ચરોતરની ગામલક્ષી કહેવતો

કંઠસ્થ લોકસાહિત્યનું એક લઘુસ્વરૂપ કહેવતો છે. સમગ્ર પ્રદેશમાં પ્રચલિત આ કહેવતો વિશેષતઃ ગ્રામજનો દ્વારા તેમના રોજિંદા વ્યવસાયમાં અનાયાસે પ્રયોજાય છે. તેમાં પ્રજાનાં રીતિરિવાજો, ખાસિયતો, માન્યતાઓ, સ્વભાવલક્ષણો, વૃત્તિ-પ્રવૃત્તિ, વ્યવસાય, માનસ વગેરેનું દર્શન થાય છે, એ સાથે જીવન-જગત વિશેનાં અનેક સનાતન સત્યો-નિરીક્ષણો, અનુભવો પૂર્ણતઃ યા અંશતઃ સચોટ, માર્મિક, વેધક, લાઘવ રૂપમાં પણ વ્યક્ત થાય છે.
ઘણી કહેવતો સમગ્ર પ્રદેશમાં પ્રચલિત હોય છે, પરંતુ કોમ યા જ્ઞાતિવ્યાપી, અમુક વિસ્તારના સ્થળ યા ગામલક્ષી, સ્થાનિક કહેવતો અમુક નાનકડા સીમિત પ્રદેશમાં પણ પ્રચલિત હોય છે. આવી સ્થાનિક કહેવતોમાં આસપાસના પ્રદેશનાં સ્થળો, લોકો, પ્રાકૃતિક વિશેષતાઓ વગેરેનું પ્રતિબિંબ પડે છે. સામાન્ય કહેવતમાં હોય છે એવાં સનાતન સત્યો તેમાં ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં તેમાં ક્યારેક અમુક સ્વીકૃત સત્યનું દર્શન થાય છે. ઘણી વાર, આંશિક યા ઊપજાવી કાઢેલું યા આરોપિત યા આભાસી સત્ય જ જણાય છે. તેમાં બોધ, ઉપદેશ, શિખામણ કરતાં કોઈ ગામની, ગ્રામવાસીઓની, કોઈ કોમની મજાક-મશ્કરી કરવાનું વલણ વિશેષ દેખાય છે.
ઘણે ભાગે તો આવાં ગામ, લોક, યા કોમની ઈર્ષ્યા કરનાર કોઈ અન્ય ગામના લોકો દ્વારા આવી ટીખળ, ઉપહાસયુક્ત કહેવતોનું સર્જન થયું હોય છે. તેમાં સત્યને બદલે ટીખળ, મજાક, મશ્કરી, કટાક્ષ, વ્યંગ જેવાં લક્ષણો મુખ્ય હોય છે. અલબત્ત, રમૂજ ઊપજાવે તેવું તત્ત્વ હોવાથી આવી કહેવતો અનાયાસ લોકકંઠે રમતી થઈ જાય છે. લગ્નગીતમાં ફટાણાંની જેમ ટીખળયુક્ત વિનોદાત્મક સ્થાનિક કહેવતો લોકજીવનમાં ધ્યાનપાત્ર બને છે.
