પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ માટે સંગઠન માળખું પડકારરૂપ

 

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હોદ્દો સંભાળ્યા બાદ તરત જ લલકાર કર્યો હતો કે ખૂબ જ ઝડપથી પ્રદેશ સંગઠનનું માળખું તૈયાર કરાશે. પરંતુ આજે પાંચ પાંચ મહિના થઇ ગયા હોવા છતાં સી.આર. પાટીલ સંગઠન માળખું તૈયાર કરી શક્યા નથી. માત્ર જિલ્લા પ્રમુખનાં નામ જાહેર થયાં છે. પ્રદેશ ભાજપ સંગઠન માળખું દિવાળી બાદ તૈયાર થશે, પરંતુ માળખું તૈયાર કરવું તેમના માટે એટલું સહેલું નથી. પ્રદેશ ભાજપના નવા માળખાની રચના માટે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતભરમાં પ્રવાસ શરૂ કરી પરિસ્થિતિનો તાગ મેળવવા શરૂઆત કરી હતી. જો કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ તેઓએ પ્રવાસ પડતો મૂક્યો હતો. દિવાળી પછી રૂપાણી સરકારમાં પણ ફેરફારની સંભાવના રહેલી છે.

પ્રદેશ ભાજપના નવા માળખાને તૈયાર કરવા માટે આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખીને માળખું તૈયાર કરવું પડશે. આ સાથે ચર્ચાઈ રહ્યું છે, તેમ અમિત શાહ, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ તમામનાં અલગ અલગ જૂથ છે. આ તમામને સાથે રાખીને સંગઠનના માળખામાં તમામનો સમાવેશ થાય એ જોવાનું પણ રહેશે. જો કે, પાટીલે તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે સંગઠ્ઠનના માળખા અંગે ચર્ચા કરી લીધી છે.

સંગઠનના નવા માળખામાં લગભગ મોટા ભાગના ચહેરાઓ નવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જૂના જોગીઓ અને જેઓ વર્ષો સુધી ભાજપના સંગઠનમાં કામ કરી રહ્યા છે, તેમની અવગણના પણ કરી શકાય તેમ નથી. આ ઉપરાંત ભાજપમાં ઊતરી પડેલા પેરાશૂટ નેતાઓને પણ સંગઠનમાં કે અન્ય કોઇ સ્થાને સમાવવા પડે તેમ છે. આ તમામ બાબતો જોતાં સી.આર. પાટીલ માટે સંગઠનનું નવું માળખું રચવું એટલું સહેલું નથી. હા, એક વાત ચોક્કસ છે કે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયથી સંગઠનના માળખાની રચનામાં પાટીલનો હાથ ઉપર રહેશે. સી.આર. પાટીલ દ્વારા હમણા જ જિલ્લાઓની પ્રમુખોની વરણી કરી દેવાઈ છે. જેમાં છ શહેર અને ૩૨ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદના નવા શહેર પ્રમુખની વરણી પણ કરવાની બાકી છે. દિવાળી બાદ રૂપાણી સરકારમાં પણ ફેરફારની સંભાવના રહેલી છે. ખાસ કરીને પ્રધાનમંડળમાં કેટલાક મંત્રીઓને પડતાં મૂકાય તેવી સંભાવના છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સમાવાય તેવી સંભાવના છે. સુરતમાંથી પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી સંભાવના છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here