પ્રકાશ અને પડછાયાની ભાત સર્જતા ફોટોગ્રાફર કિશોર જોશી

1
1001


ફોટોગ્રાફી એ પ્રકાશ અને છાયાની કલા છે. કેમેરા એ પ્રકાશને ઝડપતું એક પંત્ર છે. અને પ્રકાશ અને છાયાની વચ્ચે આવતા શેડસને તે વિવિધ ઘટકોથી દશ્યમાન કરે છે. ફોટોગ્રાફી એ એક કલા છે. પણ એ ત્યારે જ જયારે ફોટોગ્રાફર એક કલાકાર છે. અન્યથા એક એક યથાતથને ઝડપતું યંત્ર માત્ર છે. આમ કેમેરા એક યંત્ર છે પણ એની પાછળ મંડાયેલી આંખ એક કલાકૃતિ સર્જે છે.
ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્તરે જાણીતા થયેલા કેટલાક ફોટોગ્રાફરોમાંનું એક નામ કિશોર જોશીનું પણ છે. પણ બહુ પ્રસિદ્ધિમાં નહીં આવેલા આ ફોટોગ્રાફરને રાષ્ટ્રીય સ્તરે માન મળ્યું હોવા છતાં ગુજરાત જ એમને બહુ ઓછું ઓળખે છે.
કિશોર જોશીને આમ તો ફોટોગ્રાફી વારસામાં મળેલી. એમના પિતા સૌરાષ્ટ્રના નામાંક્તિં ફોટોગ્રાફર તરીકે રજવાડાઓમાં જાણીતા હતા. પુરુષોત્તમદાસ જોશી, વધુ તો દાસભાઈ તરીકે ઓળખાતા આ કલાકારનું આમ તો મુખ્ય કામ તે સમયના શ્વેત શ્યામ ફોટાઓને વોટર કલર કરવાનુ હતું. આ કામમાં એમની ગજબની નામના. પણ તે સમયે ફોટોગ્રાફરોને બહુ માન ન મળતું. એટલે દાસભાઈ પુત્ર કિશોરને ફોટોગ્રાફી શીખવવાની ના પાડી દીધી. એટલું જ નહીં કિશોર ફોટોગ્રાફી શીખે તે સામે પણ નારાજગી વ્યક્ત કરેલી. તું બીજું કંઈ પણ કર પણ ફોટોગ્રાફી તો નહીં જ એમ પિતા કહેતા. પણ જે વારસામાં મળ્યું હોય તે તો દેખાવાનું જ. કિશોર જોશી ભણીને બી.કોમ. થયા. બેંકમાં નોકરીએ લાગ્યા. ધંધાદારી નહીં, પણ શોખથી ફોટોગ્રાફી કરવા લાગ્યા. એટલે સ્વાભાવિક જ એમના વિષયોમાં નેચર, વાઈલ્ડ લાઈફ અને બર્ડસ, અને કેન્ડીડ ફોટોગ્રાફી તરફ તેમનો ઝોક રહ્યો. આમ 1966થી શરૂ થઈ કિશોર જોશીની ફોટોગ્રાફીની સફર.


કિશોર જોશીનો જન્મ (8 એપ્રિલ 1946) પોરબંદરમાં થયેલો. અને ફોટોગ્રાફીની શરૂઆત પણ પોરબંદરથી થઈ. જેમ કચ્છમાં ફલેમીંગો ખૂબ આવે છે. તેમ પોરબંદરના દરરયાકાંઠાના વિસ્તારમાં ફલેમીંગો બહુ આવે. એ બધો વિસ્તાર ફલેમીંગોને માટે બ્રીડીંગ પ્લેસ તરીકે જાણીતો. કિશોર જોેશીએ એમની ફોટોગ્રાફીના પહેલા વિષય તરીકે આ ફલેમીંગોને ઝડપવા શરૂ ર્ક્યા. એ સમયે ફલેમીંગોની ફોટોગ્રાફી ગુજરાતમાં કરતા હતા તે એલ.એમ. પોમલ, વસંત સંઘવી અને ત્રીજા કિશોર જોશી. એમના ફલેમીંગોના ફોટાઓને કારણે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા થયા.


ફેડરેશન ઓફ ઈન્ડિયન ફોટોગ્રાફીના મેબ્મર થયા બાદ કિશોર જોશીની કલાયાત્રામાં એક મોટો વળાંક આવ્યો અને જનરલ પિકટોરરયલમાં પણ કિશોર જોશી કામ કરવા લાગ્યા. અલગ અલગ અને વિવિધ વિષયોની ફોટોગ્રાફી કરી. એ સમય કંઈ ડીજીટલ ફોટોગ્રાફીનો નહોતો. એટલે વ્યુફાઈન્ડરમાં જોઈને જ કંપોઝીશન વિચારવાના. પછી પણ ડાર્ક રૂમમાં તે બધાનું પ્રોસેસીંગ કરવાનું. કિશોર જોશી મોનોક્રોમ અને કલર ટ્રાન્સપેરન્સી એમ બન્નેમાં એક્સપોઝીંગ કરતા. આ બધું અત્યંત ખર્ચાળ. ત્યારે તો એમ જ કહેવાતું કે ફોટોગ્રાફી એક એક્સપેન્સીવ હોબી છે. એટલે ઓછામાં ઓછા મટિરરયલનો ઉપયોગ કરીને વધુમાં વધુ સારું પરરણામ લાવવાનું રહેતું. પણ કિશોર જોશીની કેળવાયેલી આંખે જે રીતે કેમેરામાંથી ઝડપ્યું, તે અનેરું હતું. અનેક ઓલ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ સેલોનમાં ભાગ લીધો. અને અનેક પારરતોષિકો પણ મેળવ્યા. ગુજરાત સ્ટેટ લલિતકલા એકેડેમીના ચાર વખત પારરતોષિક મેળવનાર એક માત્ર ફોટોગ્રાફર કિશોર જોશી છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ ઈઅર તરીકે સેન્ચુરીનું સર્ટિફીકેટ પણ મળ્યું. 1998થી ર000ની સાલ માટે ગુજરાત સ્ટેટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માનદ્ વોર્ડન તરીકે પણ નિયુક્ત થયા.
કિશોર જોશીના અનેક ફોટોગ્રાફસ અનેક પ્રકાશનોમાં પ્રગટ થયા છે. સેન્ચુરી મેગેઝીનમાં, અક્ષર કાર્ડમાં, પુસ્તક લેન્ડ ઓફ ટાઈગર (બી.બી.સી. પબ્લિકેશન), ધ બેસ્ટ ઓફ ઈન્ડિયન વાઈલ્ડ લાઈફ વગેરે અનેક પ્રકાશનોમાં કિશોર જોશીના ફોટાઓને સ્થાન મળ્યું છે. અન્ય પણ અનેક પ્રકાશનોમાં એમના ફોટોગ્રાફસ પ્રગટ થયા છે. એક કંપનીએ તેના સચિત્ર કેલેન્ડર માટે બારે મહિનાના પૃષ્ઠ પર કિશોર જોશીના ફોટોગ્રાફસ પ્રગટ કરેલા છે.
અહીં આ લેખ સાથે જે ફોટોગ્રાફસ પ્રગટ ર્ક્યા છે તેમાં પડછાયાની ભાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. કિશોર જોશીએ પોતાના ફલેટની રવેશમાંથી જોયું કે સવારના તડકા અને છાયાની જે પેટર્ન થાય છે એ અત્યંત નયનરમ્ય હોય છે. જે કેન્ડીડ ફોટોગ્રાફીના માટે ઉત્તમ છે. તેમાં કોઈ ઓબ્જેકટ ઉમેરાતા એક નવો જ વિષય ફોટાના કંપોઝીશન માટે રચાય છે. અને આ વિચારે એણે સવાર સવારમાં ત્યાં રોડ પર થતી અવરજવરને જોવી શરૂ કરી. અને એમાંના કેઠલાક દશ્યોને એમણે કેમેરામાં ઝડપવા શરૂ ર્ક્યા. આ દશ્યોમાં માનવ શરીર અને સાયકલ સાથે પ્રકાશ અને પડછાયાની જે પેર્ટન થાય છે તે અત્યંત નયનરમ્ય છે. કિશોરે આ પ્રકારના દશ્યોને કેમેરા દ્વારા ઝડપીને એક આખી સીરીઝ કરી છે. અને આવા અનેક ફોટોગ્રાફસને ઉપરથી ઝડપીને રજૂ ર્ક્યા. તે છતાં તેમાંના ઓબજેકટને કારણે પ્રત્યેકમાં પ્રકાશ અને પડછાયાની અલગ અલગ ભાત સર્જાતા તેમાં એકવિધતા નથી આવી. એક કંપનીએ એના વાર્ષિક કેલેન્ડર માટે આ સીરીઝના બાર ફોટાઓને પસંદ કરીને પ્રગટ ર્ક્યા છે. જે કિશોરને માટે એક મહત્ત્વની ઉપલબ્ધિ છે.
સોશીયલ મીડીયા પર કિશોર જોશી દરરોજ એક નવિન ફોટોગ્રાફસને પોસ્ટ કરે છે. તેમાં કદી પુનરાવર્તન નહીં જ. આમ એમની ફોટોગ્રાફીના ક્ષેત્રે અત્યંત સક્રિયતા. હાલ તેઓ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામઠી મેળાઓની ફોટોગ્રાફી કરીને તેનું એક ડોક્યુમેન્ટેશન તૈયાર કરી રહ્યા છે. જેના ફોટોગ્રાફ્સ પણ અત્યંત નયનરમ્ય છે.

લેખક કલાસમીક્ષક છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here