પ્રત્યેક પ્રદેશના અમુક ચોક્કસ નાનકડા વિસ્તારમાં આવી સ્થાનિક કહેવતો પ્રચલિત હોય છે. ચરોતર તરીકે ઓળખાતા આણંદ-ખેડા જિલ્લાની પ્રજાનું પણ લોકસાહિત્ય છે. આ વિસ્તારનાં લોકગીતો, લગ્નગીતો, લોકવાર્તાઓ છે, તેમ સ્થળનામી, ગામલક્ષી ચરોતરી કહેવતો પણ પ્રાપ્ત થાય છે. અલબત્ત, તેમાંની ઘણી ખરી કહેવતો આજે નામશેષ થવા પામી છે. છતાં પ્રજાના સમાજજીવન, સંસ્કૃતિ અને લોકસાહિત્યના અભ્યાસની દષ્ટિએ તે ધ્યાનમાત્ર અને રસપ્રદ છે. ચરોતરની ગામલક્ષી લોકકહેવતોમાં ચરોતરનાં વિવિધ ગામોનું, ગ્રામવાસીઓની કેટલીક સાચી યા આરોપિત લાક્ષણિકતાઓનું નિરૂપણ થયું છે. તેમાંથી જે તે ગામ અને લોકો વિશેે અન્ય લોકોમાં પ્રચલિત ખ્યાલોનું પણ દર્શન થાય છે. જે તે ગામની ભૌગોલિક, સામાજિક, સ્વાભાવિક, ખાસિયતો, ખૂબીઓ, ખામીઓ તેમાં સૂત્રાત્મક ભાષામાં અભિવ્યક્તિ પામી છે. અમુક ગામો યા લોકવિશેષની સમૃદ્ધિ, મોટાઈ, બડાઈ, સાહસિકતા, ઉદારતા, ખાનદાની ઉપરાંત ઉદ્દંડતા, લુચ્ચાઈ, દાંડાઈ, કાયરતા આદિ એબોનું પણ તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સૂચન હોય છે. જે તે ગામ યા ગામવાસીઓ એવી એબોથી યુક્ત હોય જ એવું હોતું નથી, પરંતુ તેમની અમુક લાક્ષણિકતાઓ-ખાસિયતોનું તેમાં કંઈક અંશે પ્રતિબિંબ અવશ્ય પડતું હોય છે. ટીખળમાં પણ કંઈક સત્ય પરોક્ષરૂપે સૂચવાય છે. તે જ રીતે કહેવત રચાઈ અને પ્રચલિત થઈ હોય તે સમયની ગામ અને ત્યાંના લોકોની સ્થિતિ આજે સાવ બદલાઈ ગઈ હોય તે પણ બનવાજોગ છે. આવી સ્થિતિમાં વર્તમાન સમયના ગામ કે લોકોને કહેવતો બંધબેસતી ન થાય એ પણ સ્વભાવિક છે. ચરોતરમાં પ્રચલિત ઘણી ખરી કહેવતોમાં જે તે ગામના લોકોના અણગમતા સ્વભાવનું નિરૂપણ થયેલું જોવા મળે છે. તેમના સ્વભાવની ઉદ્દંડતા, લુચ્ચાઈ, પક્કાઈ, ખટપટ અને કાવાદાવાયુક્ત વૃત્તિ-પ્રવૃત્તિ વગેરેનું તેમાં સૂચન છે.


ઉદાહરણ પ્રમાણે પેટલાદ તાલુકાના નાર ગામના લોકો, ખરી કે ખોટી રીતે તેમની સાહસિકતા, ચતુરાઈ, લુચ્ચાઈ, કાવાદાવાયુક્ત પ્રવૃત્તિ માટે કહેવતોમાં સ્થાન પામ્યા છે. જેમ કે નારિયો અને કાગડો જ્યાં ત્યાં અથડાય, જ્યાં હોય કાગડો ત્યાં હોય નારિયો. આ કહેવતોમાં વ્યંગ બાદ કરીએ તો તેમાં રહેલું સત્ય પણ પ્રતીત થશે. નાર ગામના વતનીઓ તેમની હોશિયારી અને સાહસિકતાને કારણે દેશ-પરદેશમાં પ્રસરી ગયા છે એ હકીકતનું પ્રતિબિંબ ઉપર્યુક્ત કહેવતમાં પડ્યું છે. નાર ગામની જેમ પેટલાદ તાલુકાના ચાંગા ગામ અને આણંદ તાલુકાનું ઓડ ગામ પણ ત્યાંના લડાયક મિજાજના લોકો માટે જાણીતું છે. તેમની સાચી કે આરોપિત ઉદ્દંડતાનું આલેખન કેટલીક કહેવતોમાં થયું છે.
