સારો પુત્ર કુળને તારે છે, પણ એવો પુત્ર પુણ્યથી જ મળે છે

0
1099

સુમનાએ આ શાસ્ત્રવચનો ટાંકીને સોમશર્માને કહ્યુંઃ દરેક પુરુષે ચિંતાનો ત્યાગ કરી કોઈ પણ વસ્તુનો લોભ ન જ કરવો જોઈએ. તેમ જ ધન, પુત્ર તથા સ્ત્રીની પણ ચિંતા કદી ન કરવી. હે પતિ, જે પુરુષ મૂર્ખ હોય તે જ ખરેખર મૂર્ખાઓના માર્ગે જાય છે અને જે મૂર્ખ હોય તે જ મને કંઈક મળે એવી ચિંતા કર્યા કરે છે. વળી જે વિશેષ મોહિત થયો હોય તે જ હું આ લોકમાં ઉત્તમ પત્નીને કેમ મેળવું? અને પુત્રોને કેવી રીતે પ્રાપ્ત કરું? એવી ચિંતા દિવસે ને રાત્રે કર્યા કરે છે. અને તે ચિંતામાં એક ક્ષણ મોટું સુખ જુએ છે, પણ જ્યારે ભાનમાં આવે છે ત્યારે મોટા દુઃખથી પીડાય છે. માટે તમે ચિંતા તથા મોહ છોડીને જ્ઞાનને અનુસરો. તમે વિચારો કે આ સંસારમાં કોઈને કોઈની સાથે કોઈ સંબંધ જ નથી. જોકે મિત્રો, બાંધવો, પુત્રો, પિતા, માતા, નોકરો, સેવકો તેમ જ સ્ત્રીઓ – એ સંબંધીઓ છે, પણ તે કહેવાનાં જ હોય છે.
સોમશર્માએ પૂછ્યુંઃ સંબંધ કેવો હોય છે એ તું વિસ્તારથી કહે.
સુમના બોલીઃ કેટલાક લેણદાર કે દેવાદારરૂપે હોય છે. કેટલાક કોઈએ મૂકેલી થાપણને હરી લેનારા હોય છે. કેટલાક લાભ આપનારા હોય છે. બીજા કેટલાક તટસ્થ હોઈ કોઈ પણ સંબંધથી રહિત હોય છે. એમ પુત્રો, મિત્રો, સ્ત્રીઓ, પિતા, માતા, સેવકો, બાંધવો એ ઉપર્યુકત ચાર ભેદથી સંબંધી થાય છે. આ પૃથ્વી પર જેનું જેણે કંઈ કર્યું હોય તેમ થાપણને ઓળખવાને લીધે પણ સંબંધીઓ તરીકે થાય છે.
જે માણસ થાપણનો સ્વામી હોય તે મૃત્યુ પછી આ પૃથ્વી પર જેણે તેની થાપણ હરી લીધી હોય તેના ગુણવાન તથા રૂપવાન પુત્ર તરીકે જન્મે છે, કારણ કે જેણે તેની થાપણનું અપહરણ કર્યું હોય તે દારુણ દુઃખ દઈને ગયો હોય છે. તેનું વેર લેવા તે થાપણનો માલિક તેના ઘેર પુત્ર તરીકે જન્મે છે. એ જ કારણે તે થાપણનો સ્વામી તેની થાપણનું અપહરણ કરનારના પુત્ર તરીકે જન્મે છે. એમ જેણે પૂર્વજન્મમાં થાપણ હરીને જે પ્રકારનું દુઃખ દીધું હોય એવું જ દુઃખ એ પુત્ર થઈને આપ્યા કરે છે. કેટલાક પુત્રો પોતાની હરેલી થાપણ પાછી મેળવવા માટે જ સુંદર પુત્રરૂપે થાય છે.
