ગુજરાતી પુસ્તકો મોટી સંખ્યામાં કેમ વંચાતાં નથી?

0
1071

ગુજરાતી લોકોની વાચનરુચિ વિશે જો કોઈ સ્ટડી કરવામાં આવે તો કદાચ એવી ચોંકાવનારી માહિતી મળે કે 80 ટકા ગુજરાતી લોકોએ એમની લાઇફમાં કોઈ એક પણ આખેઆખું પુસ્તક વાંચ્યું જ નથી હોતું! શૈક્ષણિક અભ્યાસ દરમિયાન ફરજિયાતપણે કોઈ પુસ્તક અભ્યાસક્રમમાં વાંચવું પડ્યું હોય તો એ જુદી વાત છે, નહિતર પોતાની ચોવીસ કેરેટની રુચિ કે પોતાના પ્રબળ શોખને કારણે આખેઆખું સાહિત્યિક પુસ્તક સંપૂર્ણપણે વાંચ્યું હોય એવા વાચકોની સંખ્યા કદાચ 10 ટકા પણ નહિ મળે!
આમ તો વારંવાર કહેવાઈને બહુ ચવાઈ ગયેલી વાત છે કે ગુજરાતીઓને ચોપડામાં ઇન્ટરેસ્ટ હોય છે એટલો ચોપડીમાં નથી હોતો. આવી પરિસ્થિતિ હોય ત્યાં ચોપડીઓના વેચાણના હિસાબ-કિતાબ માટે ચોપડા રાખવાની જરૂર પડે એવું તો ક્યાંથી બને?
ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં આજના બાળકને પુસ્તકનું મહત્ત્વ ન સમજાય તો એ માટે માત્ર સમય જવાબદાર નથી, આપણે પણ ઘણે ભાગે જવાબદાર છીએ જ! મોંઘા મોબાઇલ અને મોંઘાં રમકડાં આપણે બાળકના હાથમાં મૂકી શકીએ છીએ, પરંતુ વાંચવા જેવાં પુસ્તકો આપણે બાળકના હાથ સુધી પહોંચાડી શકતા નથી! એનું સાવ સાચું કારણ એ જ છે કે આપણે ખુદ પુસ્તકોમાં રુચિ ધરાવતાં નથી અને વાંચવા જેવાં પુસ્તકો કયાં કયાં છે એની આપણને કશી ગતાગમ પણ નથી! પુસ્તક આપણી પ્રાયોરિટીમાં ક્યાંય ગોઠવાતું નથી એ આપણું દુર્ભાગ્ય છે.
ઘરના કોઈ કબાટમાં પુસ્તક હોવું એ પરિવારની સંસ્કારિતાનું સર્ટિફિકેટ છે અને કોઈ વ્યક્તિના હાથમાં પુસ્તક હોવું એ એની સાહિત્યપ્રીતિનું સર્ટિફિકેટ છે. પુસ્તક એકલતાનો અભિશાપ ટાળવા માટેનું પર્મેનન્ટ વરદાન છે. પુસ્તક એકાંતના સત્સંગનું મેઘધનુષ છે.
મોબાઇલ આવ્યો એ પહેલાંની વાત જરા જુદી છે. દરેક રેલવે સ્ટેશન અને બસસ્ટેન્ડ પર ખાસ બુકસ્ટોલ્સ જોવા મળતા હતા. લાંબા પ્રવાસમાં સમય પસાર કરવા માટે લોકો પુસ્તકો ખરીદતા હતા અને એ રીતે પણ તેઓ સાહિત્યના સંપર્કમાં રહેતા હતા. આજે પણ કેટલાંક રેલવે સ્ટેશનો પર અને બસસ્ટેન્ડ પર બુકસ્ટોલ્સ તો હોય છે, પરંતુ ત્યાંય પુસ્તકોના વેચાણ પર ઘણો માઠો પ્રભાવ પડ્યો છે.
આપણે શ્રદ્ધાપૂર્વક ઠેરઠેર દેવાલયો તો અનેક બનાવ્યાં, પણ પુસ્તકાલયો અને શૌચાલયોની વ્યવસ્થા કરવાનું આપણને આપણા ધર્મગુરુઓ પણ શીખવવાનું ચૂકી ગયા છે. શૌચાલય આપણી શારીરિક તંદુરસ્તીને જાળવે છે અને પુસ્તકાલય આપણી માનસિક તંદુરસ્તીને તાજગીસભર રાખે છે.