ઉદાહરણ પ્રમાણે ઓડ માથાફોડ, ચાંગાના સૌ નાગા. આ ઉપરાંત કેટલાંક માથાભારે ગણાતાં અન્ય ગામો વિશે પણ આવી જ કહેવતો મળે છે, જેમ કે નાવલીમાં કદી ન્યા નહિ, ને નાપા લે એનું આપે નહિ, ચુણેલ, ચકલાસી ને ચાંગા નામ દે તો એમના ભાંગે ટાંગા. આણંદ તાલુકાના લીંગડા ગામના લોકોને અનુલક્ષીને પણ આવી કહેવત પ્રચલિત થઈ છે લાવ કટારી લીંગડે જાઉં અર્થાત્ લીંગડા ગામે જવું હોય તો સ્વબચાવ માટે સાથે કટારી લઈને જવું સલાહભર્યું છે! કપડવંજ, ખંભાત, કઠલાલ, મહુધા, નડિયાદ, સામરખા, જોળ, મહેળાવ, પીજ, પલાણા, વસો, નાવલી, નાપાડ વગેરે ગામના લોકોની કેટલીક એબો કહેવતોમાં રમૂજી રીતે સ્થાન પામી છે.
ઉદાહરણ પ્રમાણે કપડવંજમાં કપટી વસે, કઠણ વસે કઠલાલ, મહુધામાં ઊંધા વસે, ચોર વસે નડિયાદ, અમદાવાદી હરામજાદી, ખંભાતી ગોઝારી, વડોદરાની વાંકી નારી, સુરતની બલિહારી, અંડા ગંડા નરસંડા, ફરીને આવજે ઉત્તરસંડા, જમી જાય જોળિયો, ને માર ખાય મહેળાવો, સામરખાના સો મૂરખા, આગળ જતાં હજાર પૂરા (અજરપુરા), પીજ, પલાણા ને વસો ઘસાય એટલું ઘસો, નાવલી ડાવ કે ના પાડે, કદી ન તેઓ હા પાડે, આ તો કઠલાલ ગામ, વળે તો વહાણ, નહિ તો પથ્થર પહાણ, જૂના કાળમાં ચોર-લૂંટારાના રહેઠાણવાળાં મહી નદીનાં કોતરોમાંથી પસાર થતાં અને પછી તેમાંથી બહાર નીકળતા પથિકોની થતી ચિંતાગ્રસ્ત ચિંતાયુક્ત માનસિક સ્થિતિનું દશ્ય, મહી નદીનાં કોતરોની ભૌગોલિક સ્થિતિ દ્વારા કહેવતમાં છે. આવી મહી ને ચિંતા થઈ, ઊતર્યા મહી ને ચિંતા ગઈ.
કેટલાંક ગામોના લોકો તેમના ખોટા દેખાવ, આડંબર, બડાઈ વગેરેને કારણે કહેવતોમાં ઉપહાસનો ભોગ બન્યા હોય છે. સ્વાર્થ માટે સગાં-સંબંધીઓની પણ કશી પરવા ન કરનાર આપમતલબી લોકોનાં ગામ-લત્તા-ફળિયાં પણ સામાજિક કહેવતોમાં ટીકાપાત્ર બન્યાં છે. જેમ કે વાડ, ખાડ ને વગો, ન થાય કોઈનો સગો નામની કહેવતમાં નડિયાદના લખાવાડ, કાકરખાડ અને દેસાઈ વગો નામના ખ્યાતનામ લત્તાઓની મોટાઈની સ્વાર્થવૃત્તિની ટીકા છે.
ભદ્ર વર્ગોમાં વિધવા સ્ત્રીનું પુનર્લગ્ન લજ્જાસ્પદ બાબત ગણાય, એટલે જે ગામોમાં વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન (નાતરાં) થતાં હશે અથવા તો કન્યાની અછત યા પૈઠણપ્રથાને કારણે કુંવારાં રહી ગયેલાં મોટી ઉંમરના (વાંઢા) પરસ્પર ગામે ગામે સાટાલગ્નો કરતાં હશે તેને અનુલક્ષીને એક કહેવતમાં આવો સામાજિક કટાક્ષ છે ‘નાર-પંડોળી નાતરે જાય, તારાપુરને તેડી જાય.’ જ્ઞાતિવ્યવહારલક્ષી કોઈ કહેવતમાં તે ગામોની આડોડાઈ, અકડાઈ જેવી એબોને કારણે જ્ઞાતિ બહાર મુકાતાં તેની સાથેના રોટી-બેટીના વ્યવહારો નિષેધ કરે.
