જાપાનમાં ભૂકંપના કારણે 55નાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકાઃ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વાજિમા: જાપાનમાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપથી ધરતી હચમચી ઊઠી હતી. ભૂકંપના બીજા દિવસે જાપાનમાં વિનાશક્તાની તસવીરો સામે આવી રહી છે. ભૂકંપના કારણે હજારો ઈમારતોને નુકસાન થયું છે અને અંદાજે ૫૫થી વધુ લોકોનાં મોત થયા છે. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું કે મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે ૧ લાખ લોકોને તેમના ઘર ખાલી કરવાના આદેશ અપાયા છે. તેમને સુરક્ષિત સ્થળે મોકલાયા છે. જોકે, સુનામીની ચેતવણી પાછી ખેંચાયા પછી અનેક લોકો તેમના ઘરોમાં પરત ફર્યા છે. સરકારી અધિકારીઓએ લોકોને તેમના ઘરોથી દૂર રહેવા ચેતવણી આપી છે. અનેક વિસ્તારોમાં જમીન હજુ પણ આફ્ટરશોક્સના કારણે અસ્થિર છે. અધિકારીઓનું માનવું છે કે હજુ વધુ મોટા ભૂકંપનું જોખમ છે. ભૂકંપના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે તેમજ ૩૪,૫૦૦થી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી. જાપાનના ઈશિકાવામાં આફ્ટરશોક્સ હજુ પણ ચાલુ છે. ભૂકંપ આવ્યા પછી ત્યાં લગભગ ૧૫૫ નાના ભૂકંપ આવ્યા છે, જેની તીવ્રતા ૩.૪થી ૪.૬ સુધી રહી છે. જાપાનના મીડિયાના અહેવાલ મુજબ ભૂકંપના કારણે હજારો મકાનો તૂટી પડયા છે. સરકારી પ્રવક્તા યોશિમાસા હયાશિએ જણાવ્યું કે, ૧૭ લોકોને ગંભીર ઈજા થઈ છે અને મૃત્યુઆંક વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here