પુષ્પદાહ

0
1239

Episode 63,

‘એમ?’

‘હા.’ એમણે કહ્યું, પહેલી વાત તો એ કે એ નાનકડી બાળકીને તમે જ્યારે એનાં કપડાં ઊતરાવીને તપાસી હશે ત્યારે એને જે માનસિક તનાવમાંથી પસાર થવું પડ્યું હશે એની મને કે તમને માત્ર કલ્પના જ આવી શકે. અનુભવ તો માત્ર એણે જ કર્યો. એવડા કુમળા બાળકને એ પળે કશું જ સમજાયું નહિ હોય કે તમે – એક અજાણ્યો માણસ શા માટે એને આમ કરે છે?’

‘છૂટકો નહોતો મિસ્ટર પટેલ.’

‘સાચી વાત પણ…’ એમણે કહ્યું. ‘એને એ વાત સાથે કોઈ લેવાદેવા ન હોય કે તમારે તમારી ફરજની રૂએ એવું કરવું પડ્યું. એને મન તો એ આખી અણગમતી, મૂંઝવનારી, ક્ષોભ પમાડનારી, શરમ ભરેલી પ્રક્રિયા જ હતી. જીવનભર એના માનસ પર એ ઘટનાનાં ઊંડાં નિશાન રહેશે.. અને બીજી વાત હવે દરેક વિઝિટેશન રાઇટ્સના અમલ વેળા અમે એને લેવા જઈએ ત્યારે અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ ચારુ અમને બાળકોનાં શરીરને ચોતરફથી તપાસી તપાસીને લઈ જવાનો જ આગ્રહ રાખશે કે અમે લઈ ગયા ત્યારે બાળકો ઓકે હતાં, સારી કન્ડિશનમાં હતાં. જાણે કે કોઈ ગુડ્ઝ નિર્જીવ વસ્તુની ડિલિવરી સ્વીકારતી વેળા અમારે લખી આપવાનું હોય કે એ ગુડ કન્ડિશનમાં છે.’

‘અરે’ ઓફિસરને નવાઈ લાગી. ‘એ એમ શા માટે કરે?’

‘એ એમ એટલા માટે કરે, કારણ કે હવે એને ફડકો રહેશે કે વળતા હુમલા રૂપે અમે એના ઉપર ચાઇલ્ડ એબ્યુઝનો આરોપ મૂકીશું. અમે એવું કરવાનાં નથી. અમારા મનમાં આવો વિચાર જન્મે પણ નહિ. ચોરને હંમેશાં પોતાના ઘરમાં ચોરી થવાનો ભય રહેતો હોય છે. આમ હું દાવા સાથે કહી શકું છું, કારણ કે મને મનોવિજ્ઞાનનો અભ્યાસ છે અને આ સ્ત્રીનાં મનોવિજ્ઞાનને હું બરાબર વાંચી શકું છું.’

‘તમે સાચા પડો એમ લાગે છે.’

‘હું ખોટો પડીશ તો મને બહુ આનંદ થશે, પણ એમ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. આ આખી ઘટના દેખાય છે એક નાનકડા બિંદુ જેટલી, એક નાનકડા કેસ જેટલી જે ભલે ‘અનફાઉન્ડેડ’ની નોટ સાથે તમારા રેકોર્ડમાં ફાઈલ થઈ જશે, પણ બાળકોનાં મનમાં એનાં ફાઉન્ડેશન બહુ ઊંડે સુધી ધરબાઈ જશે. પોતે મનુષ્ય નથી, પણ કોઈ વસ્તુ છે એવો હીણપતનો ભાવ તેમના મનમાં કોરાઈ જશે, પણ શું થાય? એમનાથી એકે ઊંડો નિઃશ્વાસ નખાઈ ગયો. તમારી લાગણી માટે આભાર પણ…’

પણ પછીની દુર્ઘટનાઓએ એમને આખી રાત સૂવા દીધા નહિ.