હું નરેન્દ્ર મોદીને આ બાબતે વારંવાર ધન્યવાદ આપવાનું પસંદ કરું છું, કારણ કે તેઓ જ્યારે ગુજરાતના સી.એમ. હતા ત્યારે તેમણે વાંચે ગુજરાત અભિયાન ચલાવ્યું હતું અને પી.એમ. બન્યા પછી એમણે શૌચાલય અને સ્વચ્છતા અભિયાન શરૂ કરીને જીવનની વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોર્યું છે. ભૂતકાળમાં મેં કોઈ જગ્યાએ સરસ વાક્ય વાંચ્યું હતું કે કોઈ માણસ લાઇફટાઇમ દેવાલયમાં ન જાય તો ચાલે, પરંતુ શૌચાલયમાં ગયા વગર એને ચાલવાનું નથી! શૌચાલય આપણી તદ્દન પ્રાથમિક જરૂરત હોવા છતાં આપણે એના તરફ ભારોભાર દુર્લક્ષ્ય સેવ્યું છે. આપણા કેટલાક કહેવાતા ધર્મગુરુઓએ આપણને આ ભવ સુધારવાનું શીખવવાને બદલે પરલોકને સુધારવાની હઠ ભણાવી-શિખવાડી દીધી છે. સાચું પુસ્તક આપણા વર્તમાન ભવને સુધારે છે અને પરલોકને પણ સુધારે છે એ વાત તરફ આપણે ધ્યાન આપવું જોઈએ.
ગુજરાતના લગભગ દરેક મોટા નગરમાં દર વર્ષે પુસ્તકમેળાઓ યોજાય છે અને એમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી આવતાં જોઈને આનંદ પણ થાય છે, પરંતુ એ ટોળાં શુદ્ધ સાહિત્યપ્રેમનો પુરાવો બની શકતાં નથી એની આપણને ખબર છે. સાહિત્યિક પુસ્તકોના પ્રકાશકો અને વિક્રેતાઓ અત્યારે ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી પુસ્તકો ખાસ વેચાતાં નથી.
ગુજરાતી પુસ્તકોનું ખાસ વેચાણ કેમ થતું નથી એનાં સામાન્ય રીતે તરત નજરે પડતાં થોડાંક કારણો જોઈએ તોઃ
1. સૌપ્રથમ તો ઉપર જણાવ્યું તેમ ગુજરાતીઓને વાંચવાની રુચિ કે હોબી જ નથી.
2. છેલ્લાં પંદર-વીસ વર્ષથી શિક્ષણમાં અંગ્રેજી મિડિયમનો પ્રભાવ વધ્યો છે એટલે નવી જનરેશન તો ગુજરાતી પુસ્તક વાંચી શકે એવી સ્થિતિમાં જ નથી રહી! અને એ કારણે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકોનું ફ્્યુચર તો વધારે અંધકારભર્યું ભાસે છે.
3. કેટલાક વાચકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે ગુજરાતી પુસ્તકો કિંમતમાં ખૂબ મોંઘાં હોય છે! આને જ કદાચ નાચવું નહિ એટલે આંગણું વાંકું એમ કહેવાતું હશે! ટેક્નિકલી રીતે વિચારીએ તો જ્યારે પણ કોઈ પુસ્તકની વધારે નકલો છાપવાની હોય ત્યારે એની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી-નીચી આવે છે, અને જ્યારે પુસ્તકની નકલો ખૂબ ઓછી છાપવાની હોય ત્યારે તેની કિંમત ઘણી વધારે ઊંચી આવતી હોય છે. જો ગુજરાતી વાચકોની સંખ્યા વધે તો ગુજરાતી પુસ્તકોની કિંમત અવશ્ય ઘટી શકે!
4. પોતાની ડેલી લાઇફમાં ભૌતિક સુખ-સુવિધાનાં સાધનોના મોહમાં આર્થિક ઉપાર્જન કરવા માણસે એટલું બધું વૈતરું કૂટવાનું પસંદ કરી લીધું છે કે હવે એને પુસ્તકો વાંચવાની ફુરસદ જ મળતી નથી!
5. પુસ્તક માટે દરેક વ્યક્તિમાં વળગણ પ્રગટે એ દિશામાં સરકાર તરફથી, ધર્મસંસ્થાઓ તરફથી કે વ્યક્તિગત અને પારિવારિક રીતે પણ કોઈ જ રચનાત્મક નક્કર પ્રયત્નો થતા જોવા મળતા નથી.
