વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટનું લોન્ચિંગ ટળ્યુંઃ રોકેટ પ્રેશર વોલ્વમાં સમસ્યા

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ સ્ટારશિપનો પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે રોકેટને રીસેટ કરવામાં ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગશે. સ્ટેનલેસ સ્ટીલ સ્ટારશિપ સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની છે.
આ લોન્ચિંગ એટલે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે માત્ર આ સ્પેસશિપ જ મનુષ્યને ઈન્ટરપ્લેનેટરી બનાવશે, એટલે કે એની મદદથી પ્રથમ વખત માણસ પૃથ્વી સિવાયના બીજા ગ્રહ પર પગ મૂકશે. મસ્ક 2029 સુધીમાં મનુષ્યને મંગળ પર લઈ જવા અને ત્યાં કોલોની વસાવવા માગે છે. આ સ્પેસશિપ એક કલાકથી પણ ઓછા સમયમાં માનવીને દુનિયાના કોઈપણ ખૂણે લઈ જવા માટે સક્ષમ હશે. આ સ્ટારશિપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ લગભગ 40 માળની ઇમારત જેટલી ઊંચી છે. 150 મેટ્રિક ટન વજન વહન કરી શકે છે.
સ્પેસએક્સના સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે ‘સ્ટારશિપ’ કહેવામાં આવે છે. એ એક રિયુજેબલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. દક્ષિણ ટેક્સાસમાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સ્ટારશિપ લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ બાદ એ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે. આ સિસ્ટમ એકસાથે 100 લોકોને મંગળ પર લઈ જવામાં સક્ષમ હશે. મસ્ક 10 એપ્રિલે જ સ્ટારશિપ લોન્ચ કરવા માગતા હતા, પરંતુ એ વખતે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA તરફથી મંજૂરી મળી શકી ન હતી.
આ સમગ્ર લોન્ચ 90 મિનિટનું હશે. ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન લિફ્ટ-ઓફ થયાની લગભગ 3 મિનિટ પછી બૂસ્ટર અલગ થઈને મેક્સિકોના અખાતમાં ઊતરશે. શિપ 150 માઈલ એટલે કે 241.40 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે અને પછી હવાઈ કોસ્ટ પર સ્પ્લેશડાઉન કરશે, એટલે કે આ પરીક્ષણમાં સ્ટારશિપ વર્ટિકલ લેન્ડિંગનો પ્રયાસ કરશે નહીં.
આ પરીક્ષણની સફળતા મસ્કને મંગળ પર શહેર વસાવવાના તેમના સપનાની નજીક લઈ જશે. જોકે મસ્કે હાલમાં કહ્યું હતું કે સ્ટારશિપના પ્રથમ ઓર્બિટલ મિશનમાં સફળ થવાની શક્યતા માત્ર 50 ટકા છે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સ્પેસએક્સ દક્ષિણ ટેક્સાસની સાઇટ પર ઘણાં સ્ટારશિપ વ્હીકલનું નિર્માણ કરી રહ્યું છે. આને આગામી મહિનાઓમાં વારંવાર લોન્ચ કરવામાં આવશે અને એમાંથી એક આ વર્ષે ભ્રમણકક્ષામાં પહોંચે એવી લગભગ 80 ટકા શક્યતા છે.
સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટ એકસાથે રિયુજેબલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બનાવે છે, જે ભ્રમણકક્ષામાં રિફ્યુલિંગ કરવામાં સક્ષમ છે. આ સિસ્ટમ મંગળની સપાટી પર હાજર નેચરલ H2o અને Co2નાં સંસાધનોમાંથી પણ રિફ્યુઅલ કરી શકે છે. મંગળ પર મનુષ્યોને મોકલવાની વાત કરતાં સ્ટારશિપ સુપર હેવી બૂસ્ટર સાથે લોન્ચ કરવામાં આવશે. એ પછી બૂસ્ટર અલગ થઈ જશે અને પૃથ્વી પર પરત આવશે.
હવે પૃથ્વી પરથી રિફ્યુલિંગ ટેન્કર લોન્ચ કરવામાં આવશે. આ ટેન્કર ભ્રમણકક્ષામાં સ્ટારશિપ સાથે ડોક થઈ જશે અને રિફ્યુલિંગ બાદ પૃથ્વી પર પરત ફરશે. સ્ટારશિપ હવે પૃથ્વીની ભ્રમણકક્ષાથી મંગળ સુધીની તેની સફર શરૂ કરશે. સ્ટારશિપ મંગળના વાતાવરણમાં 7.5km/secની ઝડપે પ્રવેશ કરશે અને પછી ધીમું પડશે. આ વ્હીકલની હીટ શિલ્ડને મલ્ટીપલ એન્ટ્રી માટે તૈયાર કરવામાં આવી છે. ધીમી ગતિ પછી સ્ટારશિપ મંગળ પર ઊતરશે. પૃથ્વી પરથી મંગળ પર પહોંચવામાં લગભગ 9 મહિનાનો સમય લાગશે અને એટલો જ સમય પાછો ફરવામાં લાગશે.
મંગળ પર વસાહત વસાવવાની જરૂરિયાત અંગે એલોન મસ્ક કહે છે- ‘પૃથ્વી પર જીવનનો અંત આવવાની ઘટના માનવતાના અંતનું કારણ બની શકે છે, પરંતુ જો આપણે મંગળ પર પોતાનો બેઝ બનાવીએ તો ત્યાં માનવ જીવિત રહી શકે છે.’ કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પરના ડાઇનાસોરનો પણ જીવન સમાપ્તિની ઘટનાને કારણે અંત આવ્યો હતો. જ્યારે પ્રોફેસર સ્ટીફન હોકિંગે પણ 2017માં કહ્યું હતું કે જો માનવીએ જીવિત રહેવું હોય તો તેણે 100 વર્ષમાં વિસ્તાર કરવો પડશે.
સ્ટારશિપનું સૌથી મોટું લક્ષ્ય મનુષ્યને મંગળ પર લઈ જવાનું છે. આ સિવાય સ્ટારશિપ નાસાના ચંદ્ર પર માનવ મોકલવાના મિશનમાં લેન્ડર તરીકે પણ કામ કરશે. મસ્કની યોજના સ્પેસ ટૂરિઝમ માટે સ્ટારશિપનો ઉપયોગ કરવાની પણ છે. મસ્કે જાપાનના એક અબજોપતિ યુસાકુ માઇઝાવાને ચંદ્રની આસપાસની સફરનું વચન આપ્યું છે. સ્ટારશિપ 60 મિનિટની અંદર માનવોને વિશ્વના કોઈપણ ખૂણે પહોંચાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here