આજે માણીએ વિચારોનું પંચામૃત

0
908

1. વિચારોનો ઓવરડોઝઃ
કેટલાક લોકો પોતાના ચોક્કસ ફેવરિટ વિષય પર વારંવાર એકતરફી વિચારોની ઊલટીઓ કરતા રહે છે. એ વિચારો ગમે તેટલા સારા હોય (અને સાચા પણ હોય) તો પણ વારંવાર એની રજૂઆત થાય ત્યારે સાંભળનારને અને વાંચનારને બોરિંગ લાગે છે. તમે માર્ક કર્યું હશે કે કેટલાક લોકો સતત સ્ત્રીઓની વિરુદ્ધમાં પોતાનો બકવાસ કર્યા કરતા હોય છે. કેટલાક લોકોનું ઝનૂન નવી પેઢીને ધિક્કારવામાં જ વેડફાતું રહેતું હોય છે. કેટલાક લોકો માત્ર અને માત્ર પોલિટિક્સની પોલંપોલ વિશે તો કેટલાક લોકો આજના ‘બગડી ગયેલા’ શિક્ષણ વિશે અથવા તો આજે તો કેવો હળહળતો કળિયુગ આવ્યો છે તે વિશે પોતાના એકતરફી વિચારોનું વોમિટિંગ કરતા રહે છે. અલ્ટિમેટલી એવું બને છે કે લોકો એમના વિચારો સાંભળવા કે વાંચવાની સહનશક્તિ ખોઈ બેસે છે. સૌ એમને દૂરથી જોઈને જ તેમનાથી દૂર ભાગે છે!
કોઈ પણ વિષય પર વિચારોનો એકતરફી ઓવરડોઝ ન થવો જોઈએ. જ્યારે પણ એવો ઓવરડોઝ થાય છે ત્યારે એ ત્રાસરૂપ બની જાય છે. આપણે ક્યાં નથી જાણતા કે ‘અતિ સર્વત્ર વર્જયેત્?’
જ્યારે આપણે કોઈ પણ બાબતે ઓવરડોઝના શિકાર બનીએ છીએ ત્યારે આપણને ખૂબ ગમતી અને આપણને ખૂબ ભાવતી ચીજ પણ અણગમતી અને ત્રાસદાયક બની જાય છે!
વક્તા હોય, વિચારક હોય કે લેખક હોય; એણે પોતાના કોઈ પણ ફેવરિટ વિષયને સાર્વત્રિક સ્વીકૃતિ અપાવવી હોય તો એની અભિવ્યક્તિ પારદર્શક બનાવવા ઉપરાંત તેનો ઓવરડોઝ ન થઈ જાય તેની તકેદારી રાખવી અનિવાર્ય છે.
2. તાજગીની દીક્ષાઃ
મને લાગે છે કે હવે બહુ નિકટના ફ્યુચરમાં મોક્ષની, સ્વર્ગ અને વૈકુંઠની વાતો કરનારા સાધુઓ આઉટડેટેડ અને અનવોન્ટેડ બની જશે! તેમનો ઉપદેશ સાંભળવા કોઈ તૈયાર જ નહિ હોય! હવેની જનરેશન એવા સાધુઓનો ઉપદેશ સાંભળવા ઝંખે છે, જેમની પાસેથી શુષ્ક વ્રત-તપની નહિ, કિંતુ સંસારધર્મની રળિયામણી વાતો સાંભળવા મળતી હોય! તર્કહીન તત્ત્વજ્ઞાનની ગલીઓમાં ગુમરાહ કરવાને બદલે જીવનને તાજગીની દીક્ષા આપવાની વાત કરતા હોય!
સંસારને મિથ્યા સમજનારા અને કહેનારા લોકો સ્વયં હવે મિથ્યા પુરવાર થઈ જશે, કારણ કે સંસાર અને સમાજ તો પ્રત્યક્ષ વાસ્તવિકતા છે, જ્યારે મોક્ષ-વૈકુંઠ વગેરે માટે તો કવિ મિર્ઝા ગાલિબની વાત જ નોંધવી પડેઃ ‘દિલ કો બહેલાને કે લિયે, ગાલિબ યે ખ્યાલ બહુત અચ્છા હૈ!’
3. અણઘડ પત્રકારત્વઃ
કશીયે લાયકાત વગર બની બેઠેલા કેટલાક પત્રકારો સમાજમાં રોફ મારી શકાય એવા એકમાત્ર ઉદ્દેશથી સાવ મફતના ભાવે મિડિયા સાથે જોડાઈને મિડિયા-માલિકોની ચરણચંપી કરતા હોય છે. તમે કોઈ પણ ગુજરાતી ન્યુઝચેનલના પત્રકારને અથવા ન્યુઝરીડરને જોશો તો તમને આ લખાણની નીચે તમારી સહી કરી દેવાનું ચોક્કસ યોગ્ય લાગશે. જે તે ઘટનાસ્થળે જઈને રિપોર્ટિંગ કરતા ગુજરાતી ન્યુઝચેનલના પત્રકારોની ભાષા અને તેમના હાવભાવ જોઈએ ત્યારે તેમના પર માત્ર દયા નથી આવતી, પણ નફરત થાય છે. કેવા સંજોગોમાં કઈ વ્યક્તિ સાથે કેવા સવાલ-જવાબ કરવા એની સહેજ પણ ત્રેવડ ન ધરાવનાર પત્રકાર શાનો? વળી દેખાવમાં કદરૂપો, ભાષાકીય દષ્ટિએ તદ્દન અણઘડ પત્રકાર જ્યારે એલફેલ સવાલો ફેંકતો હોય છે ત્યારે આપણને ભાષા, સમાજ, પત્રકારત્વ અને આપણા ફ્યુચરની થતી અવદશા જોઈને અફસોસ થયા વગર રહેતો નથી. એમાંય ડિબેટ કરવા બેઠેલી એન્કર પોતાની જાતને જજ સમજી લઈને, ડિબેટમાં બેઠેલા મહેમાનોને રીતસર બાનમાં જ લેવા મથતી હોય ત્યારે એ કેવી ભૂંડી અને કદરૂપી લાગે છે એનો કદાચ એને ખ્યાલ પણ નહિ રહેતો હોય! પણ એડિટરને તો આ બધાની સૂઝ હોવી જોઈએને!
