શિકાગોમાં દ્વિતીય વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2018નું ભવ્ય આયોજન


દ્વિતીય વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા (ડાબેથી) મોહન ભાગવત, આચાર્ય લોકેશ મુનિ, સ્વામી સ્વરૂપાનંદ, સ્વામી પૂર્ણાત્માનંદ, એસ. પી. કોઠારી, અશ્વિન, આધીન, સદ્ગુરુ દિલીપસિંહ.

શિકાગોઃ શિકાગોમાં વેસ્ટ ઇન લોમ્બાર્ડ યોર્ક ટાઉન સેન્ટરમાં સ્વામી વિવેકાનંદની વિશાળ પ્રતિમાની પશ્ચાદભૂમાં સાતમીથી નવમી સપ્ટેમ્બર દરમિયાન દ્વિતીય વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ-2018નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 દેશોના 2500 હિન્દુઓનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે હાઈ પ્રોફાઇલ રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. થિન્ક કલેક્ટિવલી, અચીવ વેલિયાન્ટલી થીમ વિશે આ કોન્ફરન્સ યોજાઈ હતી.
દિવસ દરમિયાન વિવિધ ચર્ચાસત્રો અને સાત પરિસંવાદો ઉપરાંત અર્થતંત્ર – મહિલા – યુવા – શિક્ષણ – મિડિયા – રાજકારણ – હિન્દુ સંગઠન સહિતના વિષયોને આવરી લેતી આ કોન્ફરન્સમાં વિશ્વભરમાં પથરાયેલા હિન્દુઓના હકોના રક્ષણ માટે ચર્ચા થઈ હતી તેમ જ તેઓની સિદ્ધિઓ દર્શાવવામાં આવી હતી.
કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, આરએસએસના અગ્રણી નેતા મોહનરાવ ભાગવત, યુએસ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ), ઓહાયો રિપબ્લિકન સ્ટેટ રિપ. નીરજ અંતાણી, ભૂતપૂર્વ આયોવા સ્ટેટ સેનેટર સ્વાતિ દાંડેકર, કનેક્ટિકટ સ્ટેટ રિપ. ડો. પ્રસાદ શ્રીનિવાસન અને બોલીવુડના અભિનેતા અનુપમ ખેરનો સમાવેશ થતો હતો.


મિડિયા કો-ઓર્ડિનેટર મનુ શાહે જણાવ્યું હતું કે વિશાળ નેટવર્કના કારણે વધુ નાગરિકો આવ્યા હતા, પરંતુ કોન્ફરન્સના બે માસ અગાઉ રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું હતું.
આ કોન્ફરન્સમાં લેટિન અમેરિકાથી 27 હિન્દુઓ, ફિજી-ગુયાના-ટોકિયોમાંથી પણ કેટલાક હિન્દુઓ હાજર રહ્યા હતા, જ્યારે દુનિયાભરમાંથી 300 યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મનુ શાહે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનું સુંદર સુનિયોજિત આયોજન કરાયું હતું. દરેક બાબતો સમયસર થઈ હતી.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખે કહ્યું હતું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને મોહન ભાગવતની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સ ખૂબ જ ફળદાયી નીવડી હતી. પરીખ વર્લ્ડવાઇડ મિડિયા વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2018ના વિવિધ સ્પોન્સરોમાંનું એક સ્પોન્સર હતું. હિન્દુત્વની પ્રણાલી વિશે યુવાપેઢીને તેમ જ આપણી આ કોન્ફરન્સનો હેતુ પરિપૂર્ણ થયો હતો.
નવમી સપ્ટેમ્બરે રવિવારે સમાપન સમારંભમાં કોન્ફરન્સના કન્વીનર ડો. અભય ચૂડાસમાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે હિન્દુઓ વધુ હકારાત્મક દષ્ટિકોણ ધરાવતા થયા છે, જે આ કોન્ફરન્સનો હેતુ હતો.
ચાવીરૂપ પ્રવચનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદની મહાનતાને અનુસરવું જોઈએ. નાયડુએ પોતાના પ્રવચન દરમિયાન સંસ્કૃત અને તેલુગુમાં શ્લોકો રજૂ કર્યા હતા.

આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિન્દુઓ કોઈના વિરોધ માટે જીવતા નથી. દરેક માનવીને સ્વતંત્રતાથી જીવન જીવવાનો અધિકાર છે. કદાચ કોઈ વ્યક્તિ અમારો વિરોધ કરે છે, તો અમે તેમને નુકસાન પહોંચાડ્યા વગર તેની સાથે શાંતિથી વાત કરીએ છીએ.
ભાગવતે જણાવ્યું કે અમે શા માટે 1000 વર્ષથી સહન કરતા આવ્યા છીએ. આપણે શા માટે ભેગા મળીને કામ કરવાનું ભૂલી ગયા છીએ. હિન્દુ સમાજના અસંખ્ય વાડા છે, પરંતુ તેઓ ક્યારેય ભેગા મળ્યા નથી, ભેગા થયા નથી. હિન્દુઓને ભેગા કરવાનું મુશ્કેલ કાર્ય છે.
અનુપમ ખેરે જણાવ્યું કે આપણા દેશ ભારતમાં તમામ સંસ્કૃતિ – ધર્મના નાગરિકો વસે છે.
વિવિધ પહેલ અને એવોર્ડ્સ
આ કોંગ્રેસ દરમિયાન કેટલીક ફળશ્રુતિ બહાર આવી હતી, જે મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુનાઇટેડ કિંગ્ડમમાં કાયમી પ્રતિનિધિની નિમણૂક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો, જે વૈશ્વિક સ્તરે હિન્દુઓના હકોની માગણી કરી શકે. કેરેબિયન અને આફ્રિકામાં મજબૂત રાજકીય અવાજ ઊભો કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોન્ફરન્સની સમાંતર યુવા-મિડિયા – અર્થતંત્ર – મહિલા – શિક્ષણ – હિન્દુ સંગઠનો વિશેનાં ચર્ચાસત્રો યોજાયા હતા.
અમેરિકામાં હિન્દુ પ્રણાલીના વિકાસ માટે અને તેને વધુ લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
મહિલા કોન્ફરન્સનું આયોજન ઉદ્યોગસાહસિક – ગ્રેમી સાહસિક એવોર્ડવિજેતા કલાકાર ચંદ્રિકા ટંડનના નેતૃત્વમાં થયું હતું. પ્રેરણાત્મક વાર્તાઓ અને કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટો વિશે 56 પોસ્ટરો ડિસપ્લે કરવામાં આવ્યાં હતાં. ત્રણ બેસ્ટ પોસ્ટરો તરીકે સેવા ઇન્ટરનેશનલના ટોઇલેટ એન્ડ હાઇજીન પ્રોજેક્ટ ફોર ધ ગર્લ ચાઇલ્ડ, ગુરુકુળડોટકોમ પોસ્ટરની પસંદગી કરવામાં આવી હતી.
મણિપાલ ગ્લોબલના બોર્ડના ચેરપર્સન મોહનદાસ પાઈ, શાસ્ત્રીય નૃત્યાંગનાં સોનલ માનસિંહ, ઇતિહાસકાર – પુરાતત્ત્વવિદ આર. નાગાસ્વામી હિન્દુ સોસાયટીઃ ગ્લોરી ઓફ ધ પાસ્ટ, પેઇન ઓફ પ્રેઝન્ટ એન્ડ ડ્રીમ ફોર ફ્યુચર વિશેની ત્રીજા ચર્ચાસત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. સુભાષ કાકે સત્રનું સંચાલન કર્યું હતું.
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ દ્વારા ચાર સંસ્થાઓનું હિન્દુ વિચારસરણીના પ્રસાર બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બેપ્સ), ચિન્મય મિશન, ગીતા પ્રેસ ગોરખપુર, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સીયસનેસ (ઇસ્કોન)નો સમાવેશ થતો હતો.
સિલિકોન વેલીના ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક વાઇસચેર રાજુ રેડ્ડી હિન્દુઓને આગળ વધવાની તક પૂરી પાડવા બદલ કોંગ્રેસનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોન્ફરન્સના સંચાલક ડો. શ્યામકાંત શેઠે બે વર્ષની કામગીરીની માહિતી આપી હતી અએ હિન્દુઓને એક મંચ ઉપર લાવવાની વર્લ્ડ હિન્દુ કોંગ્રેસની કામગીરીને બિરદાવી હતી. આયોજકોએ જાહેરાત કરી હતી કે ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ બેંગકોક – થાઇલેન્ડમાં ચોથીથી છઠ્ઠી નવેમ્બર 2022ના રોજ યોજાશે, જેની થીમ છે વિક્ટરી ફોર ધર્મ, નોટ અધર્મ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here