ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છેઃ શ્રીમદ્ રાજચંદ્ર

0
1576

ગુજરાતના ભાલપંથક વટામણ ગામના ભાવસાર પરિવારના યુવાન લલ્લુજી કૃષ્ણદાસ પાંડુપિત (એનિમિયા)ની ગંભીર બીમારીમાં સપડાયા. સર્વ ઉપચાર કારગત ન નીવડતાં અને આ બીમારીમાંથી ઊગરી શકવાની કોઈ આશા ન રહેતાં લલ્લુજીએ પ્રતિજ્ઞા કરી કે જો હું આ બીમારીમાંથી ઊગરી જાઉં તો દીક્ષા લઈ જૈન સાધુ બનીશ. કુદરતને કરવું તે સાવ સાધરણ દવાનાં પડીકાંથી લલ્લુજી સાજા થઈ ગયા. એટલે લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે લલ્લુજી અને તેમના પડોશી મિત્ર દેવકરણજીએ ખંભાત સંપ્રદાયના જૈન મુનિ હરખચંદજી પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પછી લલ્લુજી અને દેવકરણજી મુનિ શાસ્ત્રાભ્યાસ, સ્તવન-ભક્તિપદો મુખપાઠ કરવામાં અને ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યા. લલ્લુજી મુનિ ખાસ કરીને ઉપવાસાદિ તપશ્ચર્યાની વિશેષ આરાધના કરતા. લલ્લુજી મુનિએ સળંગ પાંચ વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા. એક સમયે તો તેમણે સળંગ 17 દિવસના ઉપવાસ કર્યા. મુનિ લલ્લુજી તેમની સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવથી સકળ સંઘમાં તથા સમાજમાં લોકપ્રિય થયા. આત્મજ્ઞાની શતાવધાની શ્રીમદ્ રાજચંદ્રનાં દર્શન અને સમાગમ બોધ થતાં જૈન મુનિ લલ્લુજી મહારાજનું જીવન પલટાઈ ગયું. ગૃહસ્થ એવા આત્મજ્ઞાની પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે અનન્ય ગુરુભક્તિના કારણે લલ્લુજીસ્વામી અને બીજા મુનિઓને ખંભાત સંપ્રદાયમાંથી બહાર મૂકવામાં આવ્યાં. છતાં સામા પક્ષ સાથે સહેજ પણ દ્વેષભાવ ન રાખ્યો. કોઈ જાતની માગણી કે તકરાર લલ્લુજી મહારાજ કે અન્ય મુનિઓએ કરેલી નહિ. એમની ઉદારતા અને નિઃસ્પૃહતાની આ છાપ બધા સાધુઓ પર સારી પડેલી. કષાયની વૃદ્ઘિ થાય તેવાં નિમિત્તો છતાં જાણે કંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી છૂટા પડી આત્મહિતમાં જ મશગૂલ રહ્યા. તે પછી ઝાઝો લોકસંપર્ક ન થાય તે રીતે સોજિત્રા સોનીની ધર્મશાળામાં ચાતુર્માસ પૂર્ણ કરી અમદાવાદ આવેલા. શ્રીમદ્જી અને ગુરુભાઈ દેવકરણ મુનિના સ્વર્ગવાસ પછી તો લલ્લુજી એકાંતમાં સાધના કરવા લાગ્યા.
