ઇન્ટેન્શન અને એટેન્શન આપણી લાઇફને અર્થ સમૃદ્ધ બનાવે છે?

0
1021

વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર પિકાસો પાસે આવીને એક વખત તેના મિત્રોએ તેને કહ્યું, મિત્ર પિકાસો! તમારાં કેટલાંક અદ્ભુત ચિત્રોની નકલ કરીને કેટલાક નવોદિત ચિત્રકારો બજારમાં વેચી રહ્યા છે અને હજારો ડોલરની કમાણી કરી રહ્યા છે. તમારે એવા નવોદિત ચિત્રકારો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, તેમને પનિશમેન્ટ મળે એવું કંઈક કરવું જોઈએ!
ચિત્રકાર પિકાસો બે ઘડી પોતાના હિતેચ્છુ મિત્રો સામે જોઈ રહ્યા અને પછી તેમણે શાંત સ્વરે જવાબ આપ્યો, ઓહો! એમ વાત છે? નવોદિત ચિત્રકારો મારાં ચિત્રોની નકલ કરી રહ્યા છે?
હા, આવા નકલખોરોને કોપીરાઇટ એક્ટ હેઠળ કાયદેસર પનિશમેન્ટ મળે તેવું કંઈક કરવું જોઈએ! મિત્રોએ સહેજ ગુસ્સામાં કહ્યું.
પિકાસોએ કહ્યું, મિત્રો! મારાં ચિત્રોની નવોદિત ચિત્રકારો નકલ કરી રહ્યા છે એનો અર્થ એવો થયો કે મારાં ચિત્રો હજી એટલાં પાવરફુલ નથી કે જેની નકલ ન થઈ શકે! મારે એ નવોદિત ચિત્રકારો સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે મારાં ચિત્રોની ક્વોલિટી સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમ તમને નથી લાગતું? હવેથી હું એવાં ચિત્રો તૈયાર કરીશ કે જેની નકલ કોઈ કરી જ ન શકે!
આવી મહાનતા માત્ર કોઈ સાચો કલાકાર જ બતાવી શકે! પોતાની મોટાઈનાં પોટલાં ઊંચકીને ફરનારા ફાલતુ લોકોને આવી વિનમ્ર મહાનતા ક્યાંથી પરવડે?
કેટલાક લોકો કામ ઘણું ઓછું કરતા હોય છે, અને તેમના કોઈ પણ કામમાં કશો ભલીવાર પણ હોતો નથી એનું કારણ શું હોય છે? તેમનું એટેન્શન પોતાના તરફ બીજા લોકોનું એટેન્શન છે કે નહિ એની દરકાર પાછળ જ ભટકતું હોય છે. પોતાના તુચ્છ અને ફાલતુ કાર્યને પણ માર્કેટિંગ કરીને મહાન અથવા ભવ્ય બતાવવાનો પુરુષાર્થ કરવામાં તેમની મોટા ભાગની શક્તિ ખર્ચાઈ જતી હોય છે. એટલે એમના કામમાં ન તો ભલીવાર આવે છે, ન તો કામ યોગ્ય રીતે અને યોગ્ય સમયે સંપન્ન થાય છે.
કોઈ પણ કામની સફળતા અને પ્રસન્નતાનો આધાર જે તે કામ કરવા માટેના ઇન્ટેન્શન અને એટેન્શન પર હોય છે. ઇન્ટેન્શન ચોવીસ કેરેટનો નહિ હોય તો કોઈ પણ કાર્ય કર્યાનો આનંદ કે સંતોષ નથી જ મળતો. કોઈ નોકરિયાત માણસ પોતાની નોકરીના એક ભાગરૂપે જ કોઈ કાર્ય કરતો હોય છે ત્યારે એનું એ કાર્ય માત્ર વેઠ અને વૈતરું બની રહે છે. સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ઓફિસ-અવર્સ દરમિયાન તે પોતાની દરેક ફરજ તો નિભાવે જ છે, પરંતુ એથી એને જે આનંદ અને સંતોષ મળવા જોઈએ તે નથી મળતા. પરિણામે તે થાકી – કંટાળી જાય છે અને જીવનમાં હતાશા અનુભવે છે.
