અમદાવાદમાં ૩૧મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ

અમદાવાદઃ અમદાવાદમાં સાતમી જાન્યુઆરી, ૨૦૨૦થી ૩૧મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ ૭થી ૧૪ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવ્યો છે. આ પતંગ મહોત્સવમાં ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાનારા આ પતંગ મહોત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજો અને ગુજરાત સહિત ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમયે સોલા ભાગવત વિદ્યાપીઠના ૨૦૦ ઋષિ કુમારોએ સૂર્યવંદના કરી છે અને અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે. ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારા આ પતંગ મહોત્સવમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ વર્ષે વાતાવરણમાં ભારે પલટાને કારણે પતંગરસિયાઓની ઉત્તરાયણ બગડે એવાં એંધાણ છે. હવામાનની આ વિશેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. ૧૪મી જાન્યુઆરીએ વાદળો રહેશે તો પવન પણ મધ્યમ રહેશે. આ કારણે પતંગરસિકો નિરાશ થશે. જોકે ૧૫મી જાન્યુઆરીએ પવન સારો રહેશે.
પતંગોત્સવના પ્રારંભમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના વક્તવ્યમાં લોકોને જાતિના ભેદભાવથી દૂર રહીને સાથે રહીને સંયુક્ત રીતે એકતાપૂર્વક આ તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. પોતાના વક્તવ્યમાં વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે વિરોધીઓને કોઈ મુદ્દો ન મળતો હોવાના કારણે તેઓ તહેવારની ઉજવણીને તાયફા ગણાવીને ખોટો વિરોધ કરે છે. પતંગ મહોત્સવ જેવી ઉજવણીને પ્રોત્સાહન આપવાને કારણે જ રાજ્યના પતંગ ઉદ્યોગમાં અનેકગણો વિકાસ થયો છે અને લાખો લોકોને રોજગારી મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here