 

‘દાદા’ એક દિવસ અણધારી રીતે રોબિને ફોનમાં કહ્યું.

‘તમને ખબર છે, નવો ડેડી ઇન્ડિયાથી આવવાનો છે!’

એ વખતે સંજય પણ બીજા ફોન પર હતો. રોબિને બિલકુલ સહજ અને સ્વાભાવિકપણે જ બીજી મીઠી મીઠી વાતો કરતાં કરતાં અણધારી રીતે જ આ વાત કરી દીધી. ચમકીને શાંતિભાઈ અને સંજયે પરસ્પર સામે જોયું.

એકસામટા અનેક પ્રશ્નો એકસાથે રોબિનને પૂછીને આખી વાત જાણવાની પ્રબળ ઇચ્છા સંજયને મનમાં ઊઘડી આવી, પણ શાંતિભાઈએ ઇશારાથી જ એને ખામોશ રહેવા કહી દીધું. પછી હળવેકથી કહ્યુંઃ

‘એમ? ફાઇન.’

‘હા, દાદા.’ રોબિને કહ્યું, ‘મમ્મી કહેતી હતી.’

‘ઓ…’

‘ડેડીને આપોને દાદા.’

‘રોબિન બેટા,’ સંજયે વાત શરૂ કરી, ‘હું લાઇન પર જ છું. બધું સાંભળું છું.’

‘ડેડી’ રોબિને પૂછ્યું. ‘તમે સાંભળ્યું? નવો ડેડી ઇન્ડિયાથી આવવાનો છે. એનું નામ શું છે ખબર છે?’

સંજયે મહાપ્રયત્ને હોઠ ખોલ્યા. પૂછ્યું, ‘શું છે બિટ્ટુ?’

‘બળવંત ડેડી.’ રોબિન બોલ્યો, ‘મમ્મી કહે છે એ અમારા માટે બહુ ટોય્ઝ લઈને આવવાનો છે, પણ…’ એ અટક્યો, શ્વાસ ખાધો પછી બોલ્યોઃ ‘પણ હેં ડેડી, બે ડેડી હોય?’

આંખમાં આવતાં આંસુને સંજયે માંડ રોક્યાં. રોબિનને ત્યાં બેઠાં બેઠાં કદાચ એનો અણસારો આવી ગયો. પૂછ્યુંઃ ‘ઇટ્સ ઓકે ડેડી?’

‘હું આવું ત્યારે મને કહેજો હોં!’હસ

‘જુલીને આપ બેટા,’ સંજયે કહ્યું.

‘મમ્મી એને નવા ડેડીનાં પિક્ચર્સ બતાવે છે, ડેડી.’ રોબિન હળવેથી બોલ્યો. ‘શી ઇઝ બિઝી.’

આ બાપદીકરા વચ્ચેની ફોન પરની વાત પૂરી થઈ, પણ પછી ક્યાંય સુધી બાપદીકરાએ અહીં વાતો કર્યા કરી. ચારુએ બીજાં લગ્ન કરવાનું નક્કી કર્યું હશે, તો અગાઉ ઘણા વખતથી એની તજવીજ ચાલતી હશે. ઇન્ડિયામાં એને અહીં ઘણા બધા જાણતા હશે. ઇન્ડિયામાં તો કદાચ વીરેશ વાંકાણીએ પચીસ-પચાસને વાતેય કરી હશે. અરે? છાપામાં જાહેરખબર પણ આપી હશે. ‘બે બાળકોવાળી, નિર્દોષ ડાયવોર્સ યુવતી માટે ગ્રીનકાર્ડ હોલ્ડરને યોગ્ય યુવક જોઈએ છે.’ કેટકેટલાં સગાં સંબંધીઓના લક્ષમાં આ વાત આવી હશે? અહીં પણ અને ત્યાં પણ કોઈએ કદી કશી જ વાત આપણને કરી નથી. મિસિસ નિકલ્સન એક વાર ગ્રુપ સમાજ જૂથ હોવાના ફાયદા પૂછતાં હતાં. તે આ ફાયદા હતા?