ઉદાહરણ પ્રમાણે દાગજીપુરા ડગેડગે, ને જાખલા જકડબંધ, રતનપરાની છોડી પરણું તો ઉકાપાણી બંધ’ બહારગામથી અમુક ગામમાં આવીને વસેલા માણસો ન તો બહારગામના ગણાય કે ન તો ગામના વતનીઓ તરીકે પ્રતિષ્ઠા પામે. તેમની આવી ત્રિશંકુ જેવી વિષમ સ્થિતિને કહેવતમાં ટીખળરૂપે અભિવ્યક્તિ મળી છે. કહે કુંજરાવનો અને આડોડા આખડોલ (પ્રતિષ્ઠિત કુંજરાવ ગામનો હોવાનો દાવો કરનાર વ્યક્તિ હકીકતમાં તો સામાન્ય સ્થિતિના પછાત આખડોલ ગામનો રહેવાસી હોય!) એવી જ રીતે ગામ ગાનાના નહિ અહીંના કે નહિ ત્યાંના, વસોનું કૂતરું જ અમીન જેવી કહેવતમાં વસોની ઇતરકોમ પોતે અમીન હોય એવી વૃત્તિૃપ્રવૃત્તિ અને મોટાઈનો દેખાડો કરે તે વિશે ટીકા છે. કોઈની શેહશરમ યા પરવા ન કરનાર કરમસદના લોકો માટે કાના માત્ર વગરના લોકો એવો રૂઢિપ્રયોગ પ્રયોજાય છે.
આર્થિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત ગણાતા ગામ પાટીદારોનો માન-મોભો ઊંચો ગણાય છે. આમ છતાં કોઈ કહેવતોમાં તેમની બદલાયેલી સ્થિતિનું, વૃત્તિ-પ્રવૃત્તિનું કંઈક જુદું જ દર્શન થાય છે. ધર્મજમાં નહિ ધાન, ને ભાદરણ નરી ભૂખ, સારું બિચારું ઝારોળા, કોકડીઓનું તો સુખ, ધર્મજના ધાણકા, ને ખાવાપીવાના સાણકા, વસોના વર રૂપાળા, પણ ખાવાપીવાના ઉપાડા એથી ઊલટું, આર્થિક, સામાજિક રીતે પાછળ પણ દેખાડો કરવામાં શૂરા-પૂરા એવા નાનકડા ગામ નિરમાલીના લોકોની પ્રદર્શન પ્રવૃત્તિ-વૃત્તિઓ કહેવતમાં જોવા મળે છે. નિરમાલી નવાજણા, દાંડિયા રમે ત્રણ જણ, પહોળા રહે, ડગ્યા કરો, એવી બૂમો પાડે ઘણા.
આણંદ તાલુકાના ઓડ-ઉમરેઠ ગામોના ઊંડા કૂવાને લીધે તે ગામોની સ્ત્રીઓને ઊંડા કૂવામાંથી ઘડા ખેંચવાનું ભારે મોટું દુઃખ હતું, તેથી તે ગામમાં પરણાવેલી સ્ત્રીઓ તેમના આવા દુર્ભાગ્ય માટે પોતાનાં મા-બાપને દોષ દે તે સ્વાભાવિક છે. તેને અનુલક્ષીને ઓડ-ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી દે તેનાં મા-બાપ મૂવા જેવી કહેવત પ્રચલિત થઈ છે. એવી જ રીતે નડિયાદ તાલુકાના વીણા ગામે પાણીનો ત્રાસ હોવાથી ત્યાંની સ્ત્રીઓને બાજુના વાલ્લા ગામે પાણી માટે જવું પડતું. તે પરથી કહેવત રચાઈ વીણા વાસ ને વાલ્લા પાણી.
