ગાંધીનગર મનપામાં આપ ભાજપને સત્તા અપાવવામાં મદદકર્તા બની ઃ કોંગ્રેસ

 

ગાંધીનગરઃ રાજ્યમાં યોજાયેલી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓનાં પરિણામમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે ૧૬ બેઠકો મેળવી છે. તેવી જ રીતે તાલુકા પંચાયતની ૧૪ અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. જોકે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને સત્તા અપાવવામાં મદદકર્તા બની છે. તેવું મતની ટકાવારીના વિભાજન પરથી સ્પષ્ટ દેખાય છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જન સમર્થન, જન આશિર્વાદ આપનાર તમામ મતદાતાઓનો આભાર માનીએ છીએ. ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામનું વિસ્તૃત વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે, સત્તા વિરોધી મતના વિભાજન માટે ભાજપે ગોઠવેલી ચાલ સફળ થઈ છે, અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે ભાજપને સત્તા અપાવવામાં મદદકર્તા બની છે. મતની ટકાવારીના વિભાજનમાં પણ સ્પષ્ટ દેખાય છે.

ડો. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યની ત્રણ નગરપાલિકા પેટા ચૂંટણીમાં જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસને ૧૬ બેઠક સંપૂર્ણ બહુમતિથી સાથે જનઆશીર્વાદથી મળી છે. ભાણવડ નગરપાલિકા કોંગ્રેસ પક્ષે બહુમતિથી ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. તાલુકા પંચાયતની ૧૪ બેઠકો અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ની બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે.

વોર્ડ નં. ૮ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ડીપોઝીટ ગુમાવી છે. ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં લોકોના થયેલા મોત, પારાવાર મુશ્કેલી, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને પ્રજા હિતમાં વધુ મજબૂતીથી લોકો સુધી પહોંચાડવા માટે મહેનત કરીશું. ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતોના હક્ક અધિકાર માટે અને ખાસ કરીને શિક્ષણ આ અધિકારની લડત કોંગ્રેસ પક્ષ મક્કમતાથી લડશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here