ફિલસૂફીથી મન બહેલાવી શકાય, પરંતુ જીવવાનો આધાર આચરણ ઉપર રહેલો હોય છે

0
1103

ઘણી વાર કેટલાંક વિધાનો તહોમતનામા જેવાં હોય છે, જેમ કે હમણાં જ જાહેર સેવાભાવી સંસ્થાનું સંચાલન કરતા એક સજ્જને કહ્યું,
લોકોને વિકાસમાં રસ જ નથી. કામ કરવું નથી, બસ મફતમાં બધું મેળવવું છે.
એમનો બળાપો મુખ્યત્વે આમ લોકો તરફ હતો. એમાં કંઈ તથ્ય નહિ જ હોય એવું પણ નથી, કેમ કે એમની સંસ્થા ખૂબ જ નિષ્ઠાપૂર્વક અમુક ચોક્કસ વિસ્તારોમાં ઘણું પથદર્શક કામ કરી રહી છે. એ પછી વળી બીજા મોરચે એમણે સરકાર અને અન્ય કચેરીઓના સાથસહકાર માટે પણ વસવસો વ્યક્ત કર્યો. આમ એમના વાર્તાલાપમાંથી કેવળ તહોમતના મુદ્દાઓ જ ટપકતા રહ્યા.
એક શિક્ષક વિદ્યાર્થીઆલમ માટે કહી રહ્યા હતા.
હવે કોઈને મહેનત કરવી નથી. બધા શોર્ટ કટ શોધે છે, હકીકતમાં કઠોર પરિશ્રમ સિવાય વિદ્યાના ક્ષેત્રમાં સફળતા મળતી નથી.
એમનાં વિધાનોમાં બળાપા સાથે ઉકેલ પણ હતો. મૂલતઃ શિક્ષક હોવાના કારણે ભલે આક્રોશમય ભાષા હોય, પરંતુ એમાં સમાજ માટેની ખેવના અને નિરાકરણ તો આવી જ જાય!
સંતાનો કહ્યામાં નથી. નવી પેઢીમાં કંઈ ગંભીરતા જેવું રહ્યું જ નથી. અમારા જમાનામાં લોકો કેટલી જવાબદારી નિભાવતા.
વડીલોનું આવું તહોમતનામું એ વળી એક કાયમી બાબત હોય છે. ઘણી વાર આવાં નિદાનો પછી તરત જ સલાહભરી વાતનું ઉમેરણ પણ આવતું હોય છે.
ખરેખર લોકોએ મહેનત કરવી જોઈએ.
શિક્ષક શિખામણ આપશે ભણવા માટે નિષ્ઠા અને ધીરજ જોઈએ.
વડીલો તો વળી ફિલસૂફની હદ જ વટાવી જશે.
જરા સંબંધોને સાચવતાં પણ શીખો…
આવી બાબતો થકી જ અને આવા વાણીવ્યવહારો થકી જ આપણો ઘટનાક્રમ ચાલતો હોય છે. એમાં કોઈકને કહેવાનો મનોભાવ, સલાહ આપવાની તાલાવેલી કે કેવળ તત્ત્વજ્ઞાની વાતો થકી સંવાદો ચાલતા રહે છે.
પૈસો તો હાથનો મેલ છે. એની પાછળ શું દોડવાનું, ભગવાને આપવું હશે તો કોણ રોકવાનું છે?
આવી વાત કરનાર પોતે કેટલા નિર્લેપ છે એની જો પૃચ્છા કરવામાં આવે તો ઘણી વાર આઘાત લાગે. ધનના કોઠાર ઉપર બેસીને આપણે કોઈક ભૂખ્યા માણસને એમ કહીએ કે મુઠ્ઠી ધાન માટે શું કામ જૂઠું બોલે છે? તો એ બાબત જેમ શોભતી નથી એમ ઘણી વાર જે બાબતનું અનુકરણ આપણે ના કરી શકતા હોઈએ એની અપેક્ષા કોઈ અન્ય પાસેથી રાખવી એ પણ એટલી જ પોકળ વાત હોય છે.
આપણા સમર્થ પુરુષોએ કહ્યું છે કે ભૂખે ભજન ના થાય ગોપાલા. અર્થાત્ જે માણસ હજી જીવનની પાયાની હાડમારીઓ કે મથામણોમાં અટવાયેલો હોય એને આપણે હિમાલયના સૌંદર્યની કે કોઈક મહાકાવ્યના રસદર્શનની વાતો કરીએ તો એનું પ્રત્યાયન ક્યારેય થઈ શકતું નથી. મોટા ભાગે આવા કિસ્સામાં આપણું એ વલણ અરણ્યરુદન સમાન બની રહેતું હોય છે અને આવું કેમ બને છે એ જોવાના બદલે આપણો પ્રતિભાવ હોય છેઃ
મારું સાંભળે છે કોણ?