‘પપ્પા,’ સંજયે કહ્યુંઃ ‘મને બાળકોની ચિંતા થાય છે.’

ચિંતા તો શાંતિભાઈને પણ થતી હતી. ચારુના જીવનમાં એક નવા પુરુષનું આગમન થતું હતું. વલ્લભ ઠક્કર એના જીવનમાં હતો જ. એના લગ્નજીવનમાંની બરબાદીનાં મૂળમાં એ હતો, પણ ચારુએ એને છોડ્યો નહોતો. બાળકોની વાતચીતથી સ્પષ્ટ સમજાતું હતું કે હજી એનો પૂરો આવરોજાવરો એના ઘરમાં ચાલુ હતો. હજી ઘણી ઘણી ન ગમે એવી, સાંભળતાંવેંત મોં ફેરવી લેવાનું મન થાય એવી વાતો આવતી હતી. એટલે એ એના જીવનનું અનિવાર્ય અંગ બની ગયો હતો એ નક્કી હતું. ભલે એની રાંક બૈરી જશુ ગમે તેટલાં માથાં પછાડે, પણ ચારુને એની પકડમાંથી એ છોડતો નહોતો. એ લોકોના એ સંબંધોનું પણ કયું નામ હતું? કંઈ નહિ. એ હતો છતાં ચારુ બીજાં લગ્ન કરતી હતી. ‘બળવંત’ નામનો કોઈ ત્રીજો પુરુષ એના જીવનમાં પ્રવેશતો હતો!

‘રોબિનને પૂછ્યું હોત તો વધુ માહિતી મળત, પપ્પા.’ સંજયે કહ્યું.

‘સંજય,’ એમણે કહ્યું, ‘તું તો સમજદાર છે. બાળક સહજપણે બોલે તો ભલે બોલે એનો ઉપયોગ વધુ માહિતીના સોર્સ તરીકે આપણે શા માટે કરવો? એ પણ અંદરથી સભાન થઈ જાય અને એ સાથે જ એ ન શીખવાનું ઘણું શીખે. પ્લીઝ, સંજય, એવું ન કરીશ?’

સંજય કંઈ બોલ્યો નહિ.

‘હું વિશફુલ થિંકર છું, સંજય.’ એમણે કહ્યું, ‘વાદળાં વચ્ચે જીવું છું છતાં વરસાદથી હું પલળી જઈશ એમ વિચારી જ શકતો નથી. સારો પાક થશે એમ જ વિચારું છું. એ રીતે… એ રીતે…’

એ આમાં વિશફુલ શું વિચારતો હતો? સંજયના મનમાં પ્રશ્ન થયો.

‘કદાચ એમ બને.’ એ બોલ્યા. ઘરમાં એક પુરુષપાત્ર આવે, એક છત્ર આવે એટલે બાળકોને એક સમતોલ વાતાવરણ મળે. બળવંત ખરેખર સજ્જન હોય તો ચારુને એની પ્રપંચજાળમાંથી પાછી વાળે. બાળકો કદાચ વધારે સુખી થાય અથવા એમ પણ બને કે એ બાળકો આપણને જ સોંપી દે.’

‘એ કદાચ ન બને, પપ્પા.’ સંજય બોલ્યો. ‘એને પોતાને હવે બાળક થાય તેમ નથી, એણે ઓપરેશન ડાયવોર્સ પહેલાં જ કરાવી લીધું છે.’

‘કશું કહી શકાતું નથી. એને બાળક ન થવાનું હોય તો પણ કદાચ… કદાચ બાળકો પાછાં આપવા સમજાવી શકે, કારણ કે દર પંદર દિવસે એને આંગણે તને ઊભેલો જોવો, એ એના એ હસબન્ડ (બળવંત)ને  કદાચ ન પણ ગમે.’