સુમના આટલું કહીને અટકી. પછી સોમશર્માને ઋણનો સંબંધ ધરાવતા પુત્ર, પુત્રરૂપે જન્મેલા પૂર્વજન્મના શત્રુ, જેની પાસેથી માતાપિતાએ કંઈ મેળવવાનું હોય તેવા પુત્ર અને ઉદાસીનરૂપે જન્મેલા પુત્રનાં લક્ષણ કહ્યાંઃ
જે પુત્ર જેનું ઋણ વસૂલ કરીને મૃત્યુ પામે છે તે ઋણસંબંધી પુત્ર કહેવાય છે. તે હંમેશાં પોતાના કુટુંબીઓ વચ્ચે રહી ક્રૂર વાક્યો જ બોલ્યા કરે છે. ભોગ ભોગવે છે. જુગાર રમે છે. ચોરી કરે છે. તેવા લેણદાર પુત્ર રોજ માતાપિતાની નિંદા કરે છે. ઋણસંબંધી પુત્ર માતાપિતાને ઘરમાંથી હાંકી કાઢે છે. ત્રાસ આપે છે. એમ પોતાના પૂર્વજન્મના ઋણનું જે દ્રવ્ય હોય તે ભોગવી લીધા પછી જ જંપે છે. એ જ રીતે પૂર્વજન્મનો શત્રુ પણ પુત્રરૂપે જન્મે છે. એ બાળપણથી જ શત્રુરૂપે વર્તે છે. તે માતાપિતાને ત્રાસ આપે છે. તેમના પ્રત્યે ક્રોધી જ રહે છે અને વારંવાર તેમની નિંદા કરે છે. જોકે કેટલાક પુત્ર માતાપિતાને કંઈક આપવા આવ્યા હોય છે. એવો પુત્ર જન્મતાંની સાથે માતાપિતાનું પ્રિય કરે છે. તે માતાપિતાની પાછળ તેમનું શ્રાદ્ધ તથા પિંડદાન કરે છે. ઉપરાંત કેટલાક પુત્ર ઉદાસીનરૂપે જન્મે છે. તે ઉદાસીન ભાવે જ વર્તે છે. તે કંઈ આપતો નથી કે કાંઈ લેતો નથી.
સુમનાએ કહ્યુંઃ આ રીતે પુત્રો જન્મે છે. આપણે પૂર્વજન્મમાં કોઈની થાપણ હરી લીધી નહિ હોય એથી કોઈ આપણે ત્યાં પોતાનું લેણું વસૂલ કરવા પુત્રરૂપે આવતો નથી. આપણે પૂર્વજન્મમાં કોઈની સાથે વેર નહિ કર્યું હોય કે આપણે કોઈને કંઈ દાન નહિ આપ્યું હોય. તેથી કોઈ પણ આપણા સંબંધી તરીકે આપણે ઘેર જન્મ લેતો નથી એમ સમજી તમે નિરર્થક ચિંતાનો ત્યાગ કરો.છતાં સોમશર્માએ પુત્રની ઇચ્છા દર્શાવી. એટલે સુમનાએ કહ્યું ઃ સારો પુત્ર કુળને તારે છે, પણ એવો પુત્ર પુણ્યથી જ મળે છે. માટે તમે પુણ્ય કરો.
સોમશર્માએ કહ્યુંઃ પુણ્યનાં લક્ષણ કહે.
સુમના બોલીઃ બ્રહ્મચર્યથી, સત્યથી, નિત્ય પાંચ યજ્ઞ કરવાથી, દાન દેવાથી, નિયમો પાળવાથી, સહનશીલતાથી, પવિત્રતા પાળવાથી, અહિંસાથી, ઉત્તમ શક્તિથી તથા ચોરી ન કરવાથી – એમ દસ અંગોના પાલનથી ધર્મપાલન કર્યા કરવું જોઈએ. જે પુરુષને કાયમ સત્ય ઉપર પ્રીતિ હોય અને જે પુણ્યાત્મા હોય, ઋતુકાળે પોતાની જ પત્ની પાસે પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી મૈથુન માટે જાય અને જે પુરુષ પોતાના કુળનો સદાચાર કદી ન છોડે એ બ્રહ્મચર્યનું લક્ષણ છે. મનુષ્યે પોતાના આચાર પ્રમાણે વર્તવું જોઈએ. કામક્રોધથી રહિત થવું. પ્રાણીઓ પર ઉપકાર કરવો. એ તપ કહેવાય. ઉપરાંત પારકાં દ્રવ્યોમાં તથા પારકી સ્ત્રીઓમાં લોલુપતા ન કરવી એ સત્ય કહેવાય. વળી અન્નનું મહાદાન કરવું જોઈએ. તથા સ્થાયી સુખનું દાન કરવું જોઈએ. જે માણસ દેવોની તથા બ્રાહ્મણોની પૂજાઓ કરવામાં તત્પર રહે તેમ જ દાન તથા વ્રતો કરવામાં પણ જે નિયમવાળો રહે અને ઉપકારો તથા પુણ્ય કરવામાં પરાયણ રહે તેને નિયમ કહ્યો છે. પોતાની કે પારકી નિંદા સાંભળીને કે કોઈ માર મારે ત્યારે જે ક્રોધ ન કરે તે સહનશીલ કહેવાય. જે માણસ રાગરહિત હોય તેમ જ વ્યવહારને અનુસરીને જે સ્નાન તથા આચમન કરે એ પવિત્રતા છે. વધુ સમજદાર માણસે કામ વિના તણખલું પણ કાપવું નહિ તેમ જ જે અહિંસાપરાયણ રહે તેણે અહિંસાનું બરાબર પાલન કર્યું ગણાય. મનને હંમેશાં શાંત રાખ્યા કરવું. વળી પારકું ધન ન લેવું ને પારકી સ્ત્રી ન સેવવી. એમ મન, વચન તથા કર્મથી વર્તાય એ મનને અસ્તેય કે ચોરીથી રહિત કર્યું ગણાય છે. સાથે જ ઇન્દ્રિયોનું દમન કરવું. તથા વડીલોનાં કાર્યોને વાણીથી, શરીરથી તથા મનથી સિદ્ધ કરી આપવાં તે તેમની શુશ્રૂષા કરી કહેવાય છે. તેના લીધે ગુરુઓની કૃપા મેળવી શકાય છે. મેં કહેલા ધર્મ પ્રમાણે જે મનુષ્ય હંમેશાં વર્તે છે તેનો આ સંસારમાં ફરી જન્મ કદી થતો નથી. માટે તમે પણ ધર્મને શરણે જાવ.