કેટલાંક ગામોની વિશિષ્ટ પરિસ્થિતિ અને તેને કારણે લોકોની અમુક વિલક્ષણતાઓ, વિચિત્રતાઓ, મર્યાદાઓ પણ કહેવતોનો વિષય બને છે. જોળ વડતાલ ને રાવલી, મિયાં રાંટ ને બીબી ચબાવલી, રઢુ ચાંદણા ને મહેલજ ગામ બાવા માગજે જોડીને એ ત્રણ નામ, ઠાસરા દો દિનકા આસરા, રહે ઝાઝા દી તો ખાય ખાસડા. આ ઉપરાંત સમૃદ્ધ ઠાસરા ગામ અને પડોશના કંગાલ, ગામ સેવાલિયાની સ્થિતિનું પ્રતિબિંબ ઠાસરા પાલી ને સેવાલિયા ખાલી કહેવતમાં પડ્યું છે. બોરસદ તાલુકાના કઠોલ અને નિસરાયા ગામોની ધૂળના ઢગલાભરી ભાગોળો ઓળંગી ગામમાં જવાનું અને બહાર નીકળવાનું મુશ્કેલ હોવાથી ન છટકે જ તે ગામોમાં જવાનું મન થાય. આવી કઠિન સ્થિતિનું દર્શન આધી રોટી ખાના, મગર કઠોલ મત જાના, ને હાર્યા તો નેહરાયા. આથિક રીતે સધ્ધર છતાં ગંદકીથી સભર એવા સંધાણા તથા વાંઠવાળી ગામને અનુલક્ષીને કહેવતો પણ પ્રચલિત છે સંધાણા ગામ ગંધાણા અને વાંઠવાળી કદી ન જવાની ગાંઠ વાળી જેવી કહેવતમાં થાય છે.
ખંભાત તાલુકાના મુસ્લિમ વસતિવાળા જલ્લા ગામની ખારાપટથી સભર સીમમાં પીલડાં સિવાય બીજું કોઈ વૃક્ષ જોવા મળતું નથી. આવી વિલક્ષણ સ્થિતિ એક રમૂજી કહેવતમાં અભિવ્યક્તિ પામી છે. ઉપર અલ્લા ને નીચે જલ્લા, સીમમાં વરખડા ને ગામમાં તરકડા એવી જ રીતે સામાજિક, આર્થિક રીતે પાછલા એવા કંજૂસ, કરકસરિયા, કુસંપ અને અનેક જૂથ યા તડાંની વસ્તીવાળા આશી ગામ વિશે આવી કહેવત છેઃ તેર તાંહરિયું આશી, રોટલા થાય વાસી, તોયે કદી ન એમનાં સંઘ જાય કાશી.
અમુક ગામોની ભૌગોલિક રચનાને લીધે તેની સ્થિતિ પરિસ્થિતિનું પણ કહેવતમાં રમૂજનો વિષય બને છે. આણંદ તાલુકાનું સામરખા ગામ ભાલેજ-ડાકોર જવાના સીધા ધોરીમાર્ગ પર આવેલું હોવાથી સાવ અજાણ્યા માણસો પણ અનાયાસે પહોંચી શકે છે. તેથી સરળ કામ માટે એક કહેવત પ્રચલિત થઈ છેઃ સામે મોઢે સામરખા યા સામે નાકે સામરખા કોઈ ગામના ચોરો યા ભાગોળ ઢંગધડા વગરનાં હોય તો તેમને લક્ષ્ય કરીને વ્યંગાત્મક કહેવત પ્રચલિત બને છે. ચકલાસીનો ચોરો ફૂસ, વઘાસીની ભાગોળ ફૂસ, ભલાડાની ભાગોળ ફૂસ, માતરિયાનો મોટો ચોરો, ઉકરડાનો ઓથો વગેરે.
