‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી?’

0
1002

(ગતાંકથી ચાલુ)
મેનાને પણ પુત્રી પ્રાણસમાન પ્રિય હતી. હિમાલયે મેનાને કહ્યુંઃ ‘તને તારી પુત્રી માટે પ્રેમ હોય તો એને શંકરનું તપ કરવાની શિખામણ આપ.’ મેના પુત્રી પાર્વતી પાસે ગયાં. પણ પાર્વતીનાં અતિશય કોમળ અંગને જોઈને એમની આંખોમાં આંસુ આવ્યાં. નાજુક પાર્વતી તપ કેવી રીતે કરી શકશે એવો વિચાર એમના મનમાં આવ્યો. એટલે તપ કરવાનો ઉપદેશ ન આપ્યો. ત્યારે પાર્વતીએ કહ્યુંઃ ‘આજે પરોઢિયે લગભગ ચાર વાગ્યે મેં સ્વપ્ન જોયું છે. એક તપસ્વી બ્રાહ્મણે શિવનું ઉત્તમ તપ કરવા મને ઉપદેશ કર્યો છે.’ છતાં મેનાનું મન ન માન્યું. પાર્વતીને તપ માટે પિતા હિમાલયની આજ્ઞા મળી ચૂકી હતી, પરંતુ માતાના આદેશની પણ જરૂર હતી. એટલે જયા-વિજયા નામની સખીઓ સાથે પાર્વતી ફરી એક વાર મેના પાસે ગયાં. બે હાથ જોડીને કહ્યુંઃ ‘મારે તપોવનમાં જઈને તપ કરવું છે. મને રજા આપો.’
પાર્વતીની હઠ જોઈને મેનાને દુઃખ થયું. કહ્યુંઃ ‘પુત્રી, તું તપ કરવા ઇચ્છે છે તો પ્રથમ ઘેર તપ કર. તું બહાર ન જા. દેવો અને તીર્થો તો આપણા ઘરે જ છે. તારે હઠ ન કરવી. બહાર ક્યાંય ન જવું. તારું શરીર અતિકોમળ છે અને તપ અતિ કઠિન છે. એ કારણે પણ તારે અહીં જ તપ કરવું યોગ્ય છે. તું બહાર ન જા. સ્ત્રીઓનું તપોવનમાં જવું ક્યાંય સાંભળ્યું નથી. માટે તું તપ કરવા વનમાં ન જા.’ આમ મેનાએ પાર્વતીને ‘ઉ’-પુત્રી તપ કરવા ‘મા’- ન જા એમ કહીને વારંવાર રોક્યાં એટલે એ ઉમા નામે ઓળખાયાં. પણ પછી ઉમાની જીદને લીધે મેનાએ પુત્રીને તપ કરવાની આજ્ઞા આપી. પાર્વતી તપ કરવા ગયાં. પાછાં આવ્યાં ત્યારે મેના અને હિમાલય દિવ્ય વાહન પર બેસીને પુત્રીને વધાવવા સામે ગયાં. પાર્વતીએ પ્રણામ કર્યાં. મેનાએ આશીર્વાદ આપીને પાર્વતીને છાતીએ વળગાડ્યાં અને હે પુત્રી… હે પુત્રી… એમ બોલી પ્રેમવિહ્વળ થઈ રડવા લાગ્યાં. મેના અને હિમાલયે પોતાનો ગૃહસ્થાશ્રમ સફળ માન્યો. બન્ને બોલી ઊઠ્યાંઃ ‘કુપુત્ર કરતાં પુત્રી જ શ્રેષ્ઠ છે.’
હિમાલય અને મેનાને પાર્વતી જેવી પુત્રી માટે ગર્વ થયો. પાર્વતી એમના સુખનું કારણ હતી, પણ પછી એ જ પુત્રી એમના દુઃખનું કારણ પણ બની. બન્યું એવું કે મેના અને હિમાલયને મૂંઝવવા શંકરે બેડોળ ભિક્ષુનું રૂપ ધારણ કર્યું. હિમાલયના મનમાં થયું કે આવા ભયંકર દેખાતા ભિક્ષુકને દીકરી કઈ રીતે પરણાવાય? એમણે મુનિઓને કહ્યુંઃ ‘હું શંકર જેવા ભિક્ષુકને પુત્રી આપવા ઇચ્છતો નથી. જે પિતા કામ, મોહ, ભય કે લોભને કારણે અયોગ્ય વરને જો કન્યા આપે છે તે તો તે મરણ પામ્યા પછી નરકમાં જાય છે. ગૃહસ્થ પોતાની પુત્રીને રાજસંપત્તિથી શોભતા પુરુષને આપે છે. દુઃખી પુરુષને પુત્રી આપીને પિતા એ કન્યાનો નાશ કરનાર થાય છે. મેનાએ પણ પુત્રી પરના સ્નેહને કારણે ગળગળા થઈને કહ્યુંઃ ‘શંકર તો દિગંબર છે, જટાધારી છે, હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે, કામદેવને બાળી મૂક્યો છે. છતાં પોતાના ભક્તને ફળ આપનાર હોય તોય એવા શંકરનું મારી પુત્રી કેવી રીતે સેવન કરી શકે?’
