ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી અને ગોવામાં પ્રમોદ વાસંત મુખ્ય મંત્રી

 

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામી ફરી એકવાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્યોની બેઠકમાં તેમને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પણ હાજર હતા. આ સાથે રાજયમાં ૧૧ દિવસથી ચાલી રહેલા મુખ્યમંત્રી પદના સસ્પેન્સનો અંત આવ્યો છે. વાસ્તવમાં, વિધાનસભા ચૂંટણીમાં ખટિમા સીટર પરથી પુષ્કરસિંહ ધામીની હારને કારણે અન્ય નેતાઓએ પણ સીએમ પદ માટે દાવેદારી શરૂ કરી દીધી હતી.

ભાજપે આ વખતે ૪૭ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, પરંતુ ૧૨ મહિનામાં ચોથી વખત મુખ્યમંત્રીની પસંદગી કરવા જઇ રહેલી પાર્ટીને આ પદ માટેનો ચહેરો નક્કી કરવામાં ભારે સંઘર્ષ કરવો પડયો છે. વિદાય લેતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખટિમા વિધાનસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભુવન કાપરી સામે હારી ગયા બાદ મુશ્કેલી ઉભી થઇ હતી. જેના કારણે પાર્ટી હાઇકમાન્ડ પર ધારાસભ્ય દળની અંદરથી નવો ચહેરો પસંદ કરવાનું દબાણ વધી ગયું હતું. 

૧૬ સપ્ટેમ્બર ૧૯૭૫ના રોજ પિથોરાગઢના તુંડી ગામમાં જન્મેલા પુષ્કરસિંહ ધામીની પાર્ટીમાં મજબૂત પકડ છે. તેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તેમજ મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીના નજીકના ગણાય છે. આ ઉપરાંત ધામી રક્ષા મંત્રી રાજનાથ સિંહના નજીકના પણ ગણવામાં આવે છે. જયારે ઉત્તરાખંડ અલગ રાજય બન્યું હતું ત્યારે ધામી ભારતીય જનતા યુવા મોરચાના રાજયના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. પુષ્કરસિંહ ધામી ૨૦૧૨માં પહેલી વખત ખટીમા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ત્યારે કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને લગભગ પાંચ હજાર વોટથી હરાવ્યા હતા. ૨૦૧૭ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ધામીએ ખટીમાંથી સતત બીજી વખત જીત મેળવી હતી. ત્યારે તેઓએ કોંગ્રેસના ભુવનચંદ્ર કાપડીને ૩ હજારથી ઓછા મતે હરાવ્યા હતા. તેઓ ઉત્તરાખંડના ૧૧મા મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે કાપડીએ તેમને છ હજાર વોટથી હરાવ્યા છે.

ગોવાના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે ભારતીય જનતા પાર્ટી વિધાયક દળની બેઠકમાં પ્રમોદ સાવંતને આગળ પણ રાજયનો હવાલો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે કે સાવંત ગોવાના આગામી સીએમ હશે. ગોવામાં બીજેપી સેન્ટ્રલ ઓબ્ઝર્વર અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે વિશ્વજીત રાણેએ સાવંતના નામનો પ્રસ્તાવ મૂકયો હતો. બધા આ માટે સંમત થયા. વિધાનસભા ચૂંટણીમાં ૨૦ બેઠકો જીતીને ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યાના ૧૧ દિવસ બાદ આ બેઠક થઇ રહી છે. ભાજપના કેનિ્દ્રય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને એલ મુરૂગન બીજેપી ધારાસભ્ય દળના નેતાની ચૂંટણીની પ્રક્રિયાની દેખરેખ માટે અહીં પહોંચ્યા હતા. ભાજપે રાજયની વિધાનસભા ચૂંટણીમાં ૨૦ બેઠકો જીતી હતી, જે જરૂરી બેઠકોની સંખ્યા કરતાં માત્ર એક બેઠક ઓછી હતી. ભાજપે એમજીપીના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષનું સમર્થન મેળવ્યું છે. આ નવી વિધાનસભામાં સંખ્યાના સંદર્ભમાં ભાજપને આરામદાયક સ્થિતિમાં મૂકે છે. ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સાવંતના નામ પર મહોર માર્યા બાદ નવી સરકાર રચવાનો દાવો કરવા રાજભવનમાં રાજયપાલ પીએસ શ્રીધરન પિલ્લઇને મળવાના છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)