‘પપ્પા,’ સંજયને હસવું આવ્યું. ‘એ અહીં આવ્યા હોય ત્યારે બધું સમજીને જ આવ્યો હોય. એ નોર્મલ એવરેજ માણસ ન હોય. તમે સમજો – એ ગ્રીનકાર્ડને પરણીને અહીં આવ્યો હોય. ગ્રીનકાર્ડને પરણીને આવનારે આવી બધી પરિસ્થિતિને સહન કરવાની તૈયારી રાખવી પડતી હોય છે. એનામાં એ ખુમારી, એ સેલ્ફ એસ્ટીમ રહ્યા જ ન હોય. કદાચ ચારુને એ એક સીડી સમજીને આવ્યો હોય. એ સીડીનો છેડો કેવા કાદવ કીચડ અને ગટરમાં ટેકવેલો છે એની પરવા કરવાનું આવા માણસને પોષાય નહિ. આવા લોકો લલ્લુના વેશમાં લુચ્ચા હોય. તમે બધું ઊજળું જુઓ છો તેથી ઊજળું દેખાય છે.’

આ બાબતમાં સંજય કદાચ વધુ સાચો હતો. થોડા દિવસમાં બાળકો ઘેર આવ્યાં ત્યારે વગર પૂછ્યે બિલકુલ સહજભાવે એમણે જ બધી વાતનો ચિતાર આપી દીધો. બળવંત ડેડી ઇન્ડિયાથી આવી ગયો. ઉત્તર ગુજરાતના કોઈ ગામડાનો હતો. લગ્ન ચર્ચમાં થયાં હતાં. અને લગ્ન સમયે અંકલ પણ હાજર હતા. શાંતિભાઈને બહુ નવાઈ લાગી. ચારુએ એ બન્નેનો પરિચય પરસ્પર કેવી રીતે કરાવ્યો હશે? એ વખતે ઠક્કરે આ બળવંત સામે કેવી દષ્ટિથી જોયું હશે? ખેર! બળવંત ઉત્સાહથી બધી વાત કરતો હતો. લગ્ન પછી ચારુએ નાનકડી પાર્ટી યોજી હતી અને એમાં ઈશ્વરિયાવાળું આખું ગ્રુપ આવ્યું હતું.

‘નવા ડેડી તમને વહાલ કરે છે?’ દાદાએ પૂછ્યું હતું. જવાબમાં બાળકો એમની સામે જોઈ રહ્યાં હતાં. શાંતિભાઈએ એ બન્નેની આંખમાંથી જવાબ વાંચવા પ્રયત્ન કર્યો.

પણ ત્યાં હવે એટલા બધા ભાવોની ભેળસેળ થઈ ગઈ હતી કે એનાથી હવે કશું જ સમજવું અશક્ય હતું. અરીસા પર ભેજ બાજી ગયો હતો!

‘દીપા’ સંજયે ગાડી ઊભી રાખી અને દૂરથી જ એક સફેદ કન્ડોનિયમ એને બતાવ્યું. જો, આ ચારુનું ઘર ત્યાં…’ એના મોંમાં ‘મારા’ શબ્દ આવતો રહી ગયો. એ બોલ્યો, ‘આપણાં જુલી-રોબિન રહે છે.’

દીપાએ હોઠના ખૂણાથી જરા સ્મિત કરીને મોં મલકાવ્યું. સહેજ ડોક નમાવીને ગાડીની આરપાર કાચમાંથી દષ્ટિ કરી. અવારનવાર ઘરમાં આવીને જે કિલ્લોલ ઘરને ભરી જતો હતો, તે આ ઘરમાં રહેતો હતો! ચોતરફ હરિયાળીની વચ્ચે, અનેક બંગલાઓની હાર વચ્ચે એક હાઉસ ઊભું હતું અને એના પાર્કિંગ પ્લોટમાં એ ગાડી પડી હતી, જે શાંતિભાઈએ એક વાર ચારુને લઈ આપી હતી.