સોમશર્માઃ મને ધર્મનું જ્ઞાન આપ.
સુમનાઃ ધર્માત્માને રોગ થતો નથી. પીડા થતી નથી. થાક લાગતો નથી. તેના મૃત્યુ સમયે દિવ્ય રૂપધારી ગંધર્વો તેમ જ વેદપાઠમાં જોડાયેલા તથા ગીતજ્ઞાન કરવામાં કુશળ બ્રાહ્મણો તેની સમક્ષ હાજર થાય છે. તેનું મરણ અગ્નિશાળામાં, ગાયોના સ્થાનમાં, દેવાલયમાં, આરામસ્થાન કે બગીચામાં, તળાવ પર કે જ્યાં પીપળાનું વૃક્ષ તથા વડનું ઝાડ હોય ત્યાં અથવા બ્રહ્મવૃક્ષ – ખાખરાનું ઝાડ કે ઉંબરાનું વૃક્ષ હોય અથવા બીલીનું વૃક્ષ જ્યાં હોય ત્યાં થાય છે. તેને લેવા માટે પાલખી આવે છે. અથવા હંસથી જોડેલું મનોહર વિમાન આવે છે. અથવા વિમાન, ઘોડો કે ઉત્તમ હાથી તેને લેવા આવે છે. તેની ઉપર છત્ર ધારણ કરવામાં આવે છે. ચામરો વીંઝાય છે. તેને ઉદ્દેશીને ગંધર્વો ગીતો ગાયા કરે છે. પંડિતો, બંદીઓ, દિવ્ય ચારણો, વેદપારંગતો અને બ્રાહ્મણો તેની સ્તુતિ કરે છે. એ ધર્માત્મા મૃત્યુ સમયે પણ મહાજ્ઞાની હોય છે. એટલે સ્નાન માટે તીર્થને મેળવે છે.
આ રીતે સુમનાએ સોમશર્માને ધર્મજ્ઞાન આપ્યું. પુણ્યાત્માઓને કેવી ગતિ પ્રાપ્ત થાય છે એનું વર્ણન કર્યું. પછી પાપીના મરણ સમયનાં લક્ષણો જણાવ્યાં. મેં સિદ્ધ પુરુષો પાસેથી પાપીનાં મૃત્યુ સમયનાં લક્ષણો જાણ્યાં છે. મહાપાપી માણસ વિષ્ઠા, મૂત્ર આદિ અપવિત્ર પદાર્થોવાળી તથા પાપથી ખરાબ જમીનને પ્રાપ્ત કરે છે. અથવા ચંડાળની ભૂમિને પ્રાપ્ત કરીને દુઃખી થઈને કષ્ઠથી મૃત્યુ પામે છે. અથવા જ્યાં ગધેડા પડી રહેતા હોય એવી જમીનમાં, વેશ્યાના ઘરમાં અથવા મોચીના ઘરમાં મરણને શરણ થાય છે. તેને લેવા આવનાર યમદૂતો બિહામણા, ક્રૂર, ભયાનક, અતિશય કાળા, મોટા પેટવાળા, પીંગળી આંખોવાળા, પીળા તથા લીલા રંગના, અત્યંત ધોળા, ઘણા જ ઊંચા, વિકરાળ, સૂકા માંસ તથા સૂકી ચરબીની ઉપમાને યોગ્ય, ભયંકર દાઢીવાળા, સિંહ જેવા ભયંકર મોઢાવાળા તથા સર્પના જેવા હાથવાળા હોય છે. તેમને જોઈને મહાપાપી અત્યંત કંપે છે. યમદૂતો પણ તેના કાનની પાસે શિયાળ જેવા અવાજો કરી ચીસો પાડે છે. જે પાપીઓએ પારકું દ્રવ્ય હરી લીધું હોય, પારકી સ્ત્રીની ફજેતી કરી હોય, પારકું કરજ અદા ન કર્યું હોય અથવા કોઈનું સર્વસ્વ પડાવી લીધું હોય તેમ જ લોભથી પારકી વસ્તુ લઈને પાછી ન સોંપી હોય – એ બધું મરવા પડેલા મહાપાપીના ગળામાં આવી ભરાઈ જાય છે અને તેને યમલોકમાં લઈ જવાય છે.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here