કવિઓની મુફલિસી – હસી હસીને ફૂલ ઝરે ગુલમહોર!

0
1380

હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ વ્યંગકાર હરિશંકર પરસાઈ કવિ તરીકે પોતાની શી ઇચ્છાઓ પૂરી થવાની બાકી છે એની વાત હળવી શૈલીમાં કહે છે. એ કહે છે મારી ખાસ ઇચ્છા છે કે મારા હાથે બે કામ થાયઃ (1) બેન્કમાં ખાતું ખોલાવું અને (2) આવકવેરાનું રિટર્ન ભરું.
અલબત્ત, સાહિત્ય કે શબ્દ સાથે નિસ્બત રાખનારા દરેકની આ મહેચ્છા હોય છે! શેખાદમ આબુવાલા તો વળી ખૂબ જ હૃદયસ્પર્શી રીતે કાવ્યપંક્તિઓ દ્વારા આ સ્થિતિનું વર્ણન કરે છેઃ
‘કાશ મેરા ભી એક પિંજરા હોતા
કમ સે કમ ખાને કો તો મિલ જાતા…!’
શબ્દના સ્વામીઓ કોઈનીયે સાડાબારી રાખતા નથી. એ હંમેશાં મુક્ત ગગનમાં વિહરનાર આત્માઓ હોય છે. પરિણામે આ ખુમારીની કિંમત તેમને અભાવો દ્વારા ચૂકવવી પડતી હોય છે. કવિ પોતાની સ્થિતિમાં સમાધાનકારી રીતે વિચારે છે કે ભલે આપણે પિંજરામાં રહેવું પડે કમસે કમ રોટીનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો હોત!
આ તો હળવી શૈલી કે કટાક્ષમય રીતે કરાયેલી રજૂઆતો ગણી શકાય, પરંતુ આપણે ત્યાં કવિ એટલે શું એની કલ્પના કરીએ તો નજર સમક્ષ કેવી આકૃતિ રચાય છે? દૂબળુંપાતળું શરીર હોય, લાંબો ઝભ્ભો કે ડગલો અને સુરવાલ, વાળ અને દાઢી વધી ગયેલાં હોય એવો દુઃખી ચહેરો આપણી કલ્પનામાં આવતો હોય છે. કવિ હંમેશાં દુઃખી હોય અથવા દુઃખની કે આંસુની જ વાત કરતો હોય એવું આપણે સૌ કોઈ માનતા હોઈએ છીએ. કોઈ માણસ પોતાની ઓળખાણ આપી એમ કહે કે ‘હું કવિતા લખું છું’ અથવા ‘હું સાહિત્ય સર્જન કરું છું’ ત્યારે સાંભળનાર વ્યક્તિનો સીધો સવાલ હોય છે ‘એ સિવાય બીજું શું કરો છો?’ અલબત્ત, આજીવિકા માટે શું જોગવાઈ છે? આમ આપણા સમાજે એ સ્વીકારી જ લીધું છે કે કવિ હંમેશાં મુફલિસ જ હોય!
સાહિત્યનું પ્રજાસત્તાક એક રીતે જોઈએ તો બંધિયાર નથી હોતું. પોતે તકલીફો કે મુશ્કેલીઓના મહાસાગરને પાર કરી આ શબ્દસર્જકો જગતને કંઈક નવું આપે છે. જગતની વિષમતાઓ કે અડચણો એમને રોકી શકતી નથી. એ લોકો હંમેશાં ખુમારી અને મસ્તીમાં જીવવાવાળા હોય છે. નિજાનંદ આગળ કોઈ પણ દુન્યવી સુખોની શી વિસાત? એવી બુલંદી ઉપર એમની ઇમારત ચણાયેલી હોય છે. ‘ગાલિબ’ આપણા મોટા ગજાના કવિ ગણાય છે. એ પારાવાર ગરીબીમાં જીવ્યા હતા. એમની મુફલિસી અને સાદગી વિશે અનેક કિંવદંતીઓ પ્રચલિત છે. આમ છતાં દરબારમાં કે આમ જનતામાં એમની જે લોકપ્રિયતા હતી એ ભલભલા ધનપતિઓ માટે પણ સ્વપ્ન સમાન હતી. ‘ગાલિબ’ જે ઘરમાં રહેતા હતા એ જૂનુંપુરાણું મકાન અને એની જર્જરિત છત એમની ગરીબીની ચાડી ખાતાં. ‘ગાલિબ’ની છત જોઈ આપણા કવિ ‘આદિલ’ મનસૂરીને પણ આવી પંક્તિઓ સૂઝી.