ગાડી પાર્ક કરીને બન્ને ઊતર્યાં. છોકરાંઓને લઈ જવાનાં હતાં. સદ્ભાગ્યે ટેલિફોનથી કન્ફર્મ કરતી વેળા ચારુએ કે વનિતાએ ખાસ કશી રકઝક ન કરી. ‘કોણ લેવા આવવાનું છે? ચારુએ પૂછ્યું હતું. ‘તારા પપ્પા કે તું?’ જવાબમાં સંજયે કહ્યું હતુંઃ ‘હું ને દીપા.’ ફોન પર એ વાતનો કશો જ પ્રતિભાવ જાણી શકાયો નહોતો અને એ બન્ને બાળકોને લેવા નીકળી પડ્યાં હતાં.

ચાર ડગલાં આગળ ચાલ્યાં ત્યાં જ બારણું ખૂલ્યું અને ચારુ નજરે પડી. પાછળ જે પુરુષ ઊભો હતો તે બળવંત હતો એ તો તરત જ સમજાઈ ગયું. દીપા અને ચારુની નજરો પરસ્પર મળી. એ સાથે સંજય અને બળવંતની. નક્કી જ કર્યું હતું દીપાએ કે આ પહેલી મુલાકાત વેળા ચહેરા પર કશી ગંભીરતા, કશો ભાર ન રાખવો. એટલે સહજપણે એણે મરકી દીધું. એણે બન્ને તરફ જોઈને કહ્યું, ‘હાય.’

‘હાય’ ચારુ બોલી. સ્મિત કર્યું ન કર્યું અને એની મોંફાડ ફરી બિડાઈ ગઈ. એ આગળ આવી અને એની પછવાડેથી જુલી-રોબિન નીકળી આવ્યાં. નાનકડી જુલી દડબડ દડબડ આગળ દોડતી હતી. એના હાથમાં એની મિક્કી-માઉસનાં ચિત્રવાળી નાનકડી હેન્ડબેગ હતી. એની આગળ જરા ધીરે રોબિન ચાલતો હતો. એના હાથમાં નહિ, પણ ખભે ગુલાબી પ્લાસ્ટિકની હેન્ડબેગ હતી. બન્ને ઝડપથી આવતાં હતાં, પણ કોણ જાણે શું થયું? અધવચ્ચે જ એમની ગતિને જાણે કે હળવી બ્રેક લાગી ગઈ. એમણે જરા ડરથી પાછળ જોયું. ચારુ અને પાછળ બળવંત ચાલ્યાં આવતાં હતાં.

ચાર વ્યક્તિઓનાં કેન્દ્રમાં આ બાળકો જાણે કે ચોતરફથી જકડાઈને ઊભાં.

એક જ ક્ષણમાં ચારેચાર એકબીજાંની મોઢામોઢ આવી ગયાં. સંજયે જોયું. બળવંતની ઉંમર એટલી બધી મોટી નહોતી. ચારુ કરતાં થોડો નાનો લાગે. ચહેરો ભાવશૂન્ય લાગે. કોઈ પણ શહેરનો અનુભવ લીધા વગર એ ગામડામાંથી સીધો જ અમેરિકા આવી પડ્યો હોય એવું લાગે. એણે કટ મૂછો રાખી હતી. એ ઝીણી નજરે સંજય ભણી જોયા કરતો હતો.

‘સમયસર પાછાં મૂકી જજો હોં કે,’ ચારુએ સંજય ભણી જોઈને જ વાત શરૂ કરી. જાણે કે દીપાને ઓળખતી જ નથી.

‘ચિંતા ન કરશો.’ દીપાએ વચ્ચેથી વાતનો દોર સંભાળી લીધો અને કહ્યુંઃ ‘છોકરાં તમને ફરિયાદ નહિ કરે કે અમે લોકો તેમને મોડાં મૂકી ગયાં.’     (ક્રમશઃ)

રજનીકુમાર પંડ્યા

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.

Cell:-95580 62711, Email: rajnikumarp@gmail. com

પ્રતિભાવઃ [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here