મેનાએ પાર્વતીને ઘણા સમજાવ્યાં, પણ એ ન માન્યાં એટલે પુત્રીપ્રેમને કારણે મેનાને ગુસ્સો આવ્યો. એમણે પાર્વતીની નિંદા કરી કહ્યુંઃ ‘તેં સોનું આપી દઈ કાચને જ આણ્યો છે. ચંદન ફેંકી દઈને પુષ્કળ કાદવ ખરડ્યો છે. હંસને ઉડાડી મૂકી કાગડાને પકડ્યો છે. બ્રહ્મજળ છોડી કૂવાનું પાણી પીધું છે. સૂર્યનો ત્યાગ કરી પતંગિયું સ્વીકાર્યું છે. ચોખા છોડી દઈ ફોતરાં ખાધાં છે. ઘી તથા તલનું તેલ ફેંકી દઈ ખોળ ખાધું છે. સિંહને છોડી શિયાળને સેવ્યો છે. બ્રહ્મવિદ્યા છોડી ખરાબ ગાથા સાંભળી છે. ઘરમાં રહેલી અતિ પવિત્ર અગ્નિહોત્રની ભસ્મ છોડી દઈ તેં અમંગળ ચિતાની ભસ્મ લીધી છે. વિષ્ણુ અને અન્ય શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી તેં શિવ માટે આવું દુષ્કર તપ કર્યું છે. તને, તારી બુદ્ધિને, તારા રૂપને અને તારા ચરિત્રને ધિક્કાર હો. હમણાં હું તારું મસ્તક વાઢી નાખું છું. હું વાંઝણી કેમ ન રહી? મારો ગર્ભ કેમ ગળી ન પડ્યો? હું કેમ ન મરી જાઉં? અરે તું પણ કેમ ન મરી ગઈ?’
આટઆટલું કહ્યા પછી પણ પાર્વતી શંકરને પરણવાની હઠને વળગી રહ્યાં. એટલે મેનાના ક્રોધનો પારો વધુ ઊંચે ચડ્યો. એમણે દાંત કચકચાવ્યાં. મુઠ્ઠીઓ અને કોણીઓ વડે પાર્વતીને મારવા લાગ્યાં. પછી પાછાં બરાડ્યાંઃ ‘તને તો હું તીવ્ર ઝેર આપી દઈશ. અથવા કૂવામાં ફેંકી દઈશ. અથવા શસ્ત્રોથી તથા અસ્ત્રોથી અનેક ટુકડે કાપી નાખીશ. અથવા સમદ્રમાં ડુબાડી દઈશ. એમ નહિ બને તો મારા શરીરનો હું અવશ્ય ત્યાગ કરીશ, પણ વિકરાળ અને બેડોળ રૂપવાળા શંકરને મારી કન્યા નહિ જ આપું. આ દુષ્ટાએ આવો આ ભયંકર વર કેવો મેળવ્યો છે? ખરેખર એણે મારી, હિમાલયની તથા કુળની પણ હાંસી કરાવી છે. આ શિવને માતા નથી. પિતા નથી. ભાઈ નથી. કુટુંબી નથી. વંશનાં કોઈ સગાં નથી. તેનું સારું રૂપ નથી. ચતુરાઈ નથી કે કોઈ ઘર પણ નથી. નથી વસ્ત્ર કે દાગીના. સારું વાહન નથી. યોગ્ય ઉંમર નથી. ધન નથી. નથી પવિત્રતા કે વિદ્યા… તો હું એને મારી વહાલી દીકરી કેવી રીતે આપું?
મેનાને આટલો ગુસ્સો દેવડાવ્યા પછી શંકરે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. એટલે શંકરના સોહામણા રૂપને જોઈને હિમાલય અને મેનાનો વિરોધ શમી ગયો. એમણે હોંશે હોંશે વાજતેગાજતે ને ધૂમધામથી પાર્વતીને શંકર સાથે પરણાવી પણ કન્યાવિદાય વેળાએ મેનાનું હૈયું ભારે થઈ ગયું. એમણે શિવને કહ્યુંઃ ‘આપ પાર્વતીનું બરાબર પાલન કરજો. આપ તો આશુતોષ અર્થાત્ ઝટ પ્રસન્ન થનારા છો. એટલે પાર્વતીના હજાર દોષને ક્ષમા આપજો.’ આમ કહેતાં તો મેના મૂર્છિત થઈ ગયાં. રડવા લાગ્યાં. મેના અને પાર્વતી ઊંચા સ્વરે આક્રંદ કરવા લાગ્યાં. હિમાલય પણ બેચેન થઈ ગયા. કહેવા લાગ્યા કે, ‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી?’
આ પૌરાણિક કથાઓ વાંચી, સાંભળીને એટલું ચોક્કસ કહી શકાય કે, કન્યાને માતાપિતા પ્રત્યે પ્રેમ હતો અને માતાાપિતાને કન્યા માટે પ્રેમ હતો! (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here