ઈશાન કિશને વન-ડે ઈન્ટરનેશનલ ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી

 

ચિત્તાગોંગઃ ભારત અને બંગલાદેશ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતે બંગલાદેશને ૨૨૭ રને પરાજય આપ્યો હતો. ૪૧૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી બંગલાદેશની ટીમ માત્ર ૩૪ અોવરમાં ૧૮૨ રનમાં અોલઆઉટ થઈ જતાં તેનો ૨૨૭ રને પરાજય થયો હતો. ભારત વતી શાર્દૂલ ઠાકુરે ૩૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગમાં ઊતરેલી ભારતની ટીમે નિર્ધારિત પચાસ અોવરમાં આઠ વિકેટને ભોગે ૪૦૯ રન બનાવ્યા હતા. ભારત વતી ઈશાન કિશને ૧૩૧ બોલમાં ૨૪ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી ૨૧૦ રન ફટકારી સૌથી ઝડપી બેવડી સદી બનાવી ઈતિહાસ રચ્યો હતો. ઈશાન કિશને ફટકારેલી બેવડી સદીમાં ૧૫૬ રન ચોગ્ગા અને છગ્ગા મારફતે આવ્યા હતા. વન-ડેમાં બેવડી સદી ફટકારનાર તે ચોથો ભારતીય અને સાતમો આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો હતો.

અગાઉ આ વિક્રમ વેસ્ટ ઈંડીઝના ક્રિસ ગેઈલના નામે હતો. વર્ષ ૨૦૧૫માં ક્રિસ ગેઈલે ઝિમ્બાબ્વે સામે ૧૩૮ બોલમાં બેવડી સદી ફટકારી હતી. વન-ડેમાં ભારતનો આ ચોથા ક્રમાંકનો સર્વાધિક સ્કોર હતો.

કોહલીઍ પણ અોગસ્ટ ૨૦૧૯ બાદ વન-ડેમાં આ પહેલી સદી ફટકારી હતી. કોહલીઍ ૯૧ બોલમાં ૧૧૩ રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીઍ વન-ડેમાં ૪૪મી અને ઍકંદરે ૭૨મી સદી ફટકારી હતી.

ઈશાન કિશાન અને કોહલીઍ માત્ર ૧૯૦ બોલમાં ૨૯૦ રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ બેટિંગમાં ઊતરેલી ભારતની ટીમે શિખર ધવન (૦૩), ઈશાન કિશાન (૨૧૦), વિરાટ કોહલી (૧૧૩), શ્રેયસ અય્યર (૦૩), કે. ઍલ. રાહુલ (૦૮), વોશિંગ્ટન સુંદર (૩૭), અક્ષર પટેલ (૨૦), શાર્દૂલ ઠાકુર (૦૩), કુલદીપ યાદવ (અણનમ ૦૩) અને મોહમ્મદ સિરાજના અણનમ શૂન્ય રનની મદદથી પચાસ અોવરમાં આઠ વિકેટ ગુમાવીને ૪૦૯ રન બનાવ્યા હતા. ઈશાન કિશાન અને કોહલીની વિદાય બાદ રનરેટ ધીમો પડ્યો હતો. આમ છતાં ભારતની ટીમ ૪૦ અોવરમાં ત્રણ વિકેટને ભોગે ૩૩૯ રનના સ્કોરમાં વધુ ૭૦ રન ઉમેરવામાં સફળ રહી હતી. છેલ્લી ૧૦ અોવરમાં ભારતે ૭૦ રન ઉમેર્યા હતા.

બંગલાદેશ વતી મુઝફ્ફર રહેમાને ૬૬ રનમાં ઍક, તસ્કિન અહમદે ૮૯ રનમાં બે, મહેંદી હસન મિરાઝે ૭૬ રનમાં ઍક, ઈબાદત હૌસૈને ૮૦ રનમાં બે અને શાકીબ અલ હસને ૬૮ રનમાં બે વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here