નડિયાદની પૂર્વ દિશામાં આવેલું સલુણ અને પશ્ચિમ દિશામાં આવેલા ડભાણ ગામનો બધો વ્યવહાર પડોશના નડિયાદ શહેર સાથે હોવાથી બેઉ ગામના લોકોને નોકરી-ધંધા માટે દરરોજ સવારે નડિયાદ આવવાનું થાય અને સાંજે પોતાને ગામ પાછા ફરવાનું બને ત્યારે સલુણના લોકોને સવાર-સાંજ સૂર્યપીઠ પાછળ હોય. જ્યારે ડભાણના લોકોને સવાર-સાંજ સૂર્ય આંખ-મોં સામે હોય. આવી ભૌગોલિક સ્થિતિથી તે ગામના લોકોની એવી અગવડભરી સ્થિતિ થાય તેને અનુભવીને કહેવત પ્રચલિત છે સલુણના સુખિયા અને ડભાણના દુઃખિયા. કેટલાંક ગામો તેમની કશીક વિશિષ્ટતાને કારણે લોકોનું લક્ષ ખેંચનારાં બન્યાં છે. એવાં ગામો તેમની કશીક જાણીતી વસ્તુ યા સગવડ-સુવિધાને યા વિશિષ્ટ ખાસિયતને કારણે કહેવતોમાં સ્થાન પામ્યાં છે. કરમસદની કહોડી, કાઠિયાવાડની ઘોડી ને પલાણાની છોડી, ધર્મજના કોસિયા ને વીરસદના કાછિયા, બળદ શેખડી ને ભેંસ નારની, પીજની પાળી કંઈ પેટમાં મરાય? નડિયાદ તાલુકાના દાવડા ગામમાં પહેલાં દૂધનો ગૃહઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલતો હોવાથી દૂધને ઉકાળીને તેમાંથી માવો બનાવવા માટે ગામમાં જ્યાં ત્યાં સળગતા ચૂલા પર તાવડા જોવા મળે. તે પરથી પ્રચલિત થઈ દહેગામ ને દાવડા, રોજ મેલે તાવડા.
ખંભાત તાલુકાનું કાણીસા ગામ કોઢનો રોગ નાબૂદ કરવાની વિશેષતાને લીધે અને વીરપુર-ખેરાલી ગંધારી તેની નુકસાનકારક પ્રાકૃતિક વિશેષતાને લીધે કહેવતમાં સ્થાન પામ્યું છેઃ કણીસાનો કુંડ, દૂધિયું તળાવ ને ગંગલો કૂવો, આ જનમે જે ના ન્હાય, તે જીવતો મૂવો, વીરપુરની વાયરી ને ખેરાલીની ટાઢ, એથી ના મરે તો ગંધારીમાં કાઢ. પ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં તથા ભાલ વિસ્તારના વૌઠાના જાણીતા મેળામાં યાત્રાળુઓ મોટી સંખ્યામાં, અનેક અગવડો છતાં શ્રદ્ધાભક્તિ યા મોજ માટે ઊમટતા હોય છે, જેનો અગવડ અને આનંદભર્યો અનુભવ અભિવ્યક્ત થાય છે. ડાકોર મંદિર સુંદરધામ, ઉપર ફરકે ધોળી ધજા, ખાવા-પીવાનું કંઈ ના મળે, ધોતિયાં ધોવાની ભારે મજા વૌઠાનું મેળું ને ખાવાનું કેળું, સૂવાનું વેળું ને રહેવાનું ભેળું.