4. હું બાળદીક્ષાની ફેવર કરવા તૈયાર નથી!ઃ
બાળદીક્ષામાં બાળકની સંમતિ હોય છે, પણ સમજણ નથી હોતી! અને કોઈની સમજણ વગરની સંમતિનો લાભ લેવો કે તેનો ઉપયોગ કરી લેવો એ મારી દષ્ટિએ અનૈતિક છે, પાપ છે.
બાળદીક્ષા માટે સંમતિ આપનારા બાળકનાં પેરેન્ટ્સ પણ પ્રબુદ્ધ હોય છે કે નહિ એ અભ્યાસનો વિષય છે. કેટલાંક પેરેન્ટ્સ વહેમ, અંધશ્રદ્ધા અને મિથ્યા અહોભાવને કારણે પોતાના બાળકને દીક્ષા અપાવે છે, તો ક્યારેક અંગત સ્વાર્થ માટે અને પ્રસિદ્ધિ માટે પણ પોતાના સંતાનને દીક્ષા અપાવવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. આ બાબત વિશે તટસ્થ અભ્યાસ થવો જ જોઈએ.
ખરેખર તો બાળદીક્ષાને અટકાવવા માટે સુજ્ઞ અને વિચારશીલ જૈનોએ આગળ આવવાની જરૂર છે. યુવાન વય પછી જ દીક્ષા લઈ શકાય અથવા દીક્ષા આપી શકાય એવો સાર્વત્રિક નિયમ કરવાની જરૂર છે. સુજ્ઞ જૈનો વિરોધથી ડરે છે અને વિચારશીલ જૈનો ખોટી ઝંઝટમાં પડવાનું પસંદ નથી કરતા, એટલે બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે?
મારો તો બસ એક જ મુદ્દાનો કાર્યક્રમ છેઃ કોઈ પણ વ્યક્તિએ દીક્ષા લેવી હોય તો તેણે એટલીસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલી વ્યક્તિ દીક્ષા લેશે તો તે શાસ્ત્રોનો અર્થ પણ બરાબર સમજશે અને ધર્મનો મર્મ પણ સમજશે તથા સૌને સમજાવી શકશે. તે ઉપરાંત તેની ઉંમર પણ પુખ્ત થઈ ગઈ હશે એટલે શરીરના આવેગો અને કુદરતી બાબતોને સમજ્યા પછી જ તેણે દીક્ષા લીધી હશે. સંસાર માંડવા માટે જેમ પુખ્તવય જરૂરી છે તેમ સંસાર છોડવા માટે પણ પુખ્તવય જરૂરી છે એવું હું સ્પષ્ટ માનું છું.
5. ઘરની ઓળખઃ
સંસારમાં કેટલાક શ્રીમંતો પાસે રહેવા માટે પથ્થરની ભવ્ય અને વિશાળ હવેલીઓ હોય છે. એ હવેલીઓ બહારથી જેટલી શુષ્ક હોય છે એટલી જ ભીતરથી પણ નિજીર્વ અને ભેંકાર-સૂમસામ હોય છે. કેટલાક શોખીન શ્રીમંતો કાચના રંગબેરંગી શીશમહેલમાં વસતા હોય છે. એ શીશમહેલ બહારથી ખૂબ ભવ્ય અને રળિયામણા લાગતા હોય છે, પરંતુ ભીતરથી તો નાજુક ધક્કાથી પણ સતત ડરતા રહેતા હોય છે.
તો કેટલાક ગરીબો પાસે સૂકા ઘાસનું માત્ર ઝૂંપડું હોય છે. એ ઝૂંપડું બહારથી ખાસ્સું ઉષ્માસભર હોય છે પરંતુ એ પણ ભીતરથી આંધી-તોફાનનો મુકાબલો કરવા પોતે સમર્થ નથી એના અજંપામાં રિબાતું રહેતું હોય છે.
ઇનશોર્ટ, બહારની ભવ્યતા સાથે ભીતરનો ભય અને બહારના ખરબચડા આનંદની સાથે ભીતરનો અજંપો ‘બાય વન ગેટ ટુ’ની જેમ એકસાથે એક ફ્રી મળે છે!
લાઇફની આ સચ્ચાઈ છે. તમારી પાસે ગમે તેટલાં વૈભવ અને સત્તા હોય, છતાં ક્યાંક તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે! અહીં કોમ્પ્રોમાઇઝ કરવું એટલે સરેન્ડર થવું એવો અર્થ નથી, પણ છેલ્લા શ્વાસ સુધી ખુમારીપૂર્વક ઝઝૂમવું એ અર્થ છે. જે ઝઝૂમે છે એ જ અલ્ટિમેટલી જીતે છે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here