ગુજરાતઃ વર્ષ 2024-25નું ઐતિહાસિક રૂ. ૩.૩૨ લાખ કરોડનું બજેટ

અમદાવાદઃ વિધાનસભામાં ગુજરાતનું વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ થયું હતું. નાણામંત્રી કનુભાઇ દેસાઇ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે, જેમાં ૨૦૪૭નો રોડમેપ નક્કી કર્યો છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપનાં સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ ૩,૩૨,૪૬૫ કરોડનું છે. ગત વર્ષની સરખામણીમાં ૩૧,૪૪૪ કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ગત વર્ષ કરતા આ વર્ષ બજેટમાં ૧૧ ટકા વધારો કરાયો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ૭૫૧ કરોડની જોગવાઇ ગુજરાત બજેટમાં એનએફએસએ લાભાર્થીઓને ખાધતેલ આપવા ૧૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે. નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે ૨૫ કરોડની ફાળવણી કરાઇ. ઓલિમ્પિક કક્ષાનું માળખું, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા ૧૩૦૯ કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ૭૫૧ કરોડની જોગવાઇ. વડાપ્રધાન કૃષિ સિંચાઇ યોજના માટે ૨૫૫ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રીગ્રામ સડક યોજના માટે ૫ હજાર કરોડની જોગવાઇ તથા જુના પુલના પુન:બાંધકામ, સમારકામ માટે ૨૭૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
નવી બસો ખરીદવા માટે ૭૬૮ કરોડની જોગવાઇ કરાઇ છે. ઇ-વ્હિકલ સબસીડી આપવા ૨૧૮ કરોડ, બસ સ્ટેશનના આધુનિકરણ માટે ૧૧૮ કરોડ, જળસંપત્તિ પ્રભાગ માટે ૧૧૫૩૫ કરોડ, ચેકડેમ, તળાવો ઉંડા કરવા ૨૩૬ કરોડ તથા રાજકોટ જિલ્લાના વિંછીયા, ધરઇ જળાશયને જોડવા ૧૬૦ કરોડની જોગવાઇ કરાઇ.
બજેટની જોગવાઇ અનુસાર એમ્બ્યુલન્સની સુવિધા સુદૃઢ કરાવવા ૩૧૯ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ખરીદાશે. યુ. એન. મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા ૬૦ કરોડ. ગાંધીનગ, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા ૪૦ કરોડ. અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવાશે. આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે ૨૫૫ કરોડ, પ્રિ-મેટ્રીકના ૧૫ લાખવિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ૧૭૬ કરોડ, દૂધ સંજીવની યોજના હેઠળ ૧૫૦ કરોડ, ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય માટે ૧૨૦ કરોડ અને અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ૨૩ કરોડની ફાળવણી કરી હતી.
બજેટમા મહત્વપૂર્ણ જાહેરાત એ થઇ કે ૮ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે ૩૧૧૦ કરોડની જોગવાઇ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ૨૩૬૩ કરોડની જોગવાઇ. આદિજાતિના વિકાસ માટે કુલ ૪૩૭૪ કરોડની જોગવાઇ કરી હતી. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે ૨૬ કરોડની જોગવાઇ.
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત ધો.૯ અને ધો. ૧૦ની વિદ્યાર્થીનીઓને ૧૦ હજારની સહાય અપાશે. ધો. ૧૧ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને ૧૫ હજારની સહાય અપાશે. આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૨૧૯૪ કરોડની જોગવાઇ કરી. ટ્રેકટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે ૭૦૧ કરોડની જોગવાઇ. ખેતરને ફરતે કાંટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે ૩૫૦ કરોડની જોગવાઇ તથા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે ૨૦૦ કરોડની જોગવાઇ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે ૮૧ કરોડની જોગવાઇ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here