નરેન્દ્રની નજાકત એના વિચારોમાં જ નહિ, પરંતુ પ્રચંડ પુરુષાર્થના પરિશીલનમાં પણ પડેલી છે

0
978

એવું કહેવાય છે કે માણસ કેટલું જીવ્યો એ મહત્ત્વનું નથી, પરંતુ માણસ કેવું જીવ્યો એ બાબત ઉપર તેના જીવનનું મૂલ્યાંકન થવું જરૂરી છે. ખૂબ જ સામાન્ય લાગતી આ ડહાપણ ભરેલી વાતનો મર્મ ઘણો ઊંડો છે. એને સમજવા માટે સ્વામી વિવેકાનંદ જેવી વિરલ વિભૂતિનું જીવન અને તેમના આયુષ્યના તબક્કાવાર આવિષ્કારો જાણવા જોઈએ. સ્વામી વિવેકાનંદ એક તપસ્વી આધ્યાત્મિક પુરુષ હતા, યોગી હતા, ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા હતા એ બધી હકીકતોથી આપણે સૌ વાકેફ છીએ, પરંતુ એમનો માનવપ્રેમ, વૈશ્વિક કહી શકાય તેવા વિચારો, અને ચિંતનાત્મક પ્રતિભાવો, એમના સમગ્ર વ્યક્તિત્વને વધારે પ્રભાવક અને આકર્ષક બનાવે છે.
‘જે ધર્મ વિધવાનાં આંસુ ના લૂછી શકે એ ધર્મ મારા માટે ધર્મ જ નથી.’
ભગવાં વસ્ત્રધારી કોઈ સાધુ કે દેખીતી રીતે ધર્મસુધારક લાગે એવી વ્યક્તિ સમાજસુધારણાનું આવું અકસીર નિદાન કરે એ ઘટના જ કેટલી રોમાંચક છે, પરંતુ સ્વામી વિવેકાનંદ સ્વયં એક ક્રાંતિકારી વ્યક્તિત્વ છે. એમની સમગ્ર ચેતનામાં માનવકલ્યાણ, દેશપ્રેમ અને પ્રકૃતિપ્રેમના તાણાવાણાની ભાતીગળ ચિંતનશૈલી વણાયેલી છે.
ભારતના ઇતિહાસમાં ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ વ્યાપક અસરો ધરાવે છે. આ એક એવો સમય હતો જ્યારે દેશમાં અંગ્રેજી શાસનને સો વર્ષ પરનો સમય થઈ ચૂક્યો હતો. પ્રજા તદ્દન હતાશ અને પાયમાલ થઈ ચૂકી હતી. ભારતીય સંસ્કૃતિ અને તેની ભવ્યાતિભવ્ય વિરાસતની તમામ નિશાનીઓ નેસ્તનાબૂદ થવાના આરે ઊભી હતી. જીવન રફેદફે થઈ ચૂક્યું હતું. અંગ્રેજી શાસનવ્યવસ્થા અને જીવનશૈલી જડબેસલાક પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, જેનું એકમાત્ર લક્ષ્ય હતું, આપણી વિરાસતને સદીઓ સુધી ગુલામ રાખવાનું. અંધકારની આ ચરમસીમામાં આશાના કિરણરૂપે નૂતન કેળવણી કે શિક્ષણ વ્યવસ્થા હતી. ભયંકર ગર્તામાંથી બહાર આવવા માટે અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થામાં તૈયાર થયેલા ભારતીય યુવાનો એકમાત્ર આશાના કિરણ સમાન હતા.
આ પારાવાર સંઘર્ષો અને યાતનાઓમાંથી બહાર આવવા પ્રજાએ પડકારોનો સામનો કરવાનું કૌવત ગુમાવી દીધું હતું. ઈ. સ. 1857ની સામૂહિક ચળવળને પણ દબાવી દીધી હતી, અને તેનો ઉલ્લેખ ફક્ત એક ‘બળવા’ તરીકે કરવામાં આવતો હતો. આપણે જેને પૂજ્ય ગણતા હતા એ આપણા મહાન માણસો કે આરાધ્ય પુરુષોને ચોર, લૂંટારા કે સંકુચિત દષ્ટિવાળા ગણવામાં આવતા હતા. આ જ સમયે આધુનિક કેળવણીના પરિપાકરૂપે શિક્ષિત યુવાનોનાં પગરણ પણ થઈ ચૂક્યાં હતાં. આ એવો સમય હતો જે દરમિયાન ગાંધી, સરદાર, નેહરુ જેવા રાજકીય મહાનુભાવો જન્મ્યા હતા. જેમના પૂર્વજો આધુનિક કેળવણીથી જ્ઞાત હતા. અનેક વિચારકો, ચિંતકો અને ધર્મધુરંધરોનો પ્રાદુર્ભાવ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ કે શ્રીમદ્ રાજચંદ્ર જેવી આધ્યાત્મિક પ્રતિભાઓ પ્રગટી હતી, પરંતુ બારમી જાન્યુઆરી, 1863ના રોજ કલકત્તાના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર, જે સ્વામી વિવેકાનંદ બનીને સમગ્ર જનચેતનામાં વ્યાપકપણે છવાઈ ગયા હતા એ ઘટના અદ્ભુત હતી.
સ્વામી વિવેકાનંદનું તેજોમય વ્યક્તિત્વ આકર્ષક હતું. એમણે ભારતીય પરંપરાગત મૂલ્યો, સહિષ્ણુતા અને દયા ઉપર આધારિત જીનશૈલી અને વૈશ્વિક શિસ્ત ધરાવતા સંસ્કારોને આત્મસાત્ કરી તેનું મૌલિક સ્વરૂપ આપ્યું. હતાશ અને ખંડિત ભારતીય જનસમાજને નવી ચેતના અને તાજગી આપ્યાં. નૂતન લહેરો થકી પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી દરેક વ્યક્તિમાં સ્વમાનની ઝંખના જગાવી.
યુવાન નરેન્દ્રે ખૂબ જ નાની વયે સ્નાતકની પદવી મેળવી લીધી હતી, જે એ જમાનામાં ઘણી મોટી સિદ્ધિ ગણાય. આયુષ્યના અઢારમા વર્ષે તેઓ એ વખતના મહાન આધ્યાત્મિક સંત શ્રીરામકૃષ્ણ પરમહંસના પરિચયમાં આવ્યા અને ભારતીય સંસ્કૃતિની એક ભવ્ય પરંપરા ગુરુ-શિષ્ય સંબંધોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા. આ આદર્શરૂપ જોડીએ વિશ્વને ચકિત કરી દીધું હતું. નરેન્દ્રમાંથી ક્રમિકપણે સ્વામી વિવેકાનંદ બનવાની ઘટના એ રામકૃષ્ણ પરમહંસ જેવા ઉચ્ચ કોટિના ગુરુને આભારી હતી. ઈ. સ. 1893ની વિશ્વ સર્વ ધર્મ પરિષદમાં યુવાન તપસ્વી સ્વામી વિવેકાનંદના પ્રવચન અને વ્યક્તિત્વનાં દર્શન જગતને થયાં ત્યારે સૌને ખબર પડી કે ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન અને ભવ્ય છે. (ક્રમશઃ)

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here