દક્ષિણ ગુજરાતના વિહાર દરમિયાન તેઓ ઘણો સમય નજીકના જંગલમાં ગાળતા. માત્ર આહાર પાણી માટે જ ગામમાં આવતા. નરોડા, ધંધૂકા, વડાલી, ખેરાળુ, વસો, બોરસદ આદિ સ્થળોએ અને વિ. સ. 1966ના ચાતુર્માસ પાલિતાણા ક્ષેત્રે કર્યા. પાલિતાણા જતાં પહેલાં મહેતરાણા ક્ષેત્રની યાત્રા કરી ત્યાં તેમણે સ્થાનકવાસી સાધુનો વેશ બદલી નાખી ઓઘાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી બાંધવી બંધ કરી. વિ. સ. 1969માં વડવાના ચાતુર્માસ દરમિયાન સળંગ 19 દિવસ સુધી તેમણે આંખ મીંચ્યા વિના રાતદિવસ ભક્તિભાવમાં લીન રહ્યાં, જેથી અનેક આત્માઓ ભક્તિરંગમાં તરબોળ બન્યા. વારંવાર નમસ્કાર કરવાથી ઢીંચણનો દુઃખાવો પડ્યો અને વિહાર કરવામાં મુશ્કેલી છતાં શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિ ઉત્તરોત્તર વધતી જ ગઈ. તેમની આ અદ્ભુત અને અપૂર્વ ગુરુભક્તિથી જ રત્નરાજ સ્વામીએ તેમને લઘુરાજજી તરીકે સંબોધ્યા અને સર્વમાં પ્રભુશ્રી જોવાની દષ્ટિથી લોકોએ તેમને પ્રભુશ્રી તરીકે સંબોધ્યા. લઘુરાજ સ્વામીને વૃદ્ઘાવસ્થામાં સારણગાંઠ, હરસ વગેરે બીમારીઓને કારણે વિહાર કરવાનું સંભવ નહિ બને તે વિચારથી નારના રણછોડભાઈ પટેલ અને ભક્ત મુમુક્ષુઓએ આણંદ પાસે અગાસ ગામમાં લોકકલ્યાણના હેતુસર સ્થિરવાસ કરવાની વિનંતી કરી. સંદેસરના મુમુક્ષુ ભાઈ જીજીકાકાએ 1ર વીઘાંનું ખેતર આશ્રમ બાંધવા માટે ભેટમાં આપ્યું. અગાસમાં લઘુરાજ સ્વામીની છત્રછાયામાં આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ આ આશ્રમનું નામ રાખ્યું લઘુરાજ આશ્રમ, પરંતુ પોતાનું નામ કે સ્થાપના સરખી નહિ રાખવાની ઇચ્છાવાળા નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મુનિએ શ્રીમદજીના સ્થૂળ કીર્તિસ્તંભનું નામ શ્રી સનાતન જૈન ધર્મ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ રાખવાનું સૂચવતાં આ નામ રાખવામાં આવ્યું. શ્રીમદ્ રાજચંદ્ર વર્ષમાં થોડા મહિના એકાંત સ્થાનોમાં નિવૃત્તિ અર્થે ઈડર, ઉત્તરસંડા, રાળજ, કાવિઠા વગેરે સ્થળોએ જઈ નિવાસ કરતા. વિ. સં. 19પ4માં શ્રીમદ્ રાજચંદ્ર કાવિઠા ગામ જવા માટે અગાસ સ્ટેશન ઉપર ઊતરીને વેઇટિંગ રૂમમાં બિરાજ્યા હતા. કાવિઠાથી ડમણિયું આવતા બેઅઢી કલાકનો સમય લાગે તેમ હતું. આ સમય દરમિયાન શ્રીમદજી રેલવે સ્ટેશનની બહાર નીકળી હાલમાં જ્યાં આશ્રમ છે તે ભૂમિ ઉપર વિચરણ કર્યું હતું અને ધ્યાન પણ કર્યું હતું. અને તેમની સાથેના અંબાલાલભાઈ પટેલને જણાવ્યું હતું કે આ પુણ્યભૂમિ છે, તીર્થધામ થશે એમ લોકવાયકા છે. શ્રીમદ્ રાજચંદ્રે ભાખેલી ભવિષ્યવાણીને લલ્લુજી સ્વામીએ સાકાર કરી. શ્રી લઘુરાજ સ્વામીના યોગબળથી ક્રમે ક્રમે ભક્તોની શ્રીમદ્જી પ્રત્યેની ભક્તિ વધતી ગઈ. આશ્રમમાં જીવન અર્પણ કરનાર બ્રહ્મચારીઓ, બ્રહ્મચારિણી બહેનો માટે અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા, ભાવિક જિજ્ઞાસુઓ વ્રતનિયમ ધારણ કરી આશ્રમમાં કાયમ રહેવા લાગ્યા. ગૃહસ્થ છતાં વિરક્ત મુમુક્ષુઓ પણ વ્રતનિયમ ધારણ કરી સહકુટુંબ રહેવા લાગ્યા. આ રીતે આશ્રમમાં સોએક માણસોએ કાયમ રહીને સત્સંગ અને ભક્તિનું ધામ બનાવ્યું… પછી તો આશ્રમમાં વિવિધ વિભાગો સાકાર થતા ગયા. આજે તો અગાસ આશ્રમ એક મોટા તીર્થધામસમો બની ગયો છે. અને હવે તો પર્વ પ્રસંગે ચારેક હજારથી વધુ મુમુક્ષુ સાધકોથી આશ્રમ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભક્તિથી ગુંજી ઊઠે છે. આ ભૂમિના માહાત્મ્ય અંગે લઘુરાજ સ્વામીએ જણાવેલું કે, ‘આ આશ્રમમાં શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. તેઓ મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પુણ્યશાળી છે, પણ તે ઉપરથી દેખાય તેમ નથી, કારણ કે ધન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે છે.’
ચાલો આપણે આત્માના ઊંચા ભાવ પમાડતા આશ્રમનાં શબ્દચક્ષુથી દર્શન કરીએ. અગાસ રેલવે સ્ટેશને ઊતરીએ એટલે વટવૃક્ષોથી ઘેરાયેલા આશ્રમનો વિશાળ દરવાજો આપણું ધ્યાન ખેંચ્યાં વગર ન રહે. આ પ્રથમ પ્રવેશદ્વારમાં પ્રવેશીએ એટલે હરિયાળાં વિશાળ વૃક્ષોની હારમાળાથી ઘેરાયલા રસ્તા પર આગળ વધીએ અને બીજો દરવાજો આવે. આ દરવાજામાં પ્રવેશી આગળ જઈએ અને થોડુંક ચાલીએ ત્યાં ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે’ એવા લખાણવાળો આસોપાલવથી ઘેરાયેલો આકર્ષક દરવાજો અને તેના ઉપર અષ્ટકોણાકાર દેરીનાં દર્શન થાય. આ ત્રીજા પ્રવેશદ્વાર અંગે પ્રભુશ્રીએ જણાવ્યું છે કે, જેનું ઘણું પુણ્ય વધ્યું હશે તે જ આ દરવાજામાં પગ મૂકશે. અને જો તે અંદર આવી ગયો તો તેને ખબર ન પડે, પણ કંઈ ને કંઈ લઈ જશે. આ દરવાજામાં પ્રવેશ કરતાં સામે જ વરસો જૂનું રાયણનું ઝાડ, દેવવિમાન જેવું જિનમંદિર અને સભામંડપ (ભક્તિમંડપ) દષ્ટિગોચર થાય. સભામંડપ (ભક્તિમંડપ)માં પ્રભુશ્રીના સ્વહસ્તે શ્રીમદ્જીના દેહ પ્રમાણ માપનો મુખ્ય ચિત્રપટ પ્રતિષ્ઠિત કરવામાં આવેલો છે. સભામંડપમાં ભગવાનનું સમવસરણ ગોઠવી તેમાં ભગવાન મહાવીરની પંચધાતુની પ્રતિમાજી બિરાજમાન કરીને દરરોજ પૂજાનું વિધાન સવારના 9થી 1ર વાગ્યા સુધી કરવામાં આવે છે. ભક્તિના અંતમાં આરતી મંગળદીવો કરી, અહો અહોનું પદ બોલી, પ્રણિપાતસ્તુતિ કરીને કાર્યક્રમ પૂર્ણ થાય છે. આવી અદ્ભુત પ્રતિદિન ભક્તિ સત્સંગની સાધના વિશ્વમાં ક્યાંય જોવામાં આવતી નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહેતા કે, હું કોઈ ગચ્છ કે સંપ્રદાયમાં નથી. એ પ્રમાણે આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હોવાથી શ્વેતાંબર, સ્થાનકવાસી, દિગંબર, વૈષ્ણવ… એમ દરેક સંપ્રદાયના, પરંતુ આત્માને ઓળખવાની ભાવનાવાળા જિજ્ઞાસુ જીવો અહીં આવે છે અને આત્મસાધના કરે છે. આ પવિત્ર સત્સંગધામ, તીર્થશિરોમણિ એવા આશ્રમની આ એક મુખ્ય વિશિષ્ટતા છે. વિ. સં. 1976થી 199ર સુધી પ્રભુશ્રીએ આશ્રમમાં રહી દરરોજના 10 કલાકનો, અનન્ય ભક્તિક્રમ ગોઠવી આપેલો તે પ્રમાણે આજે પણ સત્સંગ સ્વાધ્યાય ભક્તિ કાર્યક્રમ સતત ચાલી રહ્યાં. સભામંડપ (ભક્તિમંડપ)ની બાજુમાં નયનરમ્ય રંગમંડપ દેરાસર-જિનમંદિરમાં મૂળનાયક ચંદ્રપ્રભા ભગવાનની પ્રતિમાજી બિરાજમાન છે. આ ઉપરાંત શીતલનાથ ભગવાન, સુવિધિનાથ ભગવાન અને ઋષભનાથ ભગવાન સહિત પાંચ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા વિ. સં. 1984માં શ્રીમદ્ લઘુરાજજીની હયાતીમાં કરવામાં આવેલી. દિગંબર મંદિરમાં મૂળનાયક ચંદ્રપ્રભ ભગવાન, નેમિનાથ ભગવાન, શ્યામવર્ણના પાર્શ્વનાથ ભગવાન, શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓજી બિરાજમાન છે. દેરાસરની બહાર એક ઘંટ લટકતો દેખાય છે, જે દિવસમાં પાંચ વાર દરેક ભક્તિની શરૂઆતમાં વગાડવામાં – ઘંટનાદ કરવામાં આવે છે. જેમ દેવલોકમાં સુઘોષા ઘંટનાદ સર્વ દેવોને ભગવાનના પંચકલ્યાણકમાં જવાની યાદી આપે તેમ મુમુક્ષુઓને ભક્તિ સત્સંગમાં જવાની યાદી આપનાર આ ઘંટનાદ કહે છે કે, ચાલો ભક્તિનો સમય થઈ ગયો… જેથી મુમુક્ષુઓના હૃદયમાં ભક્તિમાં જવાનો ભાવ ઊપજે છે. દેરાસર, સભામંડપની સામેના ચોગાનમાં આશ્રમના નિમાર્ણકાર્યની સાક્ષીરૂપ રાયણનું ઝાડ દેખાય. આ રાયણની નીચે બેસીને પ્રભુશ્રી બોધ આપતા અને ભક્તિ કરાવતા… અને કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ તે રાયણના જીવને પણ લાભ થાય છે. રાયણના સામીપ્યમાં મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ચોથા માળે અષ્ટકોણાકાર દેરીનાં દર્શન થાય. આ દેરીમાં કાયોત્સર્ગ ધ્યાનમુદ્રામાં શ્રીમદ્ રાજચંદ્રજીની પંચધાતુની પ્રતિમા છે. દેરીના નીચેના ત્રીજા માળે હજારો પુસ્તકોના સંગ્રહવાળું પુસ્તકાલય છે. સભામંડપની સામે જમણી બાજુએ શ્રીમદ રાજમંદિર – આજ્ઞાભક્તિ લેવાનું પવિત્ર શાંતિસ્થાન છે. આશ્રમની શરૂઆતમાં સૌથી પ્રથમ ભક્તિ સત્સંગ કરવા માટે આ સભામંડપ બનાવવામાં આવેલો. તેની બાજુમાં આશ્રમના અધિષ્ઠાતા લઘુરાજસ્વામી અને બ્રહ્મચારીજી નિવાસ કરતા હતા. અહીં જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, એ જ તપ માની પરમકૃપાળુદેવ દ્વારા જણાવેલી આજ્ઞાભક્તિ ગ્રહણ કરવામાં આવે છે. આત્મહિતાર્થે હે પ્રભુશ્રી, યમનિયમ, ક્ષમાપના, અને સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્ર સ્મરણની માળા પરમકૃપાળુદેવની આજ્ઞાથી અહીં લેવાય છે. વિ. સં. 19પ4માં વસો ગામે શ્રીમદ રાજચંદ્રે પ્રભુશ્રીને સહજાત્મસ્વરૂપ પરમગુરુ સ્મરણમંત્ર વગેરે આત્માર્થ સાધના કલ્યાણના જિજ્ઞાસુ જીવોને આપવાની આજ્ઞા આપેલી. તે જ આત્માર્થ સાધના પ્રભુશ્રીએ બ્રહ્મચારીજી અને યોગ્ય જીવોને કરેલી. હવે તે આજ્ઞા આપવાનો અધિકાર કોઈને નહિ હોવાથી પરમકૃપાળુ દેવના ચિત્રપટ સમક્ષ તેઓને પ્રત્યક્ષ માનીને બાજુમાં રહેલો શિલાલેખ વાંચી સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા મારે માન્ય છે… આજ્ઞા સ્મરણમંત્ર અહીં લેવાય છે. સમયના વહેવા સાથે મુમુક્ષઓની સંખ્યામાં વધારો થતા મૂળ સભામંડપ પર્યુષણ, દીપાવલી જેવા પર્વના દિવસોમાં નાનો પડતાં રપ00 મુમુક્ષુ ભાઈબહેનો એકસાથે બેસીને ભક્તિ-સ્વાધ્યાય કરી શકે તેવા વિશાળ નૂતન સભામંડપનું નિર્માણ થયું છે. 1ર0 * 80 ફૂટનો આરસપાષણનો આ સભામંડપ 108 થાંભલા ઉપર બનેલો છે. આ થાંભલા નીચે ભોંયરામાં હોવાથી ઉપર સભામંડપમાં દેખાતા નથી. આ સભામંડપમાં શ્રીમદ રાજચંદ્રજીનો કાયોત્સર્ગ ધ્યાનમુદ્રાનો 13 ફૂટ ઊંચાઈનો સોનેરી ફ્રેમવાળો ભવ્ય વિશાળ ચિત્રપટ મુખ્ય સ્થાને દર્શનાર્થે સ્થાપિત કરવામાં આવેલો છે. આ ચિત્રપટની ત્રણ વિશેષતાઓ છે. ચિત્રપટ સામે ઊભા રહી નીચે ચરણકમળના બેય અંગૂઠા તરફ નજર રાખી, ડાબી કે જમણી, જે બાજુ આપણે ફરીએ તેની સાથે તે ચરણકમળ પણ ડાબી કે જમણી બાજુ વળી જશે. તેમની બેય આંખો ઉપર સામેથી નજર સ્થિર કરી, જે બાજુ આપણે ફરીએ તે તરફ તેમની આંખો પણ આપણી સામે જ જોતી જણાશે. તેમના હાથની હથેળીમાં ધ્યાનથી જોતાં આંખનું ચિહ્ન દષ્ટિગોચર થાય છે. આ બધાં સત્પુરુષનાં લાક્ષણિક ચિહ્નો છે. સભામંડપની નીચે આવેલા ભોંયરામાંના અડધા ભાગમાં વેચાણ માટેનાં લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ લોખંડના ઘોડાઓમાં કરવામાં આવેલો છે. નૂતન સભામંડપની સામે જ્યાં પ્રભુશ્રી અને બ્રહ્મચારીજીના અગ્નિસંસ્કાર કરવામાં આવેલા ત્યાં દેરી- સ્મારકનાં દર્શન થાય છે. આ આશ્રમમાં લઘુરાજ સ્વામીએ 14 ચોમાસા કર્યા. બ્રહ્મચારીજીએ પણ 11 વર્ષ પ્રભુશ્રીની સેવામાં રહી આશ્રમમાં વિતાવ્યા છે અને તે પછી 18 વર્ષ સુધી આ આશ્રમમાં સ્થિરતા કરવાથી આ ભૂમિના કણેકણ પાવન થયેલા છે. વલ્લભ વિદ્યાનગરના મારા બી.એસસી.ના અભ્યાસકાળ દરમિયાન ઘણા રવિવારો અને તે પછી પણ આશ્રમની પવિત્ર પાવન ભૂમિમાં જઈને શાંતિમય આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાનો મને અવસર સાંપડેલો તેને મારી ધન્યતા લેખું છું. આશ્રમનું મૂળભૂત ધ્યેય શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ, મુમુક્ષુઓ ઉત્તમ રીતે ધર્મબોધ પામે તે છે. પ્રભુશ્રી કહેતા કે, સત શીલ સાચવવાનાં છે. બધાને કહેવાનું કે જો અહીં આવી કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકવો. આશ્રમમાં આવનાર વ્યક્તિએ ભક્તિના કાર્યક્રમમાં સમયસર ભાગ લેવો. સાત વ્યસનઃ જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાગમન, શિકાર, પરસ્ત્રીગમન આ સાતનો ત્યાગ કરવો. સાત અભક્ષ્યઃ વડના ટેટા, પીપળાના ટેટા, પીપળના ટેટા, ઉમરડાં, અંજીર, મધ અને માખણનો ત્યાગ કરવો. કંદમૂળઃ ડુંગળી, લસણ, બટાટા, શક્કરિયાં, ગાજર, સૂરણ, રતાળુ, આદુ, મૂળા, લીલી હળદર વગેરે કંદમૂળનો ત્યાગ કરવો. રાત્રિભોજનનો આશ્રમમાં નિષેધ છે. બ્રહ્મચર્ય પાલનઃ આશ્રમમાં આવનાર અને રહેનાર સૌ ભાઈબહેનો માટે બ્રહ્મચર્ય પાલન અનિવાર્ય અને આવશ્યક છે. આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા સંબંધીની વિચારણા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્યનું પાલન. અને રેડિયો, ટેલિવિઝન, એરકન્ડિશન વાપરવાની મનાઈ છે, પણ આશ્રમમાં દરરોજ પ્રભાતે 4થી 6.30 ભક્તિ, આલોચના, સ્તવનાદિ સવારે 9થી 11.4પ ભક્તિ તથા પૂજાનો ક્રમ બપોરે રથી 4.1પ ભક્તિ, વાંચન, સાંજે 6થી 6.4પ દેવવંદન, આરતી (સૂર્યાસ્ત પ્રમાણે ફેરફાર). રાત્રે 7થી 9.30 ભક્તિ, વાંચન (સૂર્યાસ્ત પ્રમાણે ફેરફાર). આ પ્રમાણે રોજ 10 કલાકની ભક્તિ આશ્રમમાં 98 વર્ષથી ચાલે છે. આ ઉપરાંત, વૈશાખ સુદ 8ના રોજ શ્રીમદ્ લઘુરાજસ્વામીનો દેહોત્સર્ગ થયો હતો અને વૈશાખ સુદ 9ના રોજ તેઓના અગ્નિસંસ્કાર કરવામાં આવેલા. આશ્રમમાં આ બે દિવસની ઉજવણી પર્વરૂપે કરવામાં આવે છે. વૈશાખ સુદ 8ના દિવસે સભામંડપમાં મુમુક્ષુઓ સમાધિમરણની છત્રીસ માળાઓ રાતના 8થી 11 વાગ્યા સુધી ગણે છે અને 11થી 1ર વાગ્યા સુધી ની દેરી ઉપર જઈ ભક્તિ કરવામાં આવે છે. વૈશાખ સુદ 9ના દિવસે સવારે 9થી 1ર વાગ્યા સુધી સભામંડપમાં આત્મસિદ્ઘિની ભક્તિ મુમુક્ષુઓ ભાવપૂર્વક કરે છે. આશ્રમ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગે્રજી ભાષામાં લગભગ 1રપ પુસ્તકોનું પ્રકાશન થાય છે, જેનું વિતરણ પુસ્તક વિતરણ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આશ્રમની વ્યવસ્થા માટે મુખ્ય કાર્યાલય, નવીન આવેલા મુમુક્ષુઓ માટે ઉતારાની સગવડ – વ્યવસ્થા ઉતારા વિભાગ કરે છે. મુમુક્ષુઓ માટે ચા, દૂધ, ભોજન માટે ભોજનાલય છે. સાંજે પાંચ વાગ્યે ચોવિહારની વ્યવસ્થા છે, રાત્રિભોજનનો આશ્રમમાં નિષેધ છે. આશ્રમમાં ઘરે ભોજન બનાવવા માટેની સામગ્રી ભોજનસામગ્રી કેન્દ્રમાંથી મેળવી શકાય છે!

લેખક કર્મશીલ પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here