એશિયન ગેમ્સ હોકીમાં જાપાનને હરાવીને ભારતે મેળવ્યો ગોલ્ડ

ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને ૫-૧થી હરાવ્યું છે. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં ટકરાયા હતા જેમાં ભારત ૪-૨ થી જીત્યું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ભારતની સામે વિપક્ષી જાપાન માત્ર એક જ ગોલ કરવામાં સફળ રહ્યું હતું. આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ ૨૦૨૪માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની ૨૫મી મિનિટે ભારત તરફથી મેચનો પ્રથમ ગોલ થયો હતો. મનદીપ સિંહે આ ગોલ કરીને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી.
ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં મેચની ૩૨મી મિનિટે ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજો ગોલ કરીને ભારતને ૨-૦ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા અમિત રોહિદાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ત્રીજા ક્વાર્ટર સુધી ૩-૦ની સરસાઈ મેળવીને પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. ચોથા ક્વાર્ટરની શરૂઆતના માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે ૪૮મી મિનિટે અભિષેકે ભારત માટે ચોથો ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે ૪-૦ની લીડ મેળવી લીધી હતી. માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે ૫૧મી મિનિટે જાપાને પોતાનું ખાતું ખોલાવ્યું અને ટીમનો પહેલો ગોલ આવ્યો. ત્યારબાદ મેચ પુરી થવાના ૧ મિનિટ પહેલા ભારતે પાંચમો ગોલ કર્યો હતો. ૫૯મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ માટે પાંચમો ગોલ કરીને ભારતને જાપાન સામે ૫-૧થી જીત અપાવી હતી. ભારતના ૧૦૦ મેડલ કન્ફર્મ, અત્યાર સુધીમાં ૯૫ મેડલ જીત્યા છે. ભારત પાસે તીરંદાજીમાં ત્રણ, કબડ્ડીમાં બે, બેડમિન્ટનમાં, ક્રિકેટમાં એક, એક હોકીમાં છે. હોકીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય કુસ્તીબાજ અમાને પુરુષોની ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઇલમાં ચીનના મિંગ્યુ લિયુને ૧૧-૦થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમાને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે ચીનના મિંગુ લિયુને હરાવ્યું હતું. મહિલા ફ્રી સ્ટાઈલ ૭૬ કિગ્રા કુસ્તીમાં ભારતની કિરણે થાઈલેન્ડની અરિયુંગાર્ગલ ગાનબતને ૬-૩થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોનમે મહિલાઓની ફ્રી સ્ટાઇલ ૬૨ કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવીને મેડલ જીત્યો હતો. ભારતના અતામુ, ધીરજ અને તુષારની પુરૂષ રિકર્વ ટીમે ફાઇનલમાં હારી ગઈ હતી અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને ૬૧-૧૪થી હરાવ્યું હતું. એશિયન ગેમ્સની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના એચએસ પ્રણયને ચીનના લી શિફેંગ સામે હારનો સામનો કરવો પડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here