‘અપના ઘર ભી મિલતા ઝૂલતા હૈ ‘ગાલિબ’ કે ઘર સે,
દો ઘંટા બારિસ જો બરસે, છ ઘંટા છત બરસે…!’
કવિઓની છત આવી છિદ્રાળી હોય છે. જેમાં વરસાદ વીત્યા પછી પણ પાણીનું ટપકવું સતત ચાલુ રહે છે! અલબત્ત, એ છત નીચે પણ તેની કલમમાંથી જે સરવાણીઓ ફૂટે છે એ હંમેશાં માણસને આનંદ અને શાતા આપે છે.
કવિઓ સમાજના દરેક વર્ગમાંથી આવતા હોય છે. એ ખેતમજૂર પણ હોય, શિક્ષક પણ હોય, સોનીકામ કરનાર હોય, લીડર પણ હોઈ શકે અને ‘કલાપી’ જેવા યુવાન રાજા પણ હોઈ શકે. આમ તો દરેક કવિ પોતાની જાતને કોઈ શહેનશાહ કે રાજાથી કમ નથી માનતા હોતા, પરંતુ સાચેસાચ રાજા કે બાદશાહ હોય એવા ‘કલાપી’ કે ‘બહાદુરશાહ ઝફર’ જેવા મહેલોમાં રહેનારા પણ સંવેદનશીલ સર્જકો હતા એ નવાઈ પમાડે એવી બાબત છે. એવું એક સામાન્ય નિરીક્ષણ છે કે મુસીબત અને કવિઓ એકબીજાના પર્યાય જેવા હોય છે. એટલે કે આવા લોકો હંમેશાં કોઈ ને કોઈ ઉલઝનમાં ફસાયેલા જ જોવા મળે છે. એમાં કમબખ્ત ‘દિલ’ કે ‘હૃદય’ તૂટી જવા જેવી બાબતો તો કોમન હોય છે, પરંતુ એ સિવાયની જુદા-જુદા વ્યાધિઓથી પણ પરેશાન હોય છે. કેટલીક મુસીબતો વહોરી લીધેલી હોય છે તો કેટલીક કવિ હોવાના નાતે જ જન્મજાત મળેલી જોવા મળે છે. જલન માતરી કહે છે એમ –
‘મુશ્કિલ પડી તો એવી પડી કે આઠે પ્રહર પડી
પણ દુઃખ એટલું જ કે, કારણ વગર પડી!’
આવી દયનીય સ્થિતિમાં સામાન્ય માણસ કદાચ તૂટી જાય અથવા તો તેનો વિકાસ રૂંધાઈ જાય, પરંતુ કવિઓ માટે તો આ મુસીબતો જ જીવન જીવવાનું પ્રેરક બળ બની જાય છે. ‘પરેશાની જ રાહત છે.’ અથવા તો જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ બની રહો એ જ સમાધિયોગ’ આવું કહી શકનાર વ્યક્તિઓ જ જગતને કશુંક આપી શકતી હોય છે કે આત્માની ઉન્નતિ કરી શકતા હોય છે. કાળઝાળ ઉનાળામાં અને બળબળતી લૂમાં શેકાતું ગુલમહોર ઝાંખું પડવાને બદલે આકર્ષક રંગો થકી આકાશ સામે છાઈ જાય છે. ‘આભ ભલે ઝરે ને આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર’ કવિ માટે પણ શબ્દશઃ એટલું જ લાગુ પડે છે! મુફલિસીની મજા માણવી એ દરેક કવિ માટે સામાન્ય બાબત હોય છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here