કિસાન આંદોલનથી વાહન-ટ્રેન વ્યવહાર ખોરવાયોઃ બંધને આંશિક સફળતા

 

નવી દિલ્હીઃ કિસાનોએ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આપેલા ભારત બંધના એલાન દરમિયાન દિલ્હી, પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે અસર અને હંગામો જોવા મળ્યો હતો. દિલ્હી બોર્ડરે ભયંકર ટ્રાફિક જામ થયો હતો. જ્યારે નોઈડામાં કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં બેરિકેડ તોડવામાં આવ્યા હતા. જ્યારે ઢોલ નગારા સાથે પ્રદર્શનકારીઓ સરકારી કચેરીમાં ઘૂસી ગયા હતા. 

બીજી તરફ બેંગ્લુરુમાં પ્રદર્શનકારીઓની અમાનવીય હરકત જોવા મળી હતી. જેમાં ડીએસપીના પગ ઉપરથી કાર ચલાવી દેવામાં આવી હતી. કિસાનોના ભારત બંધના એલાનનું સમર્થન અમુક વ્યાપારી સંઘોએ કર્યું હતું અને જંતરમંતરે પ્રદર્શન કર્યું હતું. જ્યારે રાહુલ ગાંધીએ પણ બંધના એલાનનું સમર્થન કર્યું હતું. 

પ્રદર્શનના કારણે ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી. રેલવે વિભાગના કહેવા પ્રમાણે ભારત બંધ એલાન દરમિયાન થયેલા પ્રદર્શનના કારણે ૨૫ ટ્રેન પ્રભાવિત થઈ હતી. કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ભારત બંધનું એલાન સફળ રહ્યું છે. બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે બંધના એલાનને આતંકી હરકત ગણાવી હતી. 

ભારતની બંધની વિશેષ અસર હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં જોવા મળી હતી. વિભિન્ન જગ્યાઓએ પ્રદર્શનકારીઓએ હાઈવે અને પ્રમુખ સડકોને રોકી હતી. ઘણા સ્થળોએ આંદોલનકારીઓ ટ્રેનના ટ્રેક ઉપર બેસી ગયા હતા. જેના પરિણામે ટ્રેન પરિવહનને અસર પડી હતી. જો કે, દેશના મોટા હિસ્સામાં બંધનો પ્રભાવ રહ્યો નહોતો. સૌથી વધારે અસર ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોઈડા સહિત દિલ્હી એનસીઆરમાં જોવા મળી હતી. જ્યાં દરરોજ હજારો લોકો કામ માટે બોર્ડર પાર કરે છે. 

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ભારત બંધનું એલાન સફળ રહ્યું છે અને કિસાનોનું પૂર્ણ સમર્થન મળ્યું છે. સાથે એમ પણ કહ્યું હતું કે તે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે પણ સરકાર વાતચીત કરી રહી નથી. 

આ દરમિયાન કોંગ્રેસ નેતા અને ડીપીસીસી અધ્યક્ષ અનિલ ચૌધરી ગાઝીપુર બોર્ડરે પ્રદર્શનમાં ભાગ લેવા પહેંચ્યા હતા. જો કે કિસાનોએ પ્રદર્શનને બિનરાજકીય બતાવતાં ધરણા સ્થળેથી રવાના થવા કહ્યું હતું. ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને રાહુલ ગાંધી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. 

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, કિસાનોનો અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે. પરંતુ શોષણ કરનારી સરકારને આ પસંદ નથી એટલે ભારત બંધ છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપસિંહે સંયુક્ત કિસાન મોરચાના ભારત બંધના એલાનને આતંકી હરકત ગણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભારત બંધનો કોઈ સહયોગ કરવામાં ન આવે. વધુમાં અમુક સંગઠન આતંકી ગતિવિધિમાં સામેલ છે અને તેને સરકાર દબાવવાની કોશિશ કરે તેવી અપીલ પણ કરી હતી. 

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, શહીદ ભગતસિંહના જન્મદિને ભારત બંધનું એલાન કરવું પડયું છે તે દુઃખની વાત છે. આઝાદ ભારતમાં કિસાનોને સાંભળવામાં નહીં આવે તો કોને સાંભળવામાં આવશે. તેઓ કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે કિસાનોની માંગને પૂરી કરવામાં આવે. દેશમાં ચેન્નાઈમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ્સ તોડયા હતા. પોલીસના રોકવાથી પણ ન માનવામાં આવતાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી. 

કર્ણાટકના કલબુર્ગીમાં પણ કિસાનોના વિભિન્ન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેંગ્લુરુમાં ડીસીપી ધર્મેન્દ્ર મીણા ઉપર પ્રદર્શનકારીઓએ કાર ચડાવી દીધી હતી, જો કે, તેઓને મોટી ઈજા પહોંચી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here