ઊંઝાસ્થિત લક્ષચંડી યજ્ઞશાળાની મુલાકાત લઈ ભાવવંદના કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ઊંઝાઃ વિશ્વના ૧૨૬ દેશોમાં પથરાયેલા પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના આંગણે ઊજવાઈ રહેલા પાંચ દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષરૂપે ઉપસ્થિત રહી મા ઉમિયાની ભાવસભર વંદના કરી પૂજા-અર્ચના કરી હતી.
તેમની મુલાકાત દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મા ઉમિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પાટીદાર સમાજ પહેલાંથી જ સમાજ ઉત્થાનમાં અગ્રેસર રહ્યો છે. એ જ રીતે આ મહોત્સવમાં યોજાયેલા મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરીને સામાજિક સમરસતાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ઉમિયાનગરમાં જે સજ્જતાથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે એ મેનેજમેન્ટના અભ્યાસીઓ માટે સારું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એ માટેનો કેસ સ્ટડી બની રહેશે. ગુજરાત શક્તિશાળી, સામર્થ્યવાન બને એ માટે મા ઉમિયાની કૃપા એના પર બની રહે એ માટેની પ્રાર્થના કરતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક ઉત્થાનનું કાર્ય જોડવામાં આવ્યું છે એ અનન્ય છે. આ ઇશ્વરીય કાર્ય છે. આવાં કાર્ય હજારો લોકોના પરિશ્રમથી સાકાર થતાં હોય છે. કડવા પાટીદાર સમાજ જ આવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમ કરી શકે એવું શક્તિ-સામર્થ્ય ધરાવે છે.
તેમણે મહોત્સવ દરમિયાન નોંધાયેલા વિવિધ રેકોડ્઱્સ માટે વિવિધ સમિતિઓના ચેરમેનો તથા કાર્યકરોને અવોર્ડ્સ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા અને શ્રેષ્ઠી-દાતાઓનું પણ આ અવસરે સન્માન કર્યું હતું. કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કુંભનો જે મેળો યોજાયો ત્યારે જે સ્વચ્છતા જોવા મળી હતી એવી સ્વચ્છતા અહીં જાળવી રાખી છે, માટે અભિનંદન આપ્યાં હતાં. કુપોષણ નાબૂદી માટે જે ચેક અર્પણ કરાયો છે એ કુપોષણને દૂર કરવા માટેની પ્રસાદી સમાન છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે આજે એક પવિત્ર કામ થઈ રહ્યું છે જેમાં સામાજિક, ધાર્મિક અને વ્યાવસાયિક કાર્યનો સંગમ જોવા મળે છે. ૫૦ વર્ષ પહેલાં શિહોરમાં આવો લક્ષચંડી યજ્ઞ થયો હતો. આ પ્રસંગે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, પ્રદેશપ્રમુખ જિતુભાઈ વાઘાણી સહિત દેશ-વિદેશમાંથી પધારેલાં પાટીદાર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here