અમદાવાદમાં પરમધામ પાટોત્સવની વિશેષ ઉજવણી કરાઈ

 

અમદાવાદઃ ચાર દાયકાથી અમદાવાદમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની બરાબર સામે આવેલા જ્ઞાન અને વિજ્ઞાનના સંગમના પ્રતીકરૂપ પરમધામ મંદિરના નવનિર્માણને ત્રણ વર્ષ પૂરાં થવાના અવસરે ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરી એમ ત્રણ દિવસ વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિશ્વભરમાં ૩૩૦થી વધુ કેન્દ્રો ધરાવતા ચિન્મય મિશનના અમદાવાદ કેન્દ્રના આ મંદિરમાં ૧૬મીએ ચિન્મય અષ્ટોત્તર હવન, ગુરુપૂજા અને સંપૂર્ણ ગીતા પારાયણ સાથે પાટોત્સવની ઉજવણીનો આરંભ થયો હતો. 

૧૭મીએ વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણની ઉત્સવમૂર્તિ સુંદર સજાવેલી પાલખીમાં બિરાજમાન થઈને પ્રભાતફેરી નીકળી હતી. ઠેર ઠેર ભક્તોએ આરતી અને નૈવેદ્ય સાથે ભગવાનનું સ્વાગત કર્યું હતું અને કૃષ્ણકીર્તન અને નૃત્ય સાથે ભગવાનને વધાવ્યા હતા. સાંજે પરમધામ પરિસરમાં ભાવિકો તરફથી આનંદમેળો યોજાયો હતો અને ૧૫૦૦થી વધુ લોકોએ એની મોજ માણી હતી. એમાં ખાણીપીણીના સ્ટોલ્સ, અવનવી ગેમ્સ, બાલવિહારનાં બાળકોએ બનાવેલાં હેન્ડિક્રાફ્ટ્સ અને બાળકો માટે ખાસ સ્ટોરી સેશન હતાં. આનંદમેળાથી જે પણ ભંડોળ એકઠું થયું એ પરમધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે અર્પણ કરી દેવામાં આવ્યું હતું. 

આ વર્ષે પાટોત્સવ દરમિયાન એક સર્જનાત્મક હરીફાઈ પણ યોજવામાં આવી હતી. મોબાઇલ ગેમ્સ અને ગેજેટ્સ સાથે મોટા ભાગનો સમય વિતાવતાં આજનાં બાળકોમાં રહેલી સર્જનશક્તિ ખીલે અને તેને વ્યક્ત કરવા પ્લેટફોર્મ મળે એવા ઉદ્દેશથી ફનીએસ્ટ જોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પાટોત્સવના અંતિમ દિવસે સવારે વિધિવિધાનથી ભાવપૂર્વક પાટોત્સવ પૂજા કરવામાં આવી હતી અને સાંજે સ્વરાંજલિ ટીમના સભ્યો દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી પરમધામ સાથે દાયકાઓથી સંકળાયેલા મહાનુભાવો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. એમાં ચિન્મય મિશનની સ્થાપના જેની પ્રેરણાથી થઈ એ પ્રખર વેદાંતી સ્વામી ચિન્મયાનંદજીનાં જ્ઞાન અને તેમના અથાક કાર્યો વિશેનાં સંભારણાંઓ યાદ કરાયાં હતાં અને પાટોત્સવની પૂર્ણાહુતિએ ખાસ પ્રસાદરૂપે સ્વામી તેજોમયાનંદજીના લિખિત આશીર્વાદ મેળવીને સૌએ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here