આપણે જ્યાં નોકરી કરતા હોઈએ ત્યાં માત્ર નોકરી કરીએ છીએ એ રીતે નહિ, પરંતુ પોતાનું જ કામ કરી રહ્યા છીએ એવી ભાવનાથી એ કામને ઉત્કૃષ્ટ રીતે પાર પાડવાની નિષ્ઠા પણ હોવી જોઈએ. પોતાનો ધર્મ નિભાવી રહ્યા છીએ એવી ભાવનાથી પોતાનું કાર્ય કરવાથી કાર્ય શોભી ઊઠે એવી ગુણવત્તાવાળું થશે.
આપણે લાઇફમાં કેટલાં બધાં કામ શુદ્ધ ઇન્ટેન્શન વગર કરતા હોઈએ છીએ! ક્યારેક માત્ર વટ મારવા માટે તો ક્યારેક બીજા લોકોને બતાવવા માટે જ આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે સાવ અંગત સ્વાર્થ માટે કોઈનું કામ કરતા હોઈએ છીએ. જે કામનો ઇન્ટેન્શન ખુદની પ્રસન્નતા અને જીવનની સાર્થકતા હોય એ જ કામ આપણને સફળતાના શિખર સુધી લઈ જાય છે. બીજા લોકોના કામની ટીકા કરવાનું આપણને જેટલું સહેલું લાગે છે તેટલું પોતાના કાર્યને તટસ્થપણે અવલોકવાનું ભાગ્યે જ આપણને આવડતું હોય છે.
આજના યુગના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે એક વખત અભિનેતા નસીરુદ્દીન શાહે કહેલું કે અમિતાભ બચ્ચન ગમે તેટલા મહાન કલાકાર કહેવાતા હોય, પરંતુ તેઓ માત્ર પ્રોફેશનલ એક્ટર છે. એટલે સાર્થક સિનેમામાં તેમનું ખાસ પ્રદાન ન કહી શકાય. આ ઘટના પછી કોઈકે અમિતાભ બચ્ચનને તેમની પ્રતિક્રિયા આપવા કહ્યું ત્યારે અમિતાભ બચ્ચને પોતાની ફિઝિકલ અને કલાત્મક હાઈટને શોભે એવો જવાબ આપ્યો હતો કે, નસીરુદ્દીન શાહ જેવા મહાન કલાકારના સ્ટેટમેન્ટ બાબતે હું શી પ્રતિક્રિયા આપું? ખરેખર, એમના સ્ટેટમેન્ટ અંગે મારે આત્મમંથન અને આત્મચિંતન જ કરવાનું હોય!
જેમને પોતાના કામની ક્વોલિટી પર ભરોસો હોય છે અને જેમણે નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવ્યું હોય છે તેવા લોકો બીજાઓની ટીકાથી ક્યારેય ડરતા નથી કે વ્યથિત પણ થતા નથી. સાચો કલાકાર પોતાની કલાને વફાદાર રહે છે એમ મહાન માણસો પોતાના ઇન્ટેન્શનને વફાદાર રહે છે. લોકો દ્વારા થતી ટીકાઓની તેમને પરવા હોતી નથી.