એવી જ રીતે ધર્મજ ગામનો ઊંચો ચોરો, માથે ફરકે ધોળી ધજા, ખાવા-પીવાનું કઈ ના મળે, પણ હૂઈ રહેવાની મજા જેવી કહેવતમાં ધર્મજની આર્થિક સમૃદ્ધિ-સગવડ-સુવિધાનાં દર્શન થાય છે! કેટલીક કહેવતોમાં વિવિધ ગામોની પરસ્પર તુલના કરીને તે ગામની યા ગામના લોકોની પક્કાઈ, કઠણાઈ, કંજૂસાઈ, જેવી સ્વભાવગત લાક્ષણિકતાઓની વૃત્તિ-પ્રવૃત્તિને વ્યક્ત કરવામાં આવી છે. નાડા માટે નડિયાદ જવું પાઈ માટે પેટલાદ જવું નવ ટાંકી માટે નડિયાદ જવું નવ નડિયાદી બરાબર પાંચ પેટલાદી નવ નડિયાદી, બે બોરસદી ને એક અમદાવાદી સો નડિયાદી બરાબર એક ભડિયાદી વગેરે કહેવતો તેવા ગુણ-વૃત્તિ-પ્રવૃત્તિ દાખવતા કોઈ પણ વિસ્તારની વ્યક્તિને લાગુ પડે એવી વ્યવહારલક્ષી સર્વવ્યપક બની છે.
આવી જ રીતે ગામડી, ઉમરેઠ, ચકલાસી, આંકલાવ ગામોની ગૌરવ અપાવે તેવી કહેવતો પણ મળે છે. ઉમરેઠના નવશા નવી હવેલી લાળા, પણ કન્યા તો જૂના ઝરૂખાવાળી સોના જેવી ચામડી, ગામ ગામે તો ગામડી, સો વાક કાશી, બરાબર એક વાર ચકલાસી, તો રાસ અડાસ અને કરમસદની પ્રજાનું શૌર્ય-ખમીર એક દુહાત્મક કહેવતમાં આ રીતે વ્યક્ત થયું છે. રાસમાં રણકો પડ્યો અડાસમાં છે વીર, કરમસદે હાકલ પાકી, એ છે જિલ્લાનું ખમિર.
વ્યક્તિની બાઘાઈ, મૂર્ખઈ, અણસમજ ભાષા વગેરેની દ્યોતક એવી કેટલીક ગામલક્ષી કહેવતો પ્રચલિત છે, જેમ કે, પેટલાદ તરફનાં કેટલાંક ગામોમાં અણસમજુ કે બાઘાઈભરી વ્યક્તિ માટે દેવાનો કે ડભોઉનો ભાદરણથી તાજ આવ્યા લાગે છે!લાખલો કરસમદ જઈ આવ્યો સમજાવ્યું તું સામરખાને પહોંચ્યા પણસોરા જેવા રૂઢિપ્રયોગોત્મક કહેવતો જાણીતી છે. કાયર યા બીકણ માટે પેટલાદી યા પેટલાદી પરમાણિયાની પાળવાળો એવો હીનપ્રયોગ થતો સંભળાય છે. બોરસદના મુસ્લિમોની ગુજરાતી-હિન્દી ભાષા માટે બોરસદી હિન્દી એવો ઉપહાસલક્ષી શબ્દપ્રયોગ વ્યાપક રૂપમાં પ્રયોજાય છે. ભાનેર ગામના લોકો કંજૂસાઈ કરકસર માટે જાણીતા હોવાથી કોઈ હાસ્યસ્પદ લાગે તેવી કંજૂસાઈ કરે ત્યારે ભાનેરિયું કર્યુ એવું કહેવાય છે. તોફાની ઢોર-ઢાંખરને ઉદ્દેશીને રોષમાં બોલાતી કહેવત તને ભાલેજ મોકલેમાં ભાલેજ ગામના કતલખાનાનું સૂચન છે. કામની સફળતા આનંદયુક્ત ઉદ્ગાર રૂપે કે બેપરવાઈના અર્થમાં જખ મારે જીટોડિયાવાળી જખ મારે જાખલાવાળી જેવા પ્રયોગો પણ લોકવ્યવહારમાં થતા જોવા મળે છે.