6. કેટલાક વાચકો એવી પણ ફરિયાદ કરે છે કે ગુજરાતી પુસ્તકો વંચાતાં નથી એવું કહેવાને બદલે ‘ગુજરાતી પુસ્તકો વંચાય એવાં લખાય છે ખરાં? એમ પૂછવું જોઈએ! જે પુસ્તકો વેચાય છે તે વાંચવા જેવાં હોતાં નથી અને વાંચવા જેવાં હોય છે તે વેચાતાં નથી. (આ સંદર્ભમાં એક વાત એ પણ જાણવા જેવી છે કે અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયેલાં અનેક પુસ્તકો મળશે, પરંતુ મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલાં અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેટ થયાં હોય તેવાં પુસ્તકોની સંખ્યા આંગળીના વેઢા પણ વધી પડે એટલી ઓછી સંખ્યામાં હશે!)
7. એક તો ગુજરાતી લોકોને પુસ્તક વાંચવાની રુચિ જ ઓછી છે અને એમાંય વળી પુસ્તક ખરીદીને વાંચવાની રુચિ તો તદ્દન ઓછી છે! કોઈ પુસ્તક મફત મળતું હોય કે ભેટ મળતું હોય તો વળી લેખક પર ઉપકાર કરતા હોય એ રીતે કેટલાક લોકો પુસ્તક વાંચે ખરા, પણ ખરીદીને તો પુસ્તક ન જ વાંચે!
આમ છતાં, બોસ! એક બાબતની દાદ તો દેવી જ પડશે કે કેટલાક પુસ્તકપ્રેમી સજ્જનો દર વર્ષે ગાંઠના ખર્ચે પોતાને ગમતા પુસ્તકની હજારો નકલો સ્વજનો અને મિત્રોને ભેટરૂપે વહેંચતા રહે છે!
8. અત્યારે લગભગ દરેક ગુજરાતી ન્યુઝપેપરની સાથે દરરોજ વિવિધ વિષયની એક સપ્લિમેન્ટરી એટલે કે પૂર્તિ આપવામાં આવે છે. એમાંથી પોતાની રુચિ મુજબ વાચકો થોડુંઘણું વાંચી લે છે અને પુસ્તકની ગરજથી દૂર રહે છે.
9. કેટલાક લોકોની સાહિત્યરુચિ તો મબલક હોય છે, પરંતુ એમને ઘરમાં પુસ્તકાલય બનાવવાની વ્યવસ્થા નથી હોતી. માંડ એક રૂમનું ઘર હોય એમાં પુસ્તકો રાખવા માટેની જગ્યા એ ક્યાંથી ફાળવે? એટલે છેવટે નજીકના પુસ્તકાલયમાંથી કે કોઈનું પુસ્તક ઉછીનું વાંચવા લઈને પોતાનો વાંચનશોખ પૂરો કરી લે છે.
10. આપણે ત્યાં કેટલાક ધાર્મિક લોકો પુસ્તકને પૂજ્ય ગણે છે. પુસ્તકને પગ અડી જાય તો પણ પાપ માનનારો એક બહુ મોટો વર્ગ છે. એવા લોકો માટે ઘરમાં પુસ્તક રાખવાથી એની માવજત અને એની સંભાળ રાખવાની બહુ મોટી જવાબદારી આવી પડતી હોય છે. એટલે તેઓ બને ત્યાં સુધી વધારાનાં પુસ્તકો ઘરમાં રાખવાનું પસંદ કરતા નથી.
આવા સંજોગોમાં ગુજરાતી સાહિત્યને જો દીર્ઘાયુષ્ય આપવું હોય તો લેખકોએ ગુણવત્તાસભર સાહિત્ય લખવું પડશે અને પ્રકાશકોએ શક્ય તેટલી ઓછી કિંમતે ગુજરાતી પુસ્તકો ઉપલબ્ધ કરવાની નિષ્ઠા બતાવવી પડશે. સરકારે પણ, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપે છે તેમ ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો માટે વિવિધ રચનાત્મક અને પ્રોત્સાહક પ્રયોગો અવશ્ય કરવા જોઈએ. આપણે સૌ પણ આપણા રોજિંદા વ્યવહારમાં એટલે કે કોઈના જન્મદિવસે કે લગ્નપ્રસંગે બુકે ભેટ આપવાને બદલે બુક ભેટ આપવાની ઉત્સુકતા બતાવી શકીએને!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here