એ વૈજ્ઞાનિકનું નામ તો અત્યારે યાદ નથી રહ્યું, પરંતુ એક બહુ જ જાણીતા વૈજ્ઞાનિકના જીવનની આ સત્યઘટના છે. એમ કહેવાય છે કે એ વૈજ્ઞાનિક જ્યારે પોતાની પ્રયોગશાળામાં કામ કરતા હોય અથવા નવા કોઈ પ્રયોગ વિશે સંશોધન કરતા હોય ત્યારે તેમને ખાવા-પીવાનું પણ યાદ આવતું નહોતું! એ વૈજ્ઞાનિકે પોતાની પત્નીને કહી રાખ્યું હતું કે હું જ્યારે પ્રયોગશાળામાં હોઉં ત્યારે મને ભોજન માટે બોલાવવાનો નહિ. તમારે મારી થાળી પીરસીને પ્રયોગશાળામાં ટેબલ પર મૂકી જવી. વૈજ્ઞાનિકની પત્ની હંમેશાં વૈજ્ઞાનિકની સૂચના મુજબ ભોજનના સમયે થાળી પીરસીને પ્રયોગશાળામાં એક ટેબલ પર મૂકી આવતી હતી.
એ વૈજ્ઞાનિકનો એક મિત્ર જરા ટીખળી હતો. એને આ વાતની ખબર પડી. મિત્રને વૈજ્ઞાનિકની એકાગ્રતાની કસોટી કરવાનું મન થયું, એટલે એક વખત ભોજનના સમયે તે તેના ઘરે પહોંચી ગયો. વૈજ્ઞાનિકની પત્નીને તેણે કહ્યું કે આજે તમે ભોજનની થાળી તૈયાર કરીને મને આપો. એ થાળી લઈને હું પ્રયોગશાળામાં જઈશ અને તેના ટેબલ પર મૂકી આવીશ.
મિત્ર પીરસેલી થાળી લઈને પ્રયોગશાળામાં ગયો. એણે ટેબલ ઉપર થાળી મૂકતાં પહેલાં બધું જ ભોજન પોતે જમી લીધું! ટેબલ પર ખાલી અને એઠી થાળી મૂકી. પછી એક દરવાજા પાછળ છુપાઈને ઊભો રહ્યો. વૈજ્ઞાનિક હવે ખાલી અને એઠી થાળી જોઈને કેવી પ્રતિક્રિયા કરે છે એ જોવા મિત્ર ઉત્સુક હતો.
થોડી વાર પછી પેલા વૈજ્ઞાનિક મહાશયને ભૂખ લાગી એટલે થાળી મૂકેલી હતી તે ટેબલ પાસે આવ્યા. ખાલી અને એઠી થાળી જોઈને વૈજ્ઞાનિક વિચારમાં પડી ગયા. તેમને થયું કે, અરેરે! આજે મને મારા કામમાં એકાગ્રતા હોય તેમ લાગતું નથી! આ એઠી અને ખાલી થાળી જોતાં એ વાત તો પુરવાર થઈ ગઈ કે થોડીક વાર પહેલાં જ મેં ભોજન કરી લીધું છે અને છતાં આજે મને ફરીથી ભૂખ કેમ લાગી! વૈજ્ઞાનિકના હાવભાવ પરથી અને તેમના ધીમા ઉદ્ધાર પરથી મિત્ર આખી વાત સમજી ગયો. એને ખૂબ નવાઈ લાગી કે વૈજ્ઞાનિક પોતે તો ભૂખ્યા જ હતા અને છતાં એઠી થાળી જોઈને પોતે જમી લીધું છે એવું માની લીધું હતું! વૈજ્ઞાનિક પોતાના કામમાં એવા તો કેવા એકાગ્ર રહેશે કે પોતે ભોજન કર્યું છે કે નહિ તેનું પણ સ્મરણ ન રહ્યું!
આપણે તો ઈશ્વરની પ્રાર્થના કરવામાં પણ આટલી એકાગ્રતા અને નિષ્ઠા રાખતા નથી, પછી એવી પ્રાર્થનાઓ કઈ રીતે ફળે?
જે કાર્યમાં પારદર્શક ઇન્ટેન્શન અને પ્રબળ એટેન્શન હોય એ કામ સફળ થયા વગર ક્યારેય રહેતું નથી. એટલું જ નહિ, એ કાર્યની ક્વોલિટી પણ એવી ઉત્તમ હશે કે દુનિયા આપણને લાઇફટાઇમ યાદ કરતી રહે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here