આમ, ચરોતર ખેડા-આણંદ જિલ્લાના મોટા ભાગે ગ્રામવિસ્તારમાં પ્રચલિત સ્થાનિક ચરોતરી કહેવતોમાં રૂઢિપ્રયોગોમાં ચરોતરનાં સંખ્યાબંધ ગામો અને એમાં વસતા લોકોનું કંઈક વિનોદાત્મક લાગે તેવું, હળવું અને સૂત્રાત્મક નિરૂપણ થયું છે. એમાં જે તે ગામની વિશિષ્ટ પરિસ્થિતિ, ધ્યાનપાત્ર પ્રાકૃતિ પરિવેશ, ગ્રામવાસીઓની અમુક વિચિત્ર વૃત્તિ-પ્રવૃત્તિ, એમની સમૃદ્ધિ યા કંગાલિત, પતરાજી, આડંબર, હુંપદ, અમુક રીતરિવાજ, સામાજિક વટ-વ્યવહાર વગેરેનું ખરું કે ખોટું પ્રતિબિંબ ઝિલાયું છે. ચરોતરી ચૈડવે ઊણો જેવી કહેવતમાં તો ચરોતરના સર્વલોકોના સ્વભાવનું સાચું યા ખોટું દર્શન લાઘવ રૂપમાં થયું છે. આ બધી કહેવતોમાં ઘણી કહેવતો તો વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસની ગોઠવણીમાંથી જન્મી હોવાથી તેમાં વિનોદ યા રમૂજ મુખ્ય અને સત્ય કે તથ્ય ગૌણ યા નહિવત્ હોય છે, પરંતુ કેટલીક કહેવતોમાં વિનોદ-કટાક્ષ દ્વારા સત્યના અંશો પણ ભળેલા છે. તેમાંથી જે તે ગામની કે લોકોની અમુક વૃત્તિ-પ્રવૃત્તિ-માનસનો ખ્યાલ મળી રહે છે. અલબત્ત, કેટલાંક સમૃદ્ધ ગામ અને તેના લોકો તરફની, અન્ય ગામો અને લોકોની ઇર્ષ્યામાંથી, સ્પર્ધાત્મક ભાવમાંથી પણ, કેટલાક હાંસીયુક્ત કહેવતો સર્જાઇ હોય તે શક્ય છે.
ગામના કે ગ્રામવાસીઓનાં વખાણ કરતી કહેવતો જે તે ગામના જ લોકો દ્વારા તેમ જ વગોણું કરતી કહેવતો ઘણે ભાગે અન્ય ગામના લોકો દ્વારા સર્જાઇ હોય અને પ્રચલિત થઈ હોય તે બનવાજોગ છે.
સમગ્ર રીતે જોઈએ તો, ચરોતરની પ્રજા અને એના સમાજજીવનની વિશેષતા, રહેણીકરણી, રીતરસમ, મર્યાદા, એબોનું દર્શન કરાવનાર આ કહેવતો ઉલ્લેખિત ગામો અને તેના લોકોની અગાઉ કેવી સ્થિતિ પરિસ્થિતિ હશે તેનો જીવંત દસ્તાવેજ છે. લોકજીવનમાં, લોકવ્યવહારમાં વિવિધ રૂપે-રીતે પ્રયોજાઈને અનેક ઉદ્દેશ સિદ્ધ કરતી આ કહેવતો વગર લોકવ્યવહાર કલ્પી શકે નહિ. ભોજનમાં જેમ પ્રમાણસરનું મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તેમ લોકવ્યવહારની ભાષાની અસરકારક અભિવ્યક્તિ માટે આ લોકકહેવતનું પણ એટલું જ મહત્ત્વ છે, મૂલ્ય છે. આવી કહેવતો પ્રાદેશિક યા સ્થનિક ઇતિહાસ અને સમાજનો અભ્યાસ કરનારને, પ્રાદેશિક બોલીના અભ્યાસુ ભાષાશાસ્ત્રીઓને અને લોકસાહિત્યના રસિક મર્મજ્ઞોને વિવિધ રીત-રૂપે ઉપયોગી નીવડે છે. વીસરાતી વિરાસતસમી આ લોકકહેવતો વિલુપ્ત થતા સમાજજીવનના એક જીવંત દસ્તાવેજ તરીકે નવી પેઢી માટે પણ પરિચાયક બની રહે છે. (સંકલનઃ ડો. રમણભાઈ પી. પટેલ)

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here