આવી હતાશ કે અસહાય સ્થિતિ માટે જવાબદાર જો કોઈ બાબત હોય તો એ આપણી પોતાની માન્યતાઓ અથવા અમુક પરિવેશ પ્રત્યેની આપણી આસક્તિ હોય છે. મનુષ્યમાત્ર સ્વભાવથી એકાંગી પ્રકૃતિ ધરાવે છે. મોટા ભાગે આપણે સૌ સ્વકેન્દ્રી વલણ ધરાવીએ છીએ. સ્વાર્થ તો કોને ના હોય? એવી ડહાપણભરી હૈયાધારણા થકી આપણે નિજી સ્વાર્થ અથવા મનગમતી હકીકતોને પંપાળતા રહીએ છીએ. આપણા ઘરની આજુબાજુ આપણા થકી થતો કચરો કે ગંદકી આપણે જોઈ શકતા નથી, પરંતુ આખા શહેર માટે મ્યુનિસિપાલિટી અથવા નાગરિકોએ શું કરવું જોઈએ એની આખી સલાહ યાદી આપણી પાસે હોય છે. ઘણા તો વળી વિદેશની વાતો કરી પોતાના અનુભવો ટાંકીને આ બાબત રોચક સ્વરૂપે કહેતા હોય છે.
હમણાં અમે દુબઈ ગયા હતા. ત્યાં શહેરમાં પાનની પિચકારી મારનારને મિનિટોમાં મોટો દંડ થઈ જતો અમે નજરે જોયું હતું…!
આવું કહેનાર જો આપણા દેશમાં કોઈ ટ્રાફિક સાચવનાર કર્મચારી નાગરિક સમક્ષ કડકાઈથી કામ લેતો હોય તો તરત પ્રતિભાવ આપશે.
આવી નાનીમોટી ભૂલ તો થયા કરે. જવા દો ને સાહેબ.
ક્યારેક આત્યંતિક બનીને એવું પણ કહે કે, મોટા-મોટા માણસોની મોટી ભૂલો માટે તો તમે કશું નથી કરતા અને નાના માણસોને દબડાવો છો?
બે પરિસ્થિતિમાં મુકાયેલો એક જ માણસ ઘણી વાર પરસ્પરવિરોધી છેડાની વાત રજૂ કરે છે. ફિલસૂફી આપનાર ભાગ્યે જ આ વાતની દરકાર રાખે છે. આપણે સૌ એવું માનીએ છીએ કે જે કંઈ સારી બાબતોનો અમલ કરવાનો હોય કે જે કંઈ કામ કરવાનું હોય છે એ હંમેશાં સામેની વ્યક્તિએ જ કરવાનું હોય છે. આપણે જાણેઅજાણે વ્યાસપીઠ ઉપર બેસી જતા હોઈએ છીએ અને આ રીતે પ્રચારક કે સલાહકારની ભૂમિકાએ સ્વયં
પ્રસ્થાપિત માણસ હંમેશા મોટી-મોટી વાતો કે નાની અમથી વાતોની નિષ્ફળતા થકી બીજાને ટપારતો રહે છે. હકીકતમાં એમાં પણ એક પ્રકારનો પલાયનવાદ રહેલો હોય છે!
વિજ્ઞાનમાં એક સામાન્ય નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને એકસમાન હોય છે. જીવનમાં પણ એટલો જ લાગુ પડે છે. કેવળ આભાસી વાતો કે આકાશને આંબતી હવાઈ કિલ્લા જેવી પારદર્શક વાતોની સામે જો આપણું આચરણ શૂન્ય હોય તો ચોક્કસ વિચારોનો ફુગાવો ઉદ્ભવતો હોય છે, જેમાં ચલણની માફક શબ્દોનું પણ મૂલ્ય રહેતું નથી. જે શબ્દો અસરકારક લાગવા જોઈએ એના બદલે એ ખોખલા અને બોદાપણાનો અનુભવ કરાવે છે. સ્વામી સચ્ચિદાનંદ આપણા ક્રાંતિકારી વિચારક છે. એમણે એક મૌલિક નિરીક્ષણ આપ્યું છે. એમના મતે,
જે પ્રજા મોટા આદર્શો કે મહાન બાબતોનું જ કેવળ ચિંતન કરે છે એ દુનિયાની સૌથી નમાલી પ્રજા પુરવાર થાય છે.
આ વિધાનમાં સાતિ્ત્વક આક્રોશ સાથે એક નિદાન પણ રહેલું છે. આપણે બીજાને પ્રેરણા આપવાની કે બીજાના માર્ગદર્શક બનવાની જેટલી ઉધમાત કરતા રહીએ છીએ એના બદલે આપણને મળેલું કામ બરાબર કરતા રહીએ કે આપણો નાગરિક ધર્મ વ્યવસ્થિત બજાવતા રહીએ તો પણ ઘણી વખત આપણા બોલાયેલા શબ્દો કરતાં ઘણી વ્યાપક અસર થતી હોય છે.
આચરણ કે પુરુષાર્થ વગરના શબ્દોનું કોઈ મૂલ્ય હોતું નથી. જેમ ધોળો અને આકર્ષક લાગતો બગલો કોઈને પ્રેરણા આપી શકતો નથી, જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધ કાળી કોયલ પોતાના મધુર કંઠ થકી ગાવાનો પુરુષાર્થ કરી આપણને આનંદ આપવાનું કામ કરે છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here