાનું કપલ ખૂબ વિશિષ્ટ હતું. બન્નેની સરખી ઉંમર અને એક જ બર્થ-ડે. આ વખતે બન્નેએ સાઠમી વર્ષગાંઠ ઊજવવાનું નક્કી કર્યું.

બન્નેનો એક પુત્ર અમેરિકા અને બીજો દિલ્હીની કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં. પુત્રી હતી જ નહિ. બે પુત્રો, બે પુત્રવધૂ. ચાર પૌત્ર-પૌત્રીઓ છતાં પ્રકાશ-પ્રતિમા એકલા જ. વર્ષમાં એક વાર મોટો પુત્ર ફેમિલી સાથે આવે ત્યારે નાનો પણ ફેમિલી સાથે આવી જાય. ત્રણેક વીક બધાં ખૂબ એન્જોય કરે.

એમના ગયા પછી ગાર્ડનમાં ભેગાં થઈએ ત્યારે પ્રતિમા જ બોલતી – ‘એ બધાં ના આવ્યા હોત તો સારું. હવે ખાલીપો વધારે સાલે છે. અને એમના ગયા પછીની એકલતા તો વધારે ડંખે છે. એ ડંખ અમારા અસ્તિત્વને ઢીમડાં ઢીમડાં કરી ખોતરી નાખે છે.’

પ્રતિમાની આંખમાંથી આંસુ નીકળી જતાં. પ્રકાશ પણ ઢીલો થઈ જતો. અમે તરત ટોપિક બદલી નાખતા.

નાના પુત્ર અલયનો ફોન હતો – ‘મમ્મી, અમે તમારી 60મી બર્થ-ડેની ઉજવણી કરવા આવવાના છીએ. મોટા પાયે ગ્રાન્ડ સેલિબ્રેશન કરીશું. બધાંયને યાદ કરી કરીને ઇન્વાઇટ કરજો. અમે પણ તમને એક સ્પેશિયલ ગિફ્ટ આપવાના છીએ.’

‘કઈ ગિફ્ટ છે?’

‘મમ્મી, એ તો સરપ્રાઇઝ છે.’ બીજા ફોન પરથી અસિના બોલેલી.

પ્રતિમાએ બહુ આગ્રહ કર્યો, પણ બન્નેય હસતાં રહ્યાં, કંઈ પણ બોલ્યા વગર.

 

‘તું મને કે’તો ખરી, શું ગિફ્ટ છે?’

‘ના મમ્મી, ‘અસિના બોલી,’ અમે બધાંની હાજરીમાં જ જાહેર કરીશું, મમ્મી,’ જોજોને તમે ડેમ પ્લીઝ થઈ જશો અને પપ્પાજી પણ.

‘ના એવું ન ચાલે… મારી મીઠડી વહુ નહિ! મને તો કહેવું જ પડે… મારા સમ…’

‘મમ્મી, તમે મને ઇમોશનલી બ્લેકમેલ કરો છો. એક બાજુ અલય છે અને બીજી બાજુ મારી માથીયે વધારે મારી સાસુજી છે. ઓ.કે. મમ્મીજી… પણ તમારે અલયને નહિ કહેવાનું… પ્રોમિસ?’

‘યસ.’

‘તો સાંભળો… અલયે ટ્રાન્સફર માગી છે. આણંદમાં અને સેક્શન પણ થઈ છે. એ અપડાઉન કરશે. બોલો મમ્મીજી. આ સરપ્રાઇઝ કેવી લાગી?’

‘ઓ મારા દીકરા, ગ્રેટેસ્ટ સરપ્રાઇઝ છે. આઇ એમ ફુલ્લી સેટિસફાઇડ… વળી મારાં બે રમકડાં…ઓ… આસિ, શું બોલુ?… નો વડ્઱્સ…’

‘મમ્મી, કેવી તૈયારીઓ?’

 

‘ગ્રાન્ડ. જો પાર્ટી પ્લોટ બુક થઈ ગયો છે. મેનુ અને કેટરર નક્કી થઈ ગયાં છે અને આસિ, સાંભળ,’ પ્રતિમા ખૂબ ઉત્સાહપૂર્વક બોલતી હતી. ‘બધા જ ફ્રેન્ડ્સને, અરે, અમારા સ્કૂલ ફ્રેન્ડ્ઝને પણ કાર્ડ મોકલી દીધાં છે… તું જોજે તો ખરી, એટલું ગ્રાન્ડ સેલિબ્રેશન થશે ને!’

 

પપ્પા સ્તબ્ધ. હાથમાંનો ફોન ધ્રૂજી ઊઠેલા હાથને કારણે પડી ગયો, ‘પ્ર…તિ…’ કહીને મોટી બૂમ. કિચનમાંથી પ્રતિ ડ્રોઇંગરૂમમાં…

‘ઓ માય ગોડ… આ તો જુઓ… અરે, તમે માથે હાથ દઈને બેસી કેમ ગયા? અને આ મોબાઇલ…’

પ્રતિએ મોબાઇલ ઉઠાવ્યો, ચાલુ હતો.

‘અન્કલ, તમે સાંભળો છો ને?!

‘બેટા બોલ…’ પ્રતિ બોલી.

‘આન્ટી, અલયની કારને બરોડા પાસે ફેટલ એક્સિડન્ટ.’

હર્ષદ ચોકસી

લેખક કેળવણીકાર છે.

પ્રતિભાવઃ [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here