અદાણી-હિન્ડનર્બગ કેસમાં સુપ્રીમકોર્ટનો મોટો ચુકાદો

નવી િદલ્હીઃ અદાણી-હિન્ડનબર્ગ કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે SEBIની તપાસને યોગ્ય ગણાવીને દખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેબીએ 22 આરોપોની તપાસ કરી છે અને હવે બાકીના બે કેસની તપાસ માટે અમે ત્રણ મહિનાનો સમય આપીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસને SEBI પાસેથી પરત લઈને એસઆઈટીને સોંપવાનો પણ ઈનકાર કરી દેતાં કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી કરવાનો કોઈ જ આધાર નથી. આ સાથે સરકાર અને સેબીને સુપ્રીમકોર્ટે સલાહ આપી હતી કે તેઓ નિષ્ણાતોની સમિતિ દ્વારા અપાયેલા સૂચનો ધ્યાનમાં રાખે. તપાસને ટ્રાન્સફર કરવાની જરૂર નથી, હાલ આ તપાસ સેબી જ કરશે. સેબીની તપાસ પર અમને શંકા નથી. સ્ટોક માર્કેટમાં નિયમો નક્કી કરવાનું કામ સેબીનું છે. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય બાદ અદાણીના ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી કરતા લખ્યું કે ‘સુપ્રીમ કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે. હું તે તમામ લોકોનો આભારી છું, જેઓ અમારી સાથે હતા. ભારતના વિકાસમાં અમારું યોગદાન ચાલુ રહેશે. હિન્ડનબર્ગના આરોપો બાદ અદાણી સામેના છેતરપિંડીના કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. ગત વર્ષે નવેમ્બરમાં બેન્ચે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. અદાણી ગ્રૂપ પર આરોપ હતો કે કંપનીએ તેના શેરની કિંમતોમાં ગેરકાયદે રીતે ફેરફાર કર્યા છે અને હિન્ડનબર્ગ રિસર્ચ ફર્મના ખુલાસા બાદ તેની શેરના ભાવ આશરે 80 ટકા સુધી ગગડી ગયા હતા. અદાણીએ આ તમામ આરોપો ફગાવી દીધા હતા. સુપ્રીમકોર્ટ ચુકાદો આપે તે પહેલાં શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરોની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો હતો. મોટાભાગના શેરોની કિંમતમાં 5 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટની કિંમતમાં પણ મોટો વધારો દેખાયો હતો. આ કેસમાં કોર્ટે 24 નવેમ્બરે ચુકાદો અનામત રાખતા કહ્યું હતું કે અમારી પાસે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ને બદનામ કરવાનું કોઈ કારણ નથી, જેણે અદાણી જૂથ સામેના આરોપોની તપાસ કરી હતી. આ ઉપરાંત સેબીએ શું કર્યું છે તે અંગે શંકા કરવા માટે તેની વિરુદ્ધ કોઈ જ